Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સાઈકલોફનમાં ૧૪ થી ૭૩ વર્ષ સુધીના સાઈકલવીરોએ ઉત્સાહ બતાવ્યો

રાજકોટઃ શહેરને  પ્રદૂષણમુકત તેમજ કિલન એન્ડ ગ્રીન બનાવવાના હેતુથી રોટરી કલબ ઓફ મીડટાઉન, રાજકોટ સાઈકલ કલબ અને મહાપાલિકા દ્વારા સતત ચોથા વર્ષે આયોજિત સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી સ્પોર્ટસ ઈવેન્ટ સાઈકલોફન-૨૦૧૯માં શહેરના ૧૭૦૦ રાઈડરો પૂરબહારમાં ખીલ્યા હતા અને કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારથી જ ૨૫ અને ૫૦ કિલોમીટરની રાઈડનો લુત્ફ ઉઠાવ્યો હતો. આ દ્રશ્ય જોઈ શહેરીજનોમાં એવો જ ગણગણાટ સાંભળવા મળ્યો હતો કે જો આટલા સાઈકલીસ્ટ રોજ સાઈકલ ચલાવતાં થઈ જાય તો શહેરના પ્રદૂષણમાં અવશ્ય દ્યટાડો આવી જ જાય. સાઈકલીસ્ટોને પ્રોત્સાહિત કરવા માટે શહેરના અનેક મહાનુભાવોએ પણ હોંશે હોંશે સાઈકલ ચલાવી હતી. જો કે તમામ રાઈડરોએ રાઈડને પૂરા ખંતથી પૂર્ણ કરી લીધી હતી. સાઈકલોફનમાં હેલ્મેટનો નિયમ ફરજિયાત રાખવામાં આવ્યો હોય તેથી તમામ રાઈડરોએ હેલ્મેટ ધારણ કરી હતી.

આ સાઈકલોફનમાં ૧૪ વર્ષથી લઈ ૭૩ વર્ષના સાઈકલીસ્ટે ઉત્સાહ બતાવ્યો હતો. ૨૫ અને ૫૦ કિ.મી.ની રાઈડમાં ૫૦ કિલોમીટર કેટેગરીમાં ૮૦૦ રાઈડરો અને ૨૫ કિ.મી. રાઈડમાં ૯૦૭ રાઈડરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરી લેનારા રાઈડરોને ૩૦ સાઈકલ ઉપરાંત ૧૫ ગીફટ વાઉચર ઉપરાંત ૧૦ રીસ્ટવોચ અને અન્ય ગીફટથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આયોજિત થયેલી સાઈકલોફન કરતાં આ વખતની સાઈકલોફનમાં ૫૦૦ રાઈડરોનો ઉમેરો થવા પામ્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર ગત વખતે ૧૨૦૦ રાઈડરો નોંધાયા હતા જેમાં આ વર્ષે ૫૦૦નો ઉમેરો થઈ સંખ્યા ૧૭૦૦એ પહોંચી હતી. આમ વર્ષે દર વર્ષે સાઈકલીસ્ટોમાં જાગૃતતા આવતી જાય છે જે શહેર માટે ગૌરવની બાબત છે. સવારે એકદમ સમયસર ૬ વાગ્યે ફ્લેગઓફ અને બીજું ફ્લેગઓફ ૬:૩૦ વાગ્યે થઈ જ ગયું હતું. આમ સમયની બાધ્યતા પણ અત્રે જોવા મળી હતી.

આયોજકોએ જણાવ્યું કે આ કોઈ રેસ નહોતી તેથી લોકોએ જીતવા માટે નહીં બલ્કે શહેરને હરિયાળું બનાવવા માટેનો મેસેજ આપવા સાઈકલ ચલાવી હતી. ગઈકાલે વહેલી સવારે શહેરમાં કડકડતી ઠંડીની પરવા કર્યા વગર ૧૭૦૦થી વધુ સાઈકલીસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને ૧૪ વર્ષના બાળકો કે તેમને પેડલ મારતાં જોઈ મોટેરા સુધીના પણ ઉત્સાહમાં આવી ગયા હતા અને પેડલ મારવાની ઝડપ વધારી દીધી હતી.

આ સાઈકલોફનમાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્રનિભાઈ મોલીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ ડે.મેયર અને કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ, ડે.કમિશનર ચેતન નંદાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, અનિમેષભાઈ રૂપાણી, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ભકિતનગર પીઆઈ વી.કે.ગઢવી, જીનિયસ ગ્રૂપના ડી.વી.મહેતા સહિત શહેર પોલીસના ૫૦ જવાનો ઉપરાંત જીએસટી કમિશનર લલિતપ્રસાદ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અશોકભાઈ ગજેરા, વિપુલભાઈ માકડીયા, રાજેશભાઈ પરસાણા, મિહિરભાઈ માડેકા, પ્રદીપભાઈ પટેલ સહિતના પણ ઈવેન્ટમાં સહભાગી થયા હતા. રાજકોટ સાઈકલ કલબના સભ્યો, રોટરી કલબ ઓફ મીડટાઉન, શહેર પોલીસ, મહાનગરપાલિકા, જિલ્લા કલેકટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશન તેમજ ટ્રાફિક પોલીસનો સહયોગ મળ્યો હતો.

દિવ્યમ ઠકકરે ૧.૩૫ કલાકમાં ૫૦ કિલોમીટરની રાઈડ કરી પૂર્ણ

૧૭૦૦ જેટલા સાઈકલીસ્ટોએ ભાગ લીધો હતો જે પૈકી દિવ્યમ ઠકકર નામના રાઈડરે ૫૦ કિલોમીટરની સાઈકલ રાઈડ ૧ કલાક ૩૫ મિનિટમાં પૂર્ણ કરી લીધી હતી. આ ઉપરાંત અનેક રાઈડરો એવા હતા જેમણે અત્યંત ઓછા સમયમાં રાઈડ પૂર્ણ કરી લીધી હતી તેમને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

૨૯મી ડીસેમ્બરે મેરેથોન

રોટરી કલબ ઓફ મીડટાઉન-રાજકોટ અને મહાનગરપાલિકા દ્વારા સાઈકલોફનનું શાનદાર આયોજન કરાયા બાદ હવે ૨૯ ડિસેમ્બરે યોજાનારી મેરેથોનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ૫ કી. મી.ની ફન રાઈડ માટે ૨૦ ડિસેમ્બર, તેમજ ૧૦ કિ.મી. અને ૨૧ કિ.મી. (હાલ્ફ મેરેથોન)માં રજિસ્ટ્રેશન કરાવવા માટે ૧૬ ડિસેમ્બર છેલ્લો દિવસ હોય તાકિદે નોંધણી કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:38 pm IST)