Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

મગફળી ખરીદીનો અડધો લક્ષ્યાંક પૂર્ણ, ૬ર૪૬૮ ખેડુતો પાસેથી ખરીદીઃ રૂ. રર૬ કરોડ ચુકવાયા

ખરીદીનો એક મહિનો પુરો, સરકારની સિધ્ધી ઉગી નીકળીઃ ૯૪૦૩પ ખેડુતોને એસએમએસ કરાયાઃ ખરીદીનું કામ પુરૂ કરવામાં બોટાદ જિલ્લો સૌથી મોખરે

રાજકોટ, તા., ૧૫: રાજય સરકારે ઓન લાઇન નોંધણી મુજબ લાભ પાંચમ ૧પ નવેમ્બરથી રાજયના ૧રર કેન્દ્રો પરથી મગફળી ખરીદવાનું શરૂ કરેલ. તેનો એક મહિનો પુરો થયો છે. જેમાં ખરીદીના લક્ષ્યાંક નું અડધા જેટલું કામ પુરૂ થઇ ગયું છે. સરકારે ૧૪ ફેબ્રુઆરી સુધી ખરીદી ચાલુ રાખવાનું જાહેર કર્યુ છે. કુલ ર,૩૩,૧પપ  ખેેડુતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે જેમાંથી ૯૪,૦૩પ ખેડુતોને મગફળી જે તે કેન્દ્ર પર લાવવા માટે એસએમએસ મોકલવામાં આવેલ. તે પૈકી ઘણા ખેડુતોએ આવવાનું માંડી વાળ્યું હતું અને ઘણા આવીને મગફળી વેચી ગયા છે.  નોંધાયેલા આંકડાને ધ્યાને લેતા ર૭ ટકા જેટલી ખરીદી પુરી થયેલ ગણાય પરંતુ વાસ્તવિક રીતે એસએમએસના આંકડા અને વેચવા આવેલા ખેડુતોની સંખ્યા જોતા મગફળી ખરીદીનો અડધો જેટલો લક્ષ્યાંક પુરો થઇ ગયો છે.

મગફળી ખરીદી માટેની રાજય સરકારની એજન્સી નાગરિક પુરવઠા નિગમના મેેનેજીંગ ડીરેકટર શ્રી મનીષ ભારદ્વાજ (આઇ.એ.એસ.) એ જણાવ્યા મુજબ કુલ ર,૩૩, ૧પપ ખેડુતોએ મગફળી વેચવા નોંધણી કરાવેલ. તે પૈકી ગઇકાલે રાત સુધીમાં ૬ર,૪૬૮ ખેડુતો પાસેથી ખરીદી કરવામાં આવી છે. તે જથ્થાની દ્રષ્ટિએ ૧ર,૪૪,૭૬૧ કવીન્ટલ અને કિંમતની દ્રષ્ટિએ ૬રર.૩૮ કરોડ થાય છે. જેમાંથી ૧૮,૬૭૧ ખેડુતોને રૂ. રર૬ કરોડ જેવી રકમ ચુકવી દેવામાં આવી છે. રાજયમાં ૧રર કેન્દ્રો પર નિગમના ૭રર કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવેલ. બોટાદમાં નોંધાયેલા ખેડુતોની પાસેથી મગફળી ખરીદવાની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. બીજા કેટલાક જિલ્લાઓમાં  ખરીદી પુરી થવાની તૈયારી છે. જયાં ખરીદી પુરી થઇ ગઇ છે તેવા જિલ્લાના સ્ટાફનો નજીકના જિલ્લાના ખરીદ કેન્દ્ર પર સાધન સામગ્રી સાથે કામે લગાડવામાં આવશે. ખરીદી પ્રક્રિયા અને ખેડુતોના ખાતામાં નાણા જમા કરવાની પ્રક્રિયામાં ઝડપ વધારવાના પ્રયાસો અવિરત છે. (૪.૯)

(3:42 pm IST)