Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ટી.પી.ઓ. એમ.ડી. સાગઠિયાની ડિગ્રી બાબતે...

કોંગ્રેસમાં જબરી ધમાલઃ શહેર પ્રમુખ મહેશ રાજપૂતે ટી.પી.ઓ.ની શૈક્ષણિક લાયકાત અંગે માહિતી માંગી

કોર્પોરેટર દિલીપ આસવાણીએ ગઈકાલે તેઓએ ટી.પી.ઓ. બાબતે પૂછેલો પ્રશ્ન પાછો ખેંચ્યો જ નથી તેમ જણાવ્યું !

રાજકોટ, તા. ૧૫ :. મ્યુ. કોર્પોરેશનમાં ટાઉન પ્લાનીંગ ઓફિસરની ડીગ્રી બાબતે વિપક્ષ કોંગ્રેસમાં જબરી ધમાલ મચી છે કેમ કે ગઈકાલે આ બાબતે કોંગ્રેસના કોર્પોરેટર દિલીપભાઈ આસવાણીએ જનરલ બોર્ડમાં પૂછેલો પ્રશ્ન પાછો ખેંચ્યો હોવાનો પત્ર સેક્રેટરીને આપ્યો હતો અને આજે તેઓએ આવો કોઈ પત્ર જ નહિ આપ્યાનું જાહેર કર્યુ છે અને આ દરમિયાન જ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે પણ આ પ્રકરણમાં ઝુકાવી અને માહિતી અધિકાર અન્વયે ટી.પી.ઓ.ની શૈક્ષણિક લાયકાત અંગે માહિતી માંગી છે. આમ ટી.પી.ઓ.ની સંવેદનશીલ પોસ્ટ બાબતે શહેર કોંગ્રેસ દ્વારા પ્રશ્નોની ઝડી વરસાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

 

આ અંગેની વિગતો મુજબ ગઈકાલે સેક્રેટરી શ્રી રૂપારેલીયાને કોંગ્રેસના કોર્પોરેટર દિલીપભાઈ આસવાણીના લેટર પેડ ઉપર લખેલો પત્ર મળ્યો હતો. જેમાં દિલીપભાઈ આસવાણીએ આગામી ૧૮મીએ મળનાર જનરલ બોર્ડમાં પૂછેલો ટાઉન પ્લાનીંગ ઓફિસર શ્રી સાગઠિયાની ડીગ્રી અને નિમણૂક બાબતનો પ્રશ્ન તેઓ પરત ખેંચી રહ્યા છે તેવુ જણાવેલ. આથી આ બાબત સેક્રેટરી દ્વારા જાહેર કરવામાં આવી હતી પરંતુ આજે દિલીપભાઈ આસવાણીએ ફરીથી એક પત્ર સેક્રેટરી શ્રી રૂપારેલીયાને આપ્યો હતો જેમાં તેઓએ જણાવેલ કે, ટી.પી.ઓ.ની લાયકાત બાબતનો પ્રશ્ન તેઓએ જનરલ બોર્ડમાંથી પરત ખેંચ્યાનો પત્ર તેઓના લેટર પેડ ઉપર સેક્રેટરીને આપવામાં આવ્યો છે પરંતુ આવો પત્ર તેઓએ લખ્યો નથી. આથી આગામી જનરલ બોર્ડમાં તેઓએ પૂછેલો પ્રશ્ન તેઓએ પરત ખેંચ્યો નથી અને આ પ્રશ્નની ચર્ચા જનરલ બોર્ડમાં કરવા દિલીપભાઈએ સેક્રેટરીને પત્ર મારફતે જણાવ્યુ છે. આમ આ પ્રકરણમાં જબરી વિસંગતતા ફેલાય છે.

દરમિયાન આજે શહેર ભાજપ પ્રમુખ મહેશભાઈ રાજપૂતે પણ આ પ્રકરણમાં ઝુકાવી અને મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર પાઠવી માહિતી અધિકાર હેઠળ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાની ડિગ્રીની નકલો આપવા તથા તેઓ કયારે કઈ પોસ્ટ ઉપર કોર્પોરેશનમાં નિમણૂક પામ્યા હતા ? તેની માહિતી આપવા અને તેઓને ટી.પી.ઓ.નો ચાર્જ સોંપવા અંગે શું પ્રક્રિયા થઈ હતી ? છેલ્લા કેટલા સમયથી તેઓ ઈન્ચાર્જ ટી.પી.ઓ. તરીકે કાર્યરત છે ? આ તમામ માહિતી આપવા માંગણી કરી છે.

આમ ટાઉન પ્લાનીંગ ઓફિસરની ડીગ્રી બાબતે શહેર કોંગ્રેસમાં જબરી ધમાલ મચી છે.(૨-૨૦)

(3:46 pm IST)