Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

આ પંચ મહાવ્રતો મારી પંચમ મોક્ષ ગતિનું કારણ બનોઃ દેહની દરકાર કરનારને સર્વજ્ઞની સરકારમાં સ્થાન નથી મળતું: પૂ. નમ્રમુનિ મ. સા.

રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.ના શ્રીમુખેથી નૂતન દીક્ષિત સાધ્વીરત્નાઓની વડી દીક્ષા યોજાઇ

 રાજકોટઃ જેમની જ્ઞાનદ્રષ્ટિ અનેક અનેક આત્માઓની આત્મદ્રષ્ટિમાં અજવાળા પાથરીને એમના સમગ્ર સંસારનો છેદ ઉડાડી રહી છે એવા જ્ઞાનદ્રષ્ટા દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી તા. ૯ નાં મંગલ દિને દીક્ષા ગ્રહણ કરનારા નૂતનદીક્ષિત સાધ્વીરત્ના પૂજય શ્રી પરમ સ્વમિત્રાજી મહાસતીજી તેમજ પરમ શ્રી પરમ શ્રી આરાધ્યાજી મહાસતીજીની વડી દીક્ષાનો અવસર રાજકોટના શ્રી ડુંગર દરબારમાં સંપન્ન થયો હતો.

ડુંગર દરબારના વિશાળ પ્રાંગણમાં ઉપસ્થિત હજારો ભાવિકોની નવદીક્ષિત મહાસતીજીઓના દર્શનની રાહ તકતી આંખોની સાક્ષીએ જયારે નૂતનદીક્ષિત મહાસતીજીઓ પધાર્યા ત્યારે તેમનું અત્યંત અહોભાવપૂર્વક એક વીરાંગનાના પ્રવેશ જેવા આદર-સત્કાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિશેષમાં ગત રવિવારે દીક્ષા દિનના દિવસે જ દીક્ષા મંડપના ગેટની તોતિંગ કમાન જેમના મસ્તક પર પડતાં અત્યંત પણે ગંભીર સ્વરૂપે ઇજાગ્રસ્ત બનવા છતાં અને હોસ્પિટલમાં મસ્તકે ૨૭ સ્ટીચીઝ સાથેની સારવાર લઈને એ જ દિવસે એક વીરાંગનાની માફક દીક્ષા અંગીકાર કરનારા એવા નૂતનદીક્ષિત પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજીના પ્રવેશ સાથે જ હજારો મસ્તક એમના ચરણમાં નત્ત્। બની ગયાં હતાં.

જૈન દર્શનમાં સામાયિક ચારિત્ર રૂપ દીક્ષા અર્પણ કર્યા બાદ સાતમા દિવસે પંચ મહાવ્રત રૂપી છેદોપસ્થાપનિય ચરિત્રથી સંયમમાં સદાને માટે સ્થાપિત કરવાની વાત બતાવવામાં આવી છે તે મુજબ બંને નૂતનદીક્ષિત આત્માઓને પંચ મહાવ્રતોથી આરોપિત કરીને સંયમધર્મમાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં.

પૂજય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબના શ્રી મુખેથી બંને સાધ્વીરત્નાઓને ક્ષેત્ર વિશુદ્ઘિની વિધિ કરાવ્યાં બાદ રાષ્ટ્રસંત પૂજયશ્રીના બ્રહ્મનાદથી પ્રગટતાં પ્રભુ કથિત શ્રી દશવૈકાલિક સૂત્ર આગમમાં આલેખિત વચનો સાથે પાંચ મહાવ્રતોમાં બંને સાધ્વીરત્નાઓને સ્થાપિત અને ઉપસ્થાપિત કરવામાં આવતાં નૂતનદીક્ષિત મહાસતીજીઓ ધન્ય ધન્ય બની ગયાં હતાં.

આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રીએ સંયમ ધર્મનો બોધ આપતાં સમજાવ્યું હતું કે, માનવજન્મની પ્રાપ્તિ, પ્રભુધર્મની ઉપલબ્ધિ અને સ્વયંના અંતર આત્મામાંથી પ્રગટતી સંયમ જીવનની શ્રેષ્ઠ અનુભૂતિની ક્ષણ લાખો લાખો જન્મ પછી સર્જાતી હોય છે. પ્રભુની આજ્ઞા પ્રમાણે મુમુક્ષુ આત્માને સામાયિક ચરિત્રથી દીક્ષિત કર્યા બાદ જે પંચ મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે, તે સંયમી આત્મા માટે આ જગતની શ્રેષ્ઠ ગીફ્ટ હોય છે. પંચ મહાવ્રતો રૂપી આ દીક્ષા તે એક સંયમી આત્મા માટે પંચમ ગતિ પ્રાપ્ત કરવાનું નિમિત્ત્। બની જતી હોય છે. ધન્ય બની જાય છે એવા સંયમી આત્માઓ, જેમને અમૂલ્ય એવા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પંચ મહાવ્રત દ્વારા આત્માના કુસંસ્કારોનું અગ્નિ સંસ્કાર કરીને આત્માને સંયમથી ભાવિત કરવાની તક મળે છે.

ઉપરાંતમાં દીક્ષાના દિવસે જ મરણાંતિક ઉપસર્ગ અને વેદના આવવા છતાં એક વીરાંગનાની માફક દીક્ષા અંગીકાર કરનારા નૂતનદીક્ષિત પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજીની ધીરતા, વીરતા અને શૂરવીરતાની પ્રશસ્તિ કરતાં કહ્યું હતું કે, જેને નમસ્કાર કરવા ન પડે પરંતુ નમસ્કાર થઈ જાય એવા આ મહાસતીજીની પોતાના આત્મબળથી સંયમ માર્ગ પર આગળ વધી રહ્યાં છે.એમને આવેલી આ વેદનાને પણ વૈભવમાં પરિવર્તિત કરીને એમણે જિનશાસનના મસ્તકને ઉન્નત કરી દીધું છે.

જે અમૂલ્ય વચનો દ્વારા નૂતનદીક્ષિતને વડી દીક્ષાનાં પાઠ ભણાવ્યાં તે પ્રભુ વચનોને આલેખિત કરતાં શ્રી દશવૈકાલિક સૂત્ર આગમની પાવન પોથી  વિરેશભાઈ ગોડાના હસ્તે અત્યંત અહોભાવપૂર્વક રાષ્ટ્રસંત પૂજયશ્રીના કર કમલમાં અર્પણ કરવામાં આવી હતું. આ અવસરે છેલ્લા ૭ દિવસથી પરમ આરાધ્યાજી મહાસતીજીની સારવારમાં સહયોગ આપનાર સિનર્જી હોસ્પીટલનાં ડોકટર્સનું સન્માન કરવામાં આવ્યું હતુ. (૪૦.૧૪)

ગુજરાતની ધરતી પરથી જીવીત પશુઓની નિકાસ અટકાવવાના નિર્ણયની અનુમોદના કરતા પૂ. નમ્રમુનિ

 ગુજરાત રાજયનાં જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ટૂંણા-કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાસ સ્થગિત કરવાનો જીવ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રુઅલ્ટી એકટ-એટલે કે પશુઓ પર થતાં અત્યાચાર અને ક્રૂરતાને અટકાવતા કાયદાના કડક અમલ માટે રાજય સરકારની જીવદયા પ્રતિબદ્ઘતા માટે રાજકોટનાં રોયલપાર્ક ઉપાશ્રયમાં બિરાજમાન રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબએ ગૌરવ પૂર્વક અનુમોદના કરી હતી.

જીવદયા અને માનવતાની મિશાલ જન-જન અને જૈન-જૈનનાં હૃદયમાં પ્રગટાવવા માટે પુરુષાર્થશીલ રાષ્ટ્રસંત પૂજયશ્રીએ રાજય સરકારના આ નિર્ણયને વધાવીને રાજય સરકાર હજુ પણ આ ક્ષેત્રે સતત સાવધાન રહે તેવા શુભ આશીર્વચન પાઠવ્યાં હતાં.

અનેક અનેક પશુઓને મૃત્યુના મુખમાંથી ઉગારી દેનારા મુખ્યમંત્રીશ્રીના આ અહિંસક નિર્ણયને ગુજરાતના સર્વ સમાજના જીવદયાપ્રેમી ભાવિકોએ હર્ષપૂર્વક વધાવી લીધો હતો. (૪૦.૧૪)

(3:45 pm IST)