Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

સમાધાન ફગાવ્યું...

દક્ષાબેન ભેંસાણિયા કોર્પોરેટર પદેથી રાજીનામુ દેવા મક્કમ

સામા કાંઠાના મહિલા કોર્પોરેટરોનો ડખ્ખો વકર્યો...: દક્ષાબેનનાં પતિ અરવિંદભાઈ રાજીનામુ લઈ ભાજપ કાર્યાલયે પહોંચ્યા પરંતુ શહેર પ્રમુખ કમલેશ મિરાણી મળ્યા નહિં

દક્ષાબેનના પતિ અરવિંદભાઈ ભાજપ કાર્યાલયે પહોંચ્યા તે વેળાની તસ્વીર(૨-૧૯)

રાજકોટ, તા. ૧૫ :. ભાજપના સામા કાંઠાના બે મહિલા કોર્પોરેટરો વચ્ચેના ડખ્ખામાં સમાધાન થયાનુ નિવેદન ગઈકાલે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ કર્યુ હતું. તેને ૨૪ કલાકમાં જ દક્ષાબેન ભેંસાણિયાએ ફગાવીને આજે સવારે ૧૧ વાગ્યા બાદ દક્ષાબેનના પતિ અરવિંદભાઈ ભેંસાણિયા દક્ષાબેનનું કોર્પોરેટર પદેથી રાજીનામુ આપતો પત્ર લઈ શહેર ભાજપ કાર્યાલયે પહોંચતા શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગેની વિગતો મુજબ સામા કાંઠાના વોર્ડ નં. ૫ નાં ભાજપના મહિલા કોર્પોરેટરો દક્ષાબેન ભેંસાણિયા તથા પ્રિતીબેન પનારા વચ્ચે છેલ્લા ઘણા સમયથી સાઈન બોર્ડ લગાવવા બાબતે ડખ્ખો ચાલી રહ્યો છે. જે સંદર્ભે દક્ષાબેન ભેંસાણિયાએ કોર્પોરેટર પદેથી રાજીનામુ આપવાની ચિમકી ઉચ્ચારી હતી.

દરમિયાન ગઈકાલે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જાહેર કર્યુ હતુ કે 'રાજીનામા અંગે દક્ષાબેન ભેંસાણિયા દ્વારા દિલગીરી વ્યકત કરાઈ છે અને હવે આ વિવાદ પૂર્ણ થયો છે પરંતુ આ જાહેરાત થયાના ૨૪ કલાક બાદ એટલે કે આજે સવારે ૧૧ વાગ્યા બાદ દક્ષાબેન ભેંસાણિયાના પતિ અરવિંદભાઈ ભેંસાણિયા દક્ષાબેનનું કોર્પોરેટર પદેથી રાજીનામુ આપતો પત્ર લઈ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીને આપવા માટે શહેર ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા પરંતુ કમલેશભાઈ જસદણ પ્રચારમાં ગયા હોય આ રાજીનામા પત્રનો સ્વીકાર શહેર ભાજપ કાર્યાલયે થયો ન હતો.

આ તકે અરવિંદભાઈ ભેંસાણિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ કે શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ 'દક્ષાબેન ભેંસાણિયાએ રાજીનામુ આપવુ હોય તો ભલે આપી દયે' તેવા વિધાનો કર્યા હતા. આથી હવે દક્ષાબેન કોર્પોરેટર પદેથી રાજીનામુ આપવા મક્કમ છે.

આમ શહેર ભાજપમાં સામા કાંઠાનો મહિલા કોર્પોરેટરો વચ્ચેનો ડખ્ખો હવે શહેર ભાજપ કાર્યાલયમાં પહોંચતા જબરો ખળભળાટ મચી ગયો છે.(૨-૧૯)

(3:43 pm IST)