Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સીટી સ્કેનના પૈસા નહોતાં એટલે સિવિલ હોસ્પિટલમાંથી ફૂટપાથ પર પહોંચેલા લીંબડીના મહિલાએ દમ તોડ્યો!

મુળ લીંબડીના લીલાબેનને ૧૯/૧૦ના રોજ કેન્સરની બિમારી સબબ દાખલ કરાયા હતાં: સિટી સ્કાનના ૨૮૦૦ રૂપિયા ન હોઇ પતિએ રજા લઇ રેલ્વે સ્ટેશનના ગેઇટ પાસે ધામા નાંખ્યા'તાઃ કચરો વીણી ગુજરાન ચલાવ્યું: ગઇકાલે બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા. ૧૬: શહેરની સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ સેંકડોની સંખ્યામં દર્દીઓ વિનામુલ્યે નિદાન-સારવાર માટે આવે છે. જો કે સીટી સ્કાન સહિતના અમુક વિભાગોમાં રિપોર્ટ કરાવવા માટે પૈસા ચુકવવા પડતાં હોય છે. બીપીએલ કાર્ડ હોય તો આ નિદાન ફ્રીમાં થઇ શકે છે. પરંતુ એક કિસ્સામાં પંચાવન વર્ષના લીંબડી પંથકના મહિલા સારવાર માટે દાખલ થયા બાદ સીટી સ્કાન માટેના પૈસા ન હોઇ અને બીપીએલ કાર્ડ પણ ન હોઇ હોસ્પિટલમાંથી રજા લઇ રેલ્વે સ્ટેશનના ગેઇટ પાસે ફૂટપાથ પર પહોંચ્યા બાદ ત્યાં દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

રેલ્વે પોલીસ મારફત જાણવા મળ્યા મુજબ લીંબડી મફતીયાપરામાં રહેતાં લીલાબેન બચુભાઇ ચારોલીયા (ઉ.૫૫) નામના દેવીપૂજક મહિલાને કેન્સરની બિમારી હોઇ થોડા દિવસ પહેલા તેના પતિ બચુભાઇ તેને સારવાર માટે રાજકોટ લાવ્યા હતાં. કચરો-ભંગાર વીણી ગુજરાન ચલાવતાં બચુભાઇ પાસે પત્નિની ખાનગીમાં સારવાર કરાવી શકાય તેવી કોઇ વ્યવસ્થા નહોતી.  તેણે ૧૯/૧૦ના રોજ પત્નિ લીલાબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. અહિ વિશેષ નિદાન સારવાર શરૂ થાય એ પહેલા તબિબે સીટી સ્કાનનો રિપોર્ટ કરાવવો જરૂરી હોવાનું કહ્યું હતું.

જેથી બચુભાઇ પત્નિને સીટી સ્કાન વિભાગમાં લઇ ગયા હતાં. પરંતુ અહિ રૂ.૨૮૦૦નો ખર્ચ થશે તેમ કહેવાયું હતું. પરંતુ બચુભાઇ પાસે આટલી રકમ નહોતી. તેની પાસે બીપીએલ કાર્ડ પણ નહોતું. આથી તે રિપોર્ટ કરાવ્યા વગર જ પત્નિને પરત લઇ ગયા હતાં. બે દિવસ બાદ રજા લઇ પત્નિ સાથે રાજકોટ જંકશન સ્ટેશનની ફૂટપાથ પર પહોંચ્યા હતાં અને ત્યાં ગેઇટ નજીક જ ફૂટપાથ પર ધામા નાંખ્યા હતાં. બચુભાઇ કચરો-કાગળ વીણી ગુજરાન ચલાવવા માંડ્યા હતાં અને રાતે ફૂટપાથ પર પતિ-પત્નિ સુઇ રહેતાં હતાં. દરમિયાન ગઇકાલે તેના પત્નિએ બિમારી સબબ ફૂટપાથ પર જ દમ તોડી દીધો હતો.

બનાવની જાણ થતાં રેલ્વે પોલીસ મથકના હેડકોન્સ. ગણપતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર પણ છે. તે સુરેન્દ્રનગરમાં રહે છે. પૈસાના અભાવે પોતે પત્નિના રિપોર્ટ ન કરી શકયાનો અત્યંત ગરીબ એવા બચુભાઇએ રેલ્વે પોલીસ સમક્ષ વસવસો વ્યકત કર્યો હતો.

(3:55 pm IST)