Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રાજકોટથી ૧૦૮ સાયકલ યાત્રીઓ ઉંઝા જશે

૧પ ડીસેમ્બરે પ્રસ્થાન : ત્રણ દિવસનો પ્રવાસ ખેડી ૧૮ ડીસેમ્બર લક્ષચંડી યજ્ઞમાં હાજરી આપશે

રાજકોટ, તા. ૧૬:  કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયાનોે લક્ષચંડી મહાયજ્ઞ આગામી તા. ૧૮ થી રર ડિસેમ્બર દરમિયાન ઉંજા ખાતે યોજાઇ રહ્યો છે તેને અનુલક્ષી સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉમિયા માતાજીના સંતાનો એવા કડવા પાટીદાર સમાજમાં ભારે ઉમંગ સાથે અનેક આયોજન પણ થઇ રહ્યા છે.

રાજકોટ સ્થિત શ્રી ઉમીયાજી યાત્રા સંઘ દ્વારા આ પ્રસંગે રાજકોટથી ઉંઝાની સાયકલ યાત્રાનું પણ શ્રધ્ધાપૂર્ણ આયોજન કરાયું છે. આ માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.

શ્રી ઉમિયાજી યાત્રા સંઘની આયોજન સમિતિના કન્વીનર ભાણજીભાઇ સંતોકીના જણાવ્યા અનુસાર આશરે ૧૦ વર્ષ પછી રાજકોટથી ઉંઝાની સાયકલ યાત્રા યોજાઇ રહી હોય ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તા. ૧પ મી ડીસેમ્બર આ સાયકલ યાત્રાનો પ્રારંભ થશે. શ્રી કોલોની ખાતેના પુશપતીનાથ મંદિરના અખંડ પ્રગટી રહેલી માં ઉમિયાની જયોતના આ સાયકલ યાત્રિકો દર્શન કરી આશિષ મેળવી પ્રસ્થાન કરશે. આ સમયે સમાજના અનેક અગ્રણીઓ અને સાયકલ યાત્રા માટેના દાતાઓ પણ ઉપસ્થિત રહેશે.

તા. ૧પ મીએ સવારે પ્રસ્થાન કરી ત્રણ દિવસની યાત્રા દરમિયાન લગભગ ૩રપ કિ.મી.ની સાયકલ યાત્રા કરી તા. ૧૮મી ડિસેમ્બરના સવારે મા ઉમિયાના આ સંતાનો ઉંજા પહોંચશે. રસ્તામાં ત્રણ રાતના વિરામની પણ પુરી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ રાત્રી મુળી, બીજી રાત્રી માલવણ તથા ત્રીજી રાત્રી મહેસાણા-ફતેપુરા ખાતે વિરામની વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રા દરમ્યાન તબીબી તથા અન્ય સુવિધા સાથેનું એક ખાસ વાહન પણ યાત્રિકો સાથે જ રહેશે. તા. ૧૮ મી આ યાત્રિકો ઉંઝા પહોંચે ત્યારે તેમના શાનદાર સ્વાગતની પણ વ્યવસ્થા લક્ષચંડી યજ્ઞના આયોજન સમિતિ દ્વારા કરવામાં આવશે.

સમગ્ર યાત્રા પૂર્ણ શ્રધ્ધા સાથે પાર પડે તે માટે આયોજન સમિતિના શ્રી ભાણજીભાઇ સંતોકી ઉપરાંત સર્વશ્રી શાંતિભાઇ ઝાલાવડીયા, જયદીશભાઇ વસાણીયા, રાજુભાઇ જીવાણી અને વિમલભાઇ ભુત જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રધ્ધાળુઓ આ યાત્રામાં જોડાવવા ઇચ્છતા હોય કે જે કોઇ આર્થિક સહયોગ આપવા ઇચ્છતા હોય તેમણે મો. ૯ર૬પ૦ ૯૬ર૯ર, ૯૪ર૬૭ ૮પ૮૦૯, ૯૪ર૬૪ ૭૦૮૭૬ તથા ૯પ૧૦૪ ૪૭૭૬૦ નો સંપર્ક કરવો. સાયકલ યાત્રામાં જોડાવવા ઇચ્છુકો આ માટેનું જરૂરી ફોર્મ ઉમા મંડપ સર્વિસ -ઉમિયા ચોક, શીતલ ટ્રાવેલ્સ-પંચાયત ચોક, શ્રી રામહાર્ડવેર-કુવાડવા રોડ ખાતેથી મેળવી શકશે.

(11:46 am IST)