Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

દીક્ષા દાનેશ્વરી પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.ના રાષ્‍ટ્રસંત સાંનિધ્‍યે દીક્ષા મહોત્‍સવ આમંત્રણ પત્રિકાનું દિવ્‍ય આલેખન

તીર્થકરો, ગણધર ભગવંતો તેમજ ઉપકારી ગુરુ ભગવંતોને આમંત્રણ અર્પણ થયાં : બે મુમુક્ષોઓની પ્રવ્રજયા હજારો હૃદયમાં ભાવ પ્રવ્રજયાનું પ્રાગટય કરાવે એ જ ભાવના : જેભૂમિ પર મારા ગુરૂના ચરણ પડયા, એ જ ભૂમિ પરથી અમારા શિષ્‍યના સંયમ આચરણનાં પ્રારંભનો આ અવસરઃ પૂ. નમ્રમુનિ મ.સા

રાજકોટ, તા.૧૬: સત્‍યધર્મનો બોધ આપીને અનેક આત્‍માઓને સંસાર સાગરમાંથી ઉગારનારા દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન ચરણ શરણમાં શરણાધિન બનીને સંયમની સાધના કરવા થનગની રહેલા બે મુમુક્ષુ આત્‍માઓ શ્રી ઉપાસનાબેન શેઠ તેમજ શ્રી આરાધનાબેન ડેલીવાલાના શ્રી ભાગવતી દીક્ષા મહોત્‍સવની આમંત્રણ પત્રિકાના દિવ્‍ય આલેખન, પ્રભુને અત્‍યંત અહોભાવથી આમંત્રણ આપવા સાથે કરવામાં આવ્‍યાં હતાં.

શ્રી રોયલપાર્ક ઉપાશ્રયમાં રાષ્ટ્રસંત પૂજયશ્રીના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્‍ગહરં સ્‍તોત્રની દિવ્‍ય જપ સાધનાનાં મંગલમય પ્રારંભ બાદ આગામી ૯ ડિસેમ્‍બરના દિવસે આયોજિત બંને મુમુક્ષોના દીક્ષા મહોત્‍સવમાં પરમાત્‍માને પધારવાનું આમંત્રણ આપતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ ફરમાવ્‍યું હતું કે પ્રભુ પથગામી બનવા બે મુમુક્ષુ આત્‍માઓ ઉત્‍સાહિત અને ભાવિત થઈ રહ્યાં છે ત્‍યારે, સંસારી વષાોનો ત્‍યાગ કરીને વીતરાગીના વરદાનસમા શ્વેત વષા પરિધાન કરીને દીક્ષા ગ્રહણ કરવા પધારનારા મુમુક્ષોઓના દર્શન કરીને હજારો નયન ધન્‍ય બનશે! એ પળના સાક્ષી બનીને કર જોડનારા એ હજારો ભાવિકોના કર ધન્‍ય બની જશે. હે પ્રભુ! આપના બતાવેલાં મોક્ષ માર્ગની આરાધના કરવા બે મુમુક્ષુઓ તૈયાર થયાં છે, ત્‍યારે તેમના પ્રવ્રજયા ગ્રહણની ક્ષણો હજારો હજારો ભાવિકો માટે ભાવ પ્રવ્રજયા બની જાય એવી મંગલ ભાવના છે. સંસારીના હાથમાં રહેલા મોબાઈલ પર તોલખેલા સંદેશ વાંચવા પડે જયારે સંયમીના હાથમાં રહેલા રજોહરણ પર જો વાંચતા આવડે તો વીતરાગના સંદેશ વાંચી શકાય છે.

આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રીના શ્રીમુખેથી બ્રહ્મનાદ મંત્રોચ્‍ચારના પ્રાગટ્‍ય બાદ માત્ર અક્ષરોથી નહિ પરંતુ પ્રભુ પધારે તેવી શ્રદ્ધા સાથે મુમુક્ષુ આત્‍માઓના માતા - પિતા, સ્‍નેહી સ્‍વજન, શ્રી સંઘ શ્રેષ્ઠિવર્યો અને ભાવિકોના હસ્‍તે ૨૪ તીર્થકર ભગવાન, ગણધર ભગવંતો, અંતરિક્ષમાં બિરાજમાન ગોંડલ સંપ્રદાયના દિવંગતગુરૂ ભગવંતો, આચાર્ય ભગવંતો તેમજ ઉપકારી સાધ્‍વીજી ભગવંતોને અત્‍યંત અહોભાવપૂર્વક કેસરજળના છાંટણે આમંત્રણ પત્રિકા પર આલેખન કરીને આમંત્રણ કરવામાં આવતાં સમગ્ર વાતાવરણમાં દિવ્‍યતા પથરાઈ ગઇ હતી.

 વિશેષમાં ઇતિહાસમાં અમર થઇ ગયેલા શ્રીકૃષ્‍ણ વાસુદેવનાં સમયની યાદ મનોજભાઈ ડેલીવાળાએ અપાવતા જિતુભાઈ બેનાણીના હસ્‍તે ભેરી વગાડીને દીક્ષા મહોત્‍સવની અનુમોદના કરતાં ઉપસ્‍થિત સર્વએ હર્ષનાદ અને જયનાદથી વધામણાં કર્યા હતાં.

અંતે શ્રી સમસ્‍ત રાજકોટ સ્‍થા. જૈન સંદ્યોના તેમજ ગોંડલ સંપ્રદાયના અધિકારીઓ દ્વારા અત્‍યંત ઉત્‍સાહથી ભેરીનાદ સાથે દીક્ષા મહોત્‍સવના પડદ્યમ વગાડી ને દેશ વિદેશના હજારો હજારો ભાવિકોને દીક્ષા મહોત્‍સવની ઉદદ્યોષણા કરવામાં આવી હતી. ઉપરાંત લુક એન લર્નની નાની બાલિકા દ્વારા મુમુક્ષુઓને શુભેચ્‍છા અર્પણ કરાયેલ.

(3:25 pm IST)