Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અરીહંત ડીસ્ટ્રીબ્યુટર્સની લેણી રકમ સંબંધે થયેલ દાવાને મંજુર કરતી કોર્ટ

રાજકોટ તા. ૧૬: અત્રે અરીહંત ડીસ્ટ્રીબ્યુટર્સનો રૂ. ૩,૦૭,પપ૩/-ની લેણી રકમ સંબંધેનો દાવો કોર્ટમાં ચાલી જતાં ખર્ચ સહીત કોર્ટે મંજુર કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટના વેપારી કે જે અરીહંત ડીસ્ટ્રીબ્યુટર્સના નામે નવાગામ, રાજકોટ ખાતે વોકહાર્ટ કંપનીની જેનરીક તથા અન્ય દવાઓને લગતો વ્યવસાય કરે છે. આ કામના પ્રતિવાદી કે જે શીંહોર મુકામે અંબિકા મેડીકલ એજન્સીના નામે દવાને લગતો વ્યવસાય કરે છે. આ કામના પ્રતિવાદીએ વાદી પાસેથી અવાર-નવાર અલગ અલગ પ્રકારની દવાઓની ખરીદી કરેલ છે. ત્યારબાદ આ કામના વાદી અરીહંત ડીસ્ટ્રીબ્યુટર્સએ તેમની કાયદેસરની લેણી રકમની માંગણી કરતા આ કામના પ્રતિવાદી વાદીની કાયદેસરની લેણી રકમ ચુકવતા ન હોવાથી દાવાનું કારણ ઉત્પન્ન થતા દાવો કરેલ છે.

ત્યારબાદ રાજકોટના એડીશ્નલ સ્મોલ કોઝ કોર્ટ જજ એ મુદાઓ ઘડી વાદીએ પુરાવાઓ રજુ કરી દીધેલ અને આ કામના પ્રતિવાદી કોર્ટ સમક્ષ પોતાનો પુરાવો રજુ રાખવામાં નિષ્ફળ ગયેલ. ત્યારબાદ આ કામના વાદી ધારાશાસ્ત્રી સંદીપ જોષી વકીલ સાંભળેલા તથા કોર્ટે તેમના હુકમમાં એ હકીકત માનેલ છે કે વાદી પ્રતિવાદી પાસેથી રૂ. ૩,૦૭,પપ૩/- અંકે રૂપિયા ત્રણ લાખ સાત હજાર પાંચસો ત્રેપન પુરા મેળવવા હકકદાર છે અને સદરહું રકમ પર વાર્ષિક ૭% વ્યાજ મેળવવા પણ હકકદાર છે અને તે મુજબનો હુકમ પણ ફરમાવેલ છે આ કામના પ્રતિવાદી અંબિકા મેડીકલ એજન્સીના પ્રોપરાઇટર ઇલેશભાઇ પ્રભુદાસભાઇ નીમાવત એ રૂ. ૩,૦૭,પપ૩/- અંકે રૂપિયા ત્રણ લાખ સાત હજાર પાંચસો ત્રેપન પુરા અરીહંત ડીસ્ટ્રીબ્યુટર્સને ચુકવી આપવા તથા તેના પર વાર્ષિક ૭% લેખે દાવા અરજી તારીખથી વ્યાજ પણ ચુકવી આપવું અને વાદીને દાવામાં થયેલ ખર્ચ પણ આ કામના પ્રતિવાદીએ ભોગવવો તેવો હુકમ કોર્ટે પ્રતિવાદી અંબિકા મેડીકલ એજન્સી વિરૂધ્ધ અને વાદી અરીહંત ડીસ્ટ્રીબ્યુટર્સની તરફેણમાં કરેલો હતો.

આ કામમાં વાદી અરીહંત ડીસ્ટ્રીબ્યુટર્સ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી કેતન જેઠવા, સંદીપ જોષી તથા શૈલેન્દ્રસિંહ જાડેજા રોકાયેલા હતાં.

(3:13 pm IST)