Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સુરજ મલખાની હત્યા કેસના બે આરોપીને ૧૦ વર્ષની સજા

છોટુનગર વિસ્તારમાં સામાન્ય તકરારે થયેલ હત્યાના બનાવમાં આરોપી સિકંદર ઉર્ફે જોની અને ચંદ્રકાન્ત ઉર્ફે કાળુને સાપરાધ મનુષ્ય વધ હેઠળ કસુરવાર કરાવી કોર્ટે સજા ફટકારીઃ સરકારી વકીલ બિનલબેન રવેશીયાની દલીલો કોર્ટે માન્ય રાખી

રાજકોટ તા. ૧૬: અત્રે છોટુનગર શેરી નં. ૧ પાસે આવેલ એક જનરલ સ્ટોર્સમાં લોટ લેવા ગયેલા ત્યારે એકબીજા સાથે અથડાવવા જેવી સામાન્ય બાબતે સુરજ મલખાની નામના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવા અંગે પકડાયેલા સિકંદર ઉર્ફે જોની કાસમ અને ચંદ્રકાંત ઉર્ફે કાળુ નટવરલાલ સામેનો કેસ ચાલી જતાં અધિક સેસન્સ જજ શ્રી ડી. ડી. ઠકકરે આરોપીઓને કલમ ૩૦૪ પાર્ટ (ર) મુજબ સાપરાધ મનુષ્યવધ હેઠળ કસુરવાન ઠરાવીને આરોપીઓને ૧૦ વર્ષની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, છોટુનગર વિસ્તારમાં આવેલ જનરલ સ્ટોર્સમાં બે છોકરાવ લોટ લેવા આવેલા ત્યારે એક છોકરો સુરજ સાથે ભટકાતા જોઇને ચાલવાનું કહેતા આ બાબતે બંને વચ્ચે તકરાર થતાં આરોપી સિકંદરે ઉશ્કેરાઇ જઇને પોતાની પાસે રહેલી છરી કાઢીને સુરજને છરીના ઘા મારીને હત્યા કરી હતી.

આ બનાવ અંગે તા. રર-૧ર-૧૩નાં રોજ પોલીસમાં ભોમેશ્વર શ્રમજીવી સોસાયટીના ખુણે આવેલ રેલ્વેના નાલા પાસે રહેતા ફરીયાદી રામાનંદ ઉફ.ર્ે નંદુ છોટેલાલ સહાનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ બનાવ અંગે આરોપીઓ સામે ઇ.પી.કો. કલમ ૩૦ર હેઠળ ખુનનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરીને અદાલતમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.

આ કેસ ચાલતાં સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ રજૂઆત કરેલ કે, ફરીયાદી અને તેના બનેવી બનાવના નજરે જોનાર સાહેદ છે. તેઓએ બનાવને સમર્થન આપેલ છે. ત્યારે આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદી પક્ષનો કેસ નિશંકપણે પુરવાર થાય છે. આરોપી પાસે બનાવ સમયે છરી હતી તે બતાવે છે કે, આરોપી ગુનાહિત માનસ ધરાવે છે, તેથી આરોપીઓને કસુરવાર માનીને સજા કરવી જોઇએ.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતા તેમજ રજુ થયેલ પુરાવો અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇને અધિક સેસન્સ જજ શ્રી ડી. ડી. ઠકકરે આરોપીઓને કલમ ૩૦૪ પાર્ટ (ર) હેઠળ કસુરવાર માનીને આરોપીઓને ૧૦ વર્ષની સજા ફટકારી હતી.

આ કામમાં સરકારપક્ષે મદદનીશ સરકારી વકીલ બિનલબેન રવેશીયા રોકાયા હતાં.

(3:07 pm IST)