Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

આકરો કાયદો

પ્રતિબંધિત પ્લાસ્ટીક વેચવા - ઉત્પાદન કરવા સામે ૧ હજારથી ૨ લાખનો દંડ

૫૦ માઇક્રોનથી જાડુ પ્લાસ્ટીક વેચવા માટે દર મહિને કોર્પોરેશનમાં ૪ હજાર ભરવા પડશે : હોટલો - હોસ્ટેલો - હાઇરાઇઝડ બિલ્ડીંગો - સોસાયટીઓએ એંઠવાડમાંથી ખાતર બનાવવાનું ફરજીયાત : ખાનગી કોન્ટ્રાકટરને દર મહિને ચાર્જ ચૂકવવો પડશે : સ્ટેન્ડીંગ કમિટિમાં અરજન્ટ દરખાસ્ત મંજુર કરતા ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ, તા. ૧૬ :. મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચવા અને ઉત્પાદિત કરવા સામે આકરા કાયદાઓ ઘડી અને તેની અરજન્ટ બીઝનેશથી દરખાસ્ત મંજુર કરી હતી. આ દરખાસ્ત મુજબ હવેથી શહેરમાં કોઈપણ જગ્યાએ ૫૦ માઈક્રોન પાતળુ પ્લાસ્ટિક વેચવા ઉપર પ્રતિબંધનો કડક અમલ કરાશે અને જો કોઈ આવું પ્લાસ્ટિક વેચતા કે ઉત્પાદન કરતા ઝડપાશે તો તેની પાસેથી રૂ. ૧ હજારથી ૨ લાખ સુધીનો દંડ વસુલવાની જોગવાઈઓ મંજુર કરી છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ બનાવેલ છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારે સ્થાનિક કક્ષાએ પ્લાસ્ટિક પ્રતિબંધના પેટા નિયમો ઘડવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને છૂટ આપતા આજે સ્ટેન્ડીંગ કમિટિમાં આ અંગેના પેટા નિયમો અરજન્ટ બિઝનેશ દરખાસ્તથી મંજુર કરાયા છે. જેમાં કોઈપણ વેપારી પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા ઝડપાશે તો પ્રથમ વખત ૧ હજાર, બીજી વખત ૨ હજાર અને ત્રીજી વખત ૩ હજાર સુધીના દંડની વસુલાત કરવામાં આવશે. તેવી જ રીતે કોઈપણ પ્લાસ્ટિક ઉત્પાદક પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા ઝડપાશે તો પ્રથમ વખત ૧ લાખ, બીજી વખત ૧.૫૦ લાખ અને ત્રીજી ૨ લાખનો દંડ વસુલ કરવાનું મંજુર કરાયુ છે.

આ ઉપરાંત જો કોઈ વેપારી ૫૦ માઈક્રોનથી વધુ જાડાઈનું પ્લાસ્ટિક વેચવા ઈચ્છે તો તેને દર મહિને કોર્પોરેશનમાં રૂ. ૪૦૦૦નો રજીસ્ટ્રેશન ચાર્જ ભરવો પડશે. આ ઉપરાંત નાના મોટા અનેક પેટા નિયમો પ્રતિબંધિત પ્લાસ્ટિકના રીસાયકલીંગ અને આવા પ્લાસ્ટિકનો નિકાલ કરવા સહિતની બાબતોના નિયમો મંજુર કરાયા છે.

આ તકે શ્રી કાનગડે ઉમેર્યુ હતુ કે, પ્રતિબંધીત પ્લાસ્ટિકના આકરા દંડની જોગવાઈથી હવે શહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ અત્યંત ઓછો થઈ જશે અને શહેર પ્લાસ્ટિક પ્રદુષણમાંથી મુકત થશે.

એંઠવાડમાંથી ખાતર બનાવવાનું ફરજીયાત

આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગ કમિટિમાં શહેરની હોટલો, રેસ્ટોરન્ટો, હોસ્ટેલો, હાઈરાઈઝ બિલ્ડીંગો અને સોસાયટીઓમાં ઉત્પન્ન થતા એંઠવાડના કચરામાંથી ખાતર બનાવવા અંગેની દરખાસ્ત પણ અરજન્ટ બીઝનેશથી મંજુર કરાઈ હતી.

આ દરખાસ્ત અંગે વિસ્તૃત માહિતી આપતા ચેરમેનશ્રી કાનગડે જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ હેઠળ જે સ્થળે દરરોજ ૧૦૦ કિલો જેટલો એંઠવાડ ઉત્પન્ન થતો હોય તેવી હોટલો, રેસ્ટોરન્ટો, હોસ્ટેલો, જ્ઞાતિની વાડીઓ, સોસાયટીઓ, હાઈરાઈઝ ફલેટ વગેરે સ્થળોએ એંઠવાડમાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ રાખવો ફરજીયાત છે. જેની અમલવારી આગામી ડિસેમ્બર મહિનાથી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. ત્યારે આવા સ્થળોએ તાત્કાલીક એંઠવાડમાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ રાખવો શકય ન હોય મ્યુનિસિપલ કોર્પોરેશનની મધ્યસ્થીથી ખાનગી કોન્ટ્રાકટર મોબીટ્રેશન રીસાયકલ વેન્ચર પ્રા. લી. દ્વારા ખાસ મોબાઈલ વાનમાં આવા સ્થળોએથી દરરોજ એંઠવાડ એકત્રીત કરી સ્થળ પર જ તેનું ખાતર બનાવી જે તે સ્થળના સંચાલકને આપી દેવાની યોજના આજે મંજુર કરી છે.

આ માટે હોટલો, રેસ્ટોરન્ટો, જ્ઞાતિની વાડી, હોસ્ટેલો, પાર્ટી પ્લોટો વગેરે સ્થળોએથી પ્રતિ ૧ કિલો એંઠવાડના રૂ. ૮ નો ચાર્જ આ કંપનીને ચૂકવવાનો રહેશે જ્યારે હાઈરાઈઝ બિલ્ડીંગો અને સોસાયટીઓએ દર મહિને ૧૯૯નો ચાર્જ ચુકવવાનો રહેશે. મ્યુ. કોર્પોરેશન દ્વારા આ માટે કોન્ટ્રાકટરને વાહન પાર્કિંગની તેમજ અન્ય સુવિધા માટે ૫૦૦ ચો.મી. જમીન પ્રતિ ચો.મી. રૂ. ૧ લેખે લીઝથી આપવામાં આવશે.

આમ આગામી મહિનાથી હોટલ, રેસ્ટોરન્ટ વગેરે સ્થળોએથી જો જાહેર કચરા પેટીમાં એંઠવાડનો નિકાલ કરતા ઝડપાશે તો સીલ કરવા સુધીના પગલા લેવાશે માટે આવા સ્થળોએ ફરજીયાતપણે પોતાના ખર્ચે એંઠવાડમાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ નાખવો પડશે અથવા ઉપરોકત કંપનીની સેવાનો લાભ ફરજીયાતપણે લેવાનો રહેશે.

(2:54 pm IST)