Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

રાજકોટમાં મેલેરીયાના ૨૦,૦૦૦ કેસો : કોંગ્રેસનો ધડાકો

શાસકો ઘોર નિંદ્રામાં : ડેન્ગ્યુ બાદ મેલેરીયાએ દેખા દેતા પ્રજામાં ફફડાટ : વશરામ સાગઠીયા સહિતના કોંગી આગેવાનો દ્વારા જાત મુલાકાત લઈ 'ડેન્ગ્યુ બોંબ' વિસ્ફોટ કરાયો : ડેન્ગ્યુથી બાળક અને બાળકીના મોત માટે કોણ જવાબદાર?: મેયર અને કમિશ્નર રોગચાળાની સાચી માહિતી છુપાવી ગ્રાન્ટ મેળવવા માગે છે : છેલ્લા સવા મહિનામાં ૧૩ હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૬૧૫ કેસ નોંધાયા છતા તંત્ર નિંભરઃ હવે પ્રજા જાગે ભાજપ ભગાડે : કોંગી નેતાઓની અપીલ

રાજકોટ : શહેરમાં ડેન્ગ્યુ, મેલેરીયાનો રોગચાળો બેકાબુ બન્યો છે ત્યારે શાસકો રોગચાળાના આંકડા છુપાવી પ્રજાને ભરમાવી રહ્યા છે. જેની સત્ય હકીકત વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા સહિતના કોંગી આગેવાનોએ હોસ્પિટલોમાંથી પ્રાપ્ત સત્તાવાર આંકડાઓ રજૂ કરી અને પ્રજા માટે આજે સવારે પત્રકાર પરિષદ યોજી અને જાહેર કર્યુ હતું. આ અંગે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ અને 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ વિસ્તૃત વિગતો પણ કોંગી આગેવાનોએ જણાવી હતી તે વખતની તસ્વીરમાં વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા તથા કોર્પોરેટરો નિલેશ મારૂ, જાગૃતિબેન ડાંગર, સંજય અજુરીયા, અતુલ રાજાણી, દિલીપભાઈ આસવાણી, પારૂલબેન ડેર, રસીલાબેન ગેરૈયા, ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં.૧૭) તથા આગેવાનો પ્રભાતભાઈ ડાંગર, કનકસિંહ જાડેજા વગેરે દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ : શહેરમાં મચ્છરજન્ય તાવ ડેન્ગ્યુનો બોમ્બ ફૂટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અંદાજે ૨૦ હજાર જેટલા કેસ હોવાનું બહાર આવ્યુ છે અને ડેન્ગ્યુથી ૧ બાળક તથા બાળકીના મોત થયા છે છતા મહાનગરપાલિકાના શાસકો આ ડેન્ગ્યુ બોમ્બની 'આતશબાજી' માણી રહ્યા હોય તેમ 'સબ સલામત'ના તાબોટા પાડી રહ્યાનો આક્ષેપ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ કર્યા છે અને શહેરમાં છેલ્લા સવા મહિનામાં ૬૧૫ જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે છતા તંત્ર નિંભરતા દાખવી રહ્યાનું શ્રી સાગઠીયાએ જણાવ્યુ હતું અને હવે પ્રજા જાગી ભાજપને ભગાડે તેવી અપીલ કરી હતી.

આ અંગે શ્રી સાગઠીયા સહિતના કોંગી આગેવાનો અને કોર્પોરેટરોએ રાજકોટ મહાનગરપાલિકા ખાતે યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવેલ કે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેવાસીઓ જયારે સતા કોઈપણ પક્ષને સોંપે છે ત્યારે તેમની જવાબદારી બને છે કે લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી, એ કોઈપણ પક્ષ હોય તો તેની જવાબદારી બનતી હોય છે કારણકે, લોકો સુવિધા સામે કોર્પોરેશનને હજ્જારો રૂપીયાનો વેરો ભરે છે તેની પાસે ઘણી આશાઓ અને અપેક્ષાઓ હોય છે. તેઓ ઈચ્છે છે કે અમોને રોડ-રસ્તા-ડ્રેનેજ-પાણી-આરોગ્ય અને શિક્ષણ વગેરેની સુવિધાઓ આપવાની ફરજ સત્ત્।ાધીશોની છે લોકોના પૈસાથી જ સુવિધા પૂરી પાડવા ટેક્ષ લેવાઈ છે તેથી જ તેમને મતો આપી શાસનની ધુરા સોંપી હોય છે અને લોકોને ભરોસો અને વિશ્વાસ હોય છે કે શાસકો અમારું ધ્યાન રાખશે પરંતુ, રાજકોટમાં ભાજપના શાસકો તો એ પણ ભૂલી જાય છે કે એને તો પ્રજા જ આ દેશની માલિક છે શાસકો તો તેના મેનેજર છે તે ન ભૂલવું જોઈએ.

શ્રી સાગઠીયાએ જણાવ્યું છે કે ખુબ જ શરમ સાથે આ માહિતી આપવી પડેછે કે રાજકોટના પ્રથમ નાગરિક અને તે પણ મહિલા છે ત્યારે વિનંતી સાથે જણાવું છુ કે આપ તો સાચું બોલો લોકોને શા માટે ગુમરાહ કરો છો, આપ ને આપના અધિકારીઓ આપને ખોટી માહિતી આપે છે, મહિતી છુપાવે છે કે પછી આપ જ ખોટી માહિતી આપો છો તો આ બાબત શરમજનક છે આપ પ્રેસના માધ્યમ થી રાજકોટની જનતાને કહો છો કે છેલ્લા સવા મહિનામાં ડેન્ગ્યુના ૨૭૪ કેસ નોંધાયા છે અને તે ગયા વર્ષની સરખામણીએ ઓછા છે મારે આપને ખુબજ નમ્રતા પૂર્વક કહેવું છે કે આપની આરોગ્ય શાખામાં સરપ્રાઈઝ ચેકિંગ કોંગ્રેસના કોર્પોરેટરોએ કરતા ફકત ૧૩ હોસ્પિટલની માહિતી આપની કચેરી માંથી અમોએ ત્યાં બેસીને લીધી છે રાજકોટમાં સેંકડો હોસ્પિટલો કોર્પોરેશનના ચોપડે નોંધાયેલ છે તો તેમાં છેલ્લા ૧૫ દિવસના જ આંકડાઓ જ અમોને આપ્યા બીજા આંકડાઓ બહુ જ મોટા છે અમે પ્રેસના માધ્યમથી શ્રી મેયર અને કમિશ્નરને કહીએ છીએ કે આપની જ ઓફીસ અમોને ૧૩ હોસ્પિટલના છેલ્લા ૧૫ દિવસના આંકડા દર્દીના નામ સરનામાં સહીત મળેલ છે તે જોતા ૬૧૫ ડેન્ગ્યુંના પોઝીટીવ કેસો છે તે આપના અને આપના અધિકારીઓના અને ભાજપ પક્ષમાટે બહુ જ શરમની વાત છે.

આમ તો જે ઘરમાં ઘરના વડીલ જ ખોટું બોલતા હોય અને જેનો પાયાજ ખોટ ઉપર ઉભો હોય તેવા પક્ષ પાસે સારા અને સાચાની આશા રાખવી તે પણ નકામી છે કારણકે ખોટું બોલવું અને જોર થી બોલવું અને વારંવાર બોલવું તે તમારા પક્ષનું સુત્ર છે.

કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના શાસકો પોતે કબુલે છે કે ૧૩ વર્ષના બાળકનું મૃત્યુ તા.૦૭ ના રોજ ખાનગી હોસ્પિટલમાં થયું છે તો મારો સિદ્ઘો સવાલ એ છે કે આમાં જવાબદારી ફિકસ કરવી અને જે જવાબદાર ફિકસ થાય તો તેની ઉપર કયાં પગલા લેવા. હું પોતે એવું માનું છુ કે આ બાળકના મૃત્યુ પાછળ રાજકોટ ભાજપના શાસકો અને લાગતાવળગતા અધિકારીઓ જવાબદાર છે અને તેમણે પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામાં આપવા જોઈએ. આજ બાબતમાં દુઃખ સાથે કહેવું પડે છે કે જે બાળક સિનર્જી હોસ્પીટલમાં મૃત્યુ થયું છે તેની કોર્પોરેશનમાં નોંધ છે પરંતુ, અમોને ૧૩ હોસ્પીટલની વિગતો પ્રાપ્ત થઇ છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં કેટલા કેસો હશે?

કોર્પોરેશને અમને ૧૩ હોસ્પિટલની માહિતી આપી છે તેમાં ૬૧૫ કેશો ૧૫ દિવસમાં નોંધાયા છે તે પણ પોઝીટીવ તો રાજકોટ મનપામાં કુલ ૧૭૨૬ જેવી હોસ્પિટલો કોર્પોરેશનના ચોપડે નોંધાયેલ છે તેમાં ડેન્ગ્યુના કેટલા ંં??  કેસો હશે!!! માહિતી હજુ પણ છુપાવે છે હવે મારે કમિશ્નરશ્રી અને મેયરશ્રીને સીધો સવાલ છે કે બાકીની હોસ્પિટલો માં કેટલા ડેન્ગ્યુંના કેશો છે તે આપ જાણો અને રાજકોટની પ્રજાને સાચી માહિતી આપો, નહિતર અમારે નાં છુટકે આંદોલન કરવું પડશે જેની તમામ જવાબદારીઓ આપની છે.

વધારાની માહિતી મેલેરીયાની પણ ફકત સવા મહિનાની કોર્પોરેશનના ચોપડા ઉપર નોંધાયેલી આપું છુ તેનો આંકડો અધધધ ૧૦,૯૮૬!!! છે જે મનપાના ચોપડે છે આં સિવાયના અનેક હોસ્પિટલોનો આંકડાઓ મેળવો તો હકીકત સમે આવશે કે મેલેરિયાના જ સવા મહિનાના કેશોઙ્ગ પણ અસંખ્ય છે – એક અંદાજ મુજબ સવા મહિનાના મેલેરિયાના જ ફકત ૨૦,૦૦૦ કેશો હશે તો હવે પ્રજા જાગે અને ભાજપને ભગાડે તેવી અપીલ શ્રી સાગઠીયાએ આ તકે કરી છે.

કઇ હોસ્પિટલમાં કેટલા ડેન્ગ્યુ કેસ નોંધાયા તેની વિગતો

રાજકોટ : તા.૨૯ થી તા.૧૪  સુધીના નોંધાયેલા ડેન્ગ્યુના કેસ હોસ્પિટલના નામ સાથે કોંગ્રેસના આગેવાનોએ જાહેર કર્યા છે તેની વિગતો આ મુજબ છે. (૧) અમૃતા હોસ્પિટલ - ૧૦૧ - (૨) સહયોગ હોસ્પિટલ- ૨૬ (૩) આશીર્વાદ હોસ્પિટલ- ૧૨ (૪) જલારામ હોસ્પિટલ- ૨૦ (૫) રઘુવીર હોસ્પિટલ- ૧૫ (૬) સ્ટર્લિંગ હોસ્પિટલ- ૧૦ (૭) દોશી હોસ્પિટલ- ૧૧૫ (૮) ગીરીરાજ હોસ્પિટલ - ૭૪ (૯) વોકહાર્ટ હોસ્પિટલ - ૪૬ (૧૦) શાંતિ હોસ્પિટલ -૧૮ (૧૧) ગોકુલ હોસ્પિટલ - ૧૧ (૧૨) એચસીજી હોસ્પિટલ - ૧૧ (૧૩) સિવિલ હોસ્પિટલ - ૧૫૬ - આમ કુલ - ૧૩ હોસ્પિટલોમાં છેલ્લા સવા મહિનામાં કુલ ૬૧૫ કેસ નોંધાયા છે.

(3:29 pm IST)