Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

રાજકોટ યાર્ડમાં પુષ્કળ આવકોને પગલે મગફળીની આવકો બંધ કરાઈઃ ભાવમાં ૩૦૦ થી ૪૦૦નું ગાબડુ

રાજકોટ, તા. ૧૬ :. સૌરાષ્ટ્રના હાર્દસમા રાજકોટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવકોને પગલે આવકો બંધ કરવાની જાહેરાત કરાઈ છે. પુષ્કળ આવકને પગલે મગફળીના ભાવમાં મણે ૩૦૦થી ૪૦૦ રૂ.નું ગાબડુ પડયુ છે.

રાજકોટ યાર્ડમાં છેલ્લા ૪ દિવસથી મગફળીની આવકોનો પ્રવાહ વધી જતા યાર્ડના સત્તાધિશોને મગફળીની આવકો બંધ કરવાની ફરજ પડી છે. ગત ૧૪ તારીખે ૩૬૦૦૦ ગુણી તથા ગઈકાલે ૧૫ તારીખે ૨૦,૦૦૦ ગુણીની મગફળીની આવકો થઈ હતી. એ પૂર્વે બે દિવસની મગફળીની આવકો પુષ્કળ થઈ હતી. જો કે મગફળીની આવકો સામે જોઈએ તેટલુ વેચાણ ન થતા યાર્ડમાં મગફળીના જથ્થાનો ભરાવો થઈ જતા યાર્ડના સત્તાધીશોએ મગફળીની આવકો બંધ કરવાની જાહેરાત કરી છે. આજે યાર્ડમાં ૧૮ થી ૨૦ હજાર મગફળી ગુણીનું વેચાણ થયુ હતુ. હજુ ૫૦ હજાર ગુણીનો જથ્થો વેચાયા વગરનો પડયો છે.

સૌરાષ્ટ્રના મુખ્ય પાક ગણાતા મગફળીની પુષ્કળ આવકોને પગલે ભાવમાં પણ ગાબડા પડયા છે. અઠવાડીયા પૂર્વે બેસ્ટ કવોલીટી મગફળીના એક મણના ૧૩૦૦ થી ૧૪૦૦ રૂ. હતા તે ઘટીને ૯૦૦૦થી ૧૦૫૦ રૂ. થઈ ગયા છે. જ્યારે ભેજવાળી અને નબળી કવોલીટીની મગફળીના ભાવ ૬૫૦થી ૮૦૦ રૂ. થઈ ગયા છે. યાર્ડમાં પડતર રહેલ મગફળીના જથ્થાનું વેચાણ થયા બાદ નવી મગફળીની આવકો શરૂ કરાશે.

(3:28 pm IST)