Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

મિસાઈલમેન ડો. સુધિર મિશ્રાના હસ્તે મારવાડી યુનિવર્સિટી પદવીદાન સમારંભ

રાજકોટઃ મારવાડી યુનિવર્સિટી કોનવોકેશનમાં ૨૧મી સદીને અનુરૂપ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એવા ડિગ્રી સર્ટીફીકેટ અપાયા ! આ સર્ટીફીકેટના અનોખા ૧૪ ફિચર્સ જેવા કે 'ચલણી નોટોમાં વપરાતા સિલ્વર ફોઈલ્ડ કરન્સી પેપર', અલ્ટ્રા  પ્રિન્ટ, ફકત ઈમિગ્રેશન ઓફિસ દ્વારા ડીકોડ થઈ શકે તેવા કોડસ, ૩ડી હોલોગ્રામ સ્ટીકર અને સહુથી મહત્વની વાત કે આ ડિગ્રી સર્ટીફીકેટને એનએસડીએલ પોર્ટલ ઉપર અપલોડ કરીને ખરાઈ કરી શકાશે. આનો મોટો ફાયદો એ થશે કે મલ્ટિનેશનલ કંપનીઓમાં આ ડિગ્રી સર્ટીફીકેટને અલગ જ અગ્રિમતા મળી શકશે. મારવાડી યુનિવર્સિટીના ફાઉન્ડર તથા પ્રેસીડેન્ટ કેતનભાઈ મારવાડીએ તેમના સંબોધનમાં મારવાડીનો ઈતિહાસ વાગોળતા કહ્યું કે તેમણે તથા જીતુભાઈ ચંદારાણાએ સાથે મળીને જે લક્ષ્ય સાધ્યું હતુ તે આજે મારવાડી યુનિવર્સિટી વિશ્વના નકશા પર એક અગ્રણી શિક્ષણ કેન્દ્ર તરીકે પોતાનું સ્થાન લઈને ૨૮ દેશના ૯૦૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓ અને ૩૦થી પણ વધારે ક્રોર્સીઝના સ્વરૂપમાં સાકાર થઈ રહ્યુ છે. અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેલા બ્રહ્મોઝ એરોસ્પેસના ડાયરેકટર જનરલ ડો. સુધિર મિશ્રાએ તેમની કારકિર્દીની શરૂઆતને યાદ કરતા કહ્યુ કે એક સમય એવો હતો જ્યારે મારી ઉંચી ડિગ્રીઓના આધારે હું પણ વિદેશમાં એક ઉચ્ચત્તમ જોબના સપના સેવતો હતો અને એ સમયે તેમને ડો. એ.પી.જે. અબ્દુલકલામ સરના હાથ નીચે એક સપ્તાહ કામ કરવાનો મોકો મળ્યો - ને એ એક સપ્તાહે તેમના જીવનની દિશા બદલી નાખી ! કલામ સરે તેમને ભારતનું ઉન્નત ભવિષ્ય સાપેક્ષ કરાવ્યું અને ત્યાર બાદ ડો. સુધીરે લગભગ ૧૪ વર્ષ શ્રી અબ્દુલ કલામજીની છત્રછાયામાં મિસાઈલ ઉપર સઘન કામ કરીને એક અપૂર્વ સિદ્ધિ મેળવી. ભારતે પ્રથમ સુપરસોનીક મિસાઈલ દુનિયા સમક્ષ મુકી ! આ એક ઐતિહાસિક ને અભૂતપૂર્વ સિદ્ધિ હતી જેને ભારતને વિશ્વના પ્રથમ પાંચ દેશોની હરોળમાં સ્થાન આપ્યું. ડો. સુધીર મિશ્રાએ આજના યુવાનોને ઈજન આપતા કહ્યુ કે આજે ભારત એક એવા સમયના આરે છે જ્યાંથી યુવાનો માટે અનેક સોનેરી તકો અને ઉજ્જવળ ભવિષ્ય રાહ જોય રહ્યુ છે. વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા તેમણે કહ્યું કે આજે ઉમદા તકો માટે વિદેશ જવાની કોઈ જ જરૂર નથી. ભારતમાં યુવાનો માટે લખલૂટ તકો છે. જે ઝડપવા ઉંચા સપના સેવો અને તેને સાકાર કરવા કઠોર પરિશ્રમ કરો, તદુપરાંત હંમેશા 'વર્ક-લાઈફ બેલેન્સ' પ્રત્યે સભાન રહો અને દેશ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ રહો. સમારોહના અંતમાં મારવાડી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કેતનભાઈ મારવાડી, વાઈસ પ્રેસિડેન્ટ જીતુભાઈ ચંદારાણા, કુલપતિ ડો. વાય.પી. કોસ્ટા, રજિસ્ટ્રાર નરેશ જાડેજા, સંચાલક ગણના સભ્યો તથા ડીનશ્રીઓએ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરી અને એક સફળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:52 pm IST)