Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ભીમનગર સર્કલ પાસે લેઉવા પટેલ નિલેષભાઇને ભરવાડ બંધુએ લાફા માર્યા, ઢસડીને પાર્કિંગમાં લઇ જઇ પાઇપથી હુમલો કર્યો

ફલોર મીલ ધરાવતાં યુવાનની બાજુની ખોડિયાર પાન-હોટેલવાળા કાનો અને મુન્નો ભરવાડ વિરૂધ્ધ ફરિયાદઃ દૂકાન સસ્તામાં પડાવી લેવાના ઇરાદે ત્રણેક વર્ષથી હેરાન કરવામાં આવી રહ્યાનો આક્ષેપ

લેઉવા પટેલ યુવાન નિલેષભાઇને ભરવાડ ભાઇઓએ પહેલા લાફા-ધુંબા-પાટા માર્યા બાદ તેને ઢસડીને નજીકના પાર્કિંગમાં લઇ જઇ પાઇપથી અને ઢીકા-પાટુનો માર મારવામાં આવ્યો હતો તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો

રાજકોટ તા. ૧૬: મોટા મવામાં રહેતાં અને નાના મવા રોડ ભીમનગર સર્કલ પાસે ફલોર મીલ ધરાવતાં લેઉવા પટેલ યુવાનને બાજુની પાનની દૂકાન અને ચાના થડાવાળા ભરવાડ ભાઇઓએ ગાળો દઇ ઘુસ્તાવી ઢસડીને પાછળના પાર્કિંગમાં લઇ જઇ બેફામ માર મારતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. દૂકાન પડાવી લેવાના ઇરાદે આ રીતે હેરાન કરવામાં આવી રહ્યાનો આક્ષેપ પટેલ યુવાને કર્યો છે.

બનાવ અંગે તાલુકા પોલીસે મોટા મવા ગામમાં રવેચી હોટેલવાળી શેરીમાં રહેતાં અને ભીમનગર સર્કલ પાસે ગોલ રેસિડેન્સી શોપીંગ સેન્ટરમાં વેદ એન્ટરપ્રાઇઝ નામે કામ કરતાં તેમજ પટેલ ફલોર મીલ ચલાવતાં નિલેષભાઇ સવજીભાઇ ધામેલીયા (પટેલ) (ઉ.૪૦)ની ફરિયાદ પરથી ચાના ધંધાર્થી મુન્નો ભરવાડ અને કાનો ભરવાડ સામે ગુનો નોંધ્યો છે.

નિલેષભાઇના કહેવા મુજબ મંગળવારે બપોરે હું મારી દૂકાન બહાર બેઠો હતો ત્યારે બાજુમાં ખોડિયાર ડિલકસ પાન તથા ચાનો થડો રાખી ધંધો કરતાં કાનો ભરવાડ આવી ગાળો દઇ બોલાચાલી કરી હતી. એ પછી તેનો ભાઇ મુન્નો ભરવાડ પણ આવી ગયો હતો અને બંનેએ મળી મારું માથુ પકડી ફડાકા મારી પેટમાં ઘુસ્તા માર્યા હતાં. તેમજ ઢીકા-પાટુનો માર મારર્યો હતો. મુન્નાએ પાઇપથી પણ હુમલો કર્યો હતો.

એ પછી કાનો મને ઢસડીને પાછળ આવેલા પાર્કિંગમાં લઇ ગયો હતો અને મુન્નો પણ આવી ગયો હતો. ફરીથી બંનેએ મળી ધોલધપાટ કરી હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં બંને ભાગી ગયા હતાં. મને ઇજા થઇ હોઇ સારવાર માટે હોસ્પિટલે ગયો હતો. પીએસઆઇ એસ.આર. સોલંકીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નિલેષભાઇએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અમારી ફલોર મીલે મોટે ભાગે મહિલાઓ, બહેન દિકરીઓ આવતી હોય છે. બાજુવાળા ભરવાડની હોટલ પાસે ગમે તેવા શખ્સો ભેગા થતાં હોઇ ગાળાગાળી કરતાં હોઇ તેને સમજાવતાં ખાર રાખ્યો હતો. વળી તે અમારી દૂકાન પણ સસ્તામાં વેંચાતી લઇ લેવાનો ઇરાદો ધરાવતાં હોય આ રીતે ત્રણેક વર્ષથી અવાર-નવાર હેરાન કરે છે. તેવો આક્ષેપ નિલેષભાઇએ કર્યો છે. પોલીસ ફરિયાદમાં હુમલો શા માટે થયો? તેનું કોઇ કારણ જ નોંધાયું નથી!

(4:01 pm IST)