Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જાહેર ક્ષેત્રનું આભૂષણ ડો.કનુભાઈ માવાણીનું સુરતમાં ભવ્ય અભિવાદન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગરીમા આસમાને પહોંચાડનાર : પંચામૃત પંચોતેર : પુસ્તક વિમોચન કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો સન્માન સમારોહ

રાજકોટ, તા. ૧૫ : સુરતના પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢી ભવ્ય શૈક્ષણિક સામાજીક ક્ષેત્રે ગરીમાની ટોચે પહોંચાડનાર યશસ્વી કુલપતિ ડો.કનુભાઈ માવાણીનું સુરતમાં શરદ પૂર્ણિમાએ ભવ્ય અભિવાદન યોજાયો હતો. સુરતમાં કનુભાઈ માવાણીનો પંચોતેરમાં જન્મદિવસ અને શ્રી કનુભાઈ માવાણી અને શ્રીમતી પ્રભાબેન માવાણીના ૫૦ વર્ષના દામ્પત્યજીવનની ઉજવણીને એક મુઠ્ઠી ઉંચેરા માનવ ડો.કનુભાઈ માવાણી ત્રિવિધ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતના ભૂતપૂર્વ મેયર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, સુરતના પૂર્વ ધારાસભ્ય તેમજ અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહેલ એવા ડો. કનુભાઈ માવાણીની જન્મભૂમિ ગારીયાધારથી કર્મભૂમિ સુરત સુધીની સંઘર્ષમય જીવનયાત્રાના ૭૫ વર્ષ પૂર્ણતા નિમિતે તા.૨ ઓકટોબર ૨૦૧૯ના રોજ ડો.માવાણી અભિવાદન સમિતિ, સુરત દ્વારા શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યાસંકુલ ખાતે 'પંચામૃત પંચોતેર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે પ્રાંસલાથી આવેલા ધર્મબંધુજીએ પોતાના વકતવ્યમાં કહ્યુ હતું કે જે લોકોએ પરીવાર, સમાજ અને રાષ્ટ્રને કઈ આપ્યુ છે તેનો ઈતિહાસ લખાયો છે. માણસ પાસે જયારે સત્તા, સંપતિ અથવા જ્ઞાન આવી જાય ત્યારે તે છકી જતા હોય છે પરંતુ માવાણીએ આવી કોઈપણ પ્રકારની બાબત તેમની પાસે આવવા દીધી નથી અને તમામ ક્ષેત્રે સફળ થયા હોવા છતા પણ સમાજમાં એક નિર્મળ વ્યકિત તરીકેનું જીવન જીવ્યા છે. તેની આ સફળતા આપણે જોઈ રહ્યા છીએ. તેમના જે વિચારો છે, તેમનું વ્યકિતત્વ છે તે નવી પેઢી સામે કેવી રીતે પ્રસ્તુત કરે અને તેમના વિચારો નવી પેઢીને કેવી રીતે આપે તે હવે પછીની તેમના જીવનની કસોટી છે. જેમણે સંસ્કૃતિ, ધર્મ, સભ્યતા, સમાજ અને રાષ્ટ્ર માટે યોગદાન આપ્યુ છે. તેને ઈતિહાસ જુ પણ યાદ કરે છે.

સુરતના સાંસદ દર્શનાબેન જરદોશે આ પ્રસંગે જણાવ્યુ હતું કે ડો.કનુભાઈ માવાણીનું માત્ર સામાજીક નહિં પરંતુ સુરતની રાજનીતિમાં પણ ખૂબ જ મોટુ યોગદાન છે. તેમનું સામાજીક જીવન, રાજકીય જીવન અને દાંપત્યજીવન પ્રેરણાદાયી છે.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી તેમજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર તેમજ ધારાસભ્ય કાંતિભાઈ તેમજ સમાજના આગેવાનો રામજીભાઈ ઈટાળીયા, ગોવિંદભાઈ ધોળકીયા, લાલજીભાઈ પટેલ, વલ્લભભાઈ સવાણી, અનુભાઈ તેજાણી, જશમતભાઈ વીડીયા, મનહરભાઈ સાચપરા, ડો.દીપકભાઈ રાજગુરૂ, ધારાસભ્ય વિવેકભાઈ પટેલ તેમજ મેડીકલ એસોસીએશનના તબીબો તેમજ માવાણી પરીવાર અને મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો હાજર રહ્યા હતા.

જાણીતા શિક્ષણશાસ્ત્રી અને એકેડેમીક સ્ટાફ કોલેજના પૂર્વ ડાયરેકટર શ્રી ભદ્રાયુભાઈ વછરાજાનીએ એક મુઠ્ઠી ઉચેરા માનવી ડો.કનુભાઈ માવાણી પુસ્તક વિમોચન પ્રસંગે જણાવ્યુ હતું. ડો.કનુભાઈ માવાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રાણ ફૂંકનાર કુલપતિ છે. જે દેશભરમાં સૌપ્રથમ ડો.કનુભાઈ માવાણી કુલપતિ હશે કે જેઓ ફાયનાન્સ, ક્રાઈસીસ, એચ.આર. સહિત બાબતોમાં નમુનેદાર કામગીરી તેમજ કોઈપણ દંભ વગર રાજકીય પગરખા વગર યુનિવર્સિટીમાં કામ કરી પ્રવેશ કરનાર કનુભાઈ માવાણી એક માત્ર કુલપતિ છે જેને લોકો યાદ કરે છે.

જાણીતા લેખક અને વકતા જય વસાવડાએ આ પ્રસંગે જણાવ્યુ કે ડો.કનુભાઈ માવાણીએ કુલપતિપદ સંભાળ્યુ ત્યારે હું વિદ્યાર્થી હતો અને કાર્યભાર છોડ્યો ત્યારે મેં અધ્યાપક તરીકે રાજીનામુ આપ્યુ હતું અને આજે કનુભાઈ માવાણીની કામગીરીને બિરદાવી હતી અને સમાજે પ્રેરણાકીય થીમ અર્પી હતી.

શિક્ષણ, આયુર્વેદ, સમાજ સેવાની સાથે ભ્રષ્ટાચાર સામે અભિયાન ચલાવીશ : માવાણી

પંચોતેરમાં જન્મદિને અભિવાદન સમારોહમાં કનુભાઈ માવાણીનો પ્રતિભાવ

રાજકોટ, તા. ૧૬ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શકલ ફેરવી દેનાર અને જાહેર જીવનમાં 'આભૂષણ' ગણાતા સુરતના પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય ડો.કનુભાઈ માવાણીનો સુરત ખાતે પંચોતેરમો જન્મદિવસ ઉજવાયો. સમાજના વિવિધ ક્ષેત્રના ટોપના આગેવાનોની વિશાળ ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાયેલ.

ડો.કનુભાઈ માવાણીએ તેના અભિવાદનના પ્રત્યુતરમાં પણ ૭૫ વર્ષ ખુમારીની પ્રતિતિ કરાવી હતી. આગામી વર્ષો માટે શિક્ષણ આયુર્વેદ અને સમાજ સેવાની સાથે ભ્રષ્ટાચાર સામે અભિયાન હાથ ધર્યુ છે. ડો.કનુભાઈ માવાણીના સમાજ કલ્યાણ પરોપકાર પ્રવૃતિના મિજાજનો ઉપસ્થિત સૌએ તાલીઓના ગડગડાટથી વધાવ્યો હતો.

(1:08 pm IST)