Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝે ૧૦૦ વર્ષ પુરા કર્યાઃ ચાલુ વર્ષે પણ આપશે એવોર્ડ ફોર એકસીલન્સ

સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વિવિધ કેટેગરીના એવોર્ડ માટે અરજી કરવા આમંત્રણ : કુલ ૧૪ કેટેગરીનાં એવોર્ડઃ અરજી કરવાની અંતિમ તારીખ ૩૦ નવેમ્બરઃ નવા વર્ષે એવોર્ડ સમારોહ

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ મયંક માંકડ દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું મોમેન્ટો આપી બહુમાન કરાયુ હતુ તે સમયની તસ્વીર. તસ્વીરમાં ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, સેક્રેટરી નૌતમભાઈ બારસીયા, પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયા મોમેન્ટો ગ્રહણ કરતા દેખાય છે. તેમની બાજુમાં એફજીઆઈના હોદેદાર નિતેશ પટેલ પણ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ :. વડોદરા સ્થિત ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ ગુજરાત તથા દેશના વ્યાપાર ઉદ્યોગની સેવામાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ છે. આ અવસરે દર બે વર્ષની જેમ ચાલુ વર્ષેે પણ ફેડરેશન દ્વારા વિવિધ ઉદ્યોગોને એફજીઆઈ એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ માટે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને નામાંકન કરવા અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અરજી કરવાની અંતિમ તારીખ ૩૦ નવેમ્બર ૨૦૧૯ છે. આ પ્રતિષ્ઠીત એવોર્ડ સમારોહ નવા વર્ષે યોજાશે. કુલ ૧૩ કેટેગરીમાં એવોર્ડ અપાશે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી આ અંગેની વધુ વિગતો આપતા ફેડરેશનના પૂર્વ પ્રમુખ નીતિન માંકડ અને વર્તમાન હોદેદાર નીતેશ પટેલે જણાવ્યુ હતું કે, રજત જયંતિ વર્ષ ૧૯૯૩માં એફ.જી.આઈ. એવોડર્સ ફોર એકસીલન્સની શરૂઆત વ્યાપાર ઉદ્યોગ તથા સમાજ સેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવવા માટે થઈ. એફ.જી.આઈ. એવોડર્સ અઘરા માપદંડ અને નિષ્ણાંત જ્યુરીના નિષ્પક્ષ નિરૂપણમાં પસાર થઈ જાહેર કરાય છે. દર બે વર્ષે યોજાતા એફ.જી.આઈ. એવોડર્સના વિજેતાઓને ડો. એ.પી.જે. કલામ, ડો. મનમોહન સિંઘ, શ્રી નરેન્દ્ર મોદી, શ્રી સુરેશ પ્રભુ, શ્રી મનોહર પરીકર તથા શ્રીમતી મેનકા ગાંધી જેવા વિશિષ્ટ વ્યકિતઓના હસ્તે બિરદાવવામાં આવ્યા છે.

એફ.જી.આઈ.નો એવોર્ડ મેળવવો વિજેતાઓ માટે વ્યાપાર ઉદ્યોગ અને સમાજમાં પ્રતિષ્ઠા વધારનારો સાબિત થયો છે. આ ૧૬માં એફ.જી.આઈ. એવોર્ડમાં કોઈપણ સંસ્થા, કંપની, એનજીઓ, વ્યકિત વિગેરે પોતાને લગતી ૧૩ કેટેગરીમાંથી એકથી વધુમાં અરજી કરી શકે છે. સમય સાથે તાલ મીલાવતા ડીજીટલ ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ રાખવામાં આવી છે. ૧૬માં એફ.જી.આઈ. એવોડર્સમાં નીચે મુજબની કેટેગરીમાં ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધી અરજી સ્વીકારીશું. ઓનલાઈન અરજી કરવા માટેની લીંક આ મુજબ છેઃ www.fglindia.com/awards

તેઓએ જણાવ્યુ હતુ કે કુલ ૧૪ કેટેગરીના એવોર્ડ અપાશે. જેને ગુજરાતની ટોચની કંપનીઓ દ્વારા સ્પોન્સર પણ કરવામાં આવે છે. આ એવોર્ડ પ્રાપ્ત કરનાર ઉદ્યોગની પ્રતિષ્ઠામાં વધારો પણ થાય છે.

આ ફેડરેશનની સ્થાપના ૧૯૧૮માં થઈ હતી. આ સંસ્થાએ ૧૦૦ વર્ષ પુરા કર્યા છે. આ એવોર્ડ અર્પણ કરવા પાછળનો હેતુ આર્થિક, સામાજિક અને સાયન્ટીફીક એરિયાની એકસીલન્સને ઓળખવાનો છે. બિઝનેસ સમુદાયમાં આ એવોર્ડ એક સ્ટેટસ સિમ્બોલ પણ બનેલ છે. આ એવોર્ડની એન્ટ્રી ફ્રી છે તેમ તેઓએ જણાવ્યુ હતું.

આ પત્રકાર પરિષદમાં ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, પૂર્વ પ્રમુખ ગૌતમ ધમસાણીયા, ચેમ્બરના સેક્રેટરી નૌતમ બારસીયા, પૂર્વ પ્રમુખ શિવલાલ બારસીયા સહિત ચેમ્બરના કારોબારી સભ્યો હાજર રહ્યા હતાં.

(11:40 am IST)