Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

રોગચાળાનું તાંડવઃ હસનવાડીમાં ૧૧ વર્ષની છાત્રાને તાવ ભરખી ગયો

બે-ત્રણ દિવસથી તાવ આવતો હોઇ ગુંદાવાડી હોસ્પિટલમાંથી દવા લીધી હતીઃ સવારે ઉલ્ટીઓ થયા બાદ દમ તોડી દીધોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૫: શહેરમાં રોગચાળો બેકાબૂ થઇ ગયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર રોગચાળાને નાથવા ઘેર ઘેર સર્વે કરવા ઉપરાંત જરૂરી કામગીરી કરી રહ્યું છે. પરંતુ આમ છતાં મેલેરીયા, ડેંગ્યુના કેસો સતત વધી રહ્યા છે. દરમિયાન હસનવાડીમાં રહેતી ૧૧ વર્ષની છાત્રાને તાવ ભરખી જતાં આહિર પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ હસનવાડી શેરી નં. ૨માં ત્રિશુલ ચોકમાં રહેતી ક્રિષ્ના જયેશભાઇ લાવડીયા (ઉ.૧૧)ને વહેલી સવારે સાડા ચારેક વાગ્યે ઉલ્ટીઓ થતાં અને બેભાન જેવી થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ ભકિતનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેશા-ખારવાએ એડી નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર ક્રિષ્ના એક ભાઇથી નાની હતી અને માતા-પિતાની એકની એક લાડકી દિકરી હતી. તે ધોારણ-૬માં અભ્યાસ કરતી હતી. તેના પિતા જયેશભાઇ ઉકાભાઇ લાવડીયા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ ક્રિષ્નાને બે ત્રણ દિવસથી તાવ આવતો હોઇ ગુંદાવાડી હોસ્પિટલમાંથી દવા લીધી હતી. રિપોર્ટ કરાવ્યા નહોતાં. દરમિયાન આજે સવારે તેણીને અચાનક ઉલ્ટીઓ થવા માંડી હતી અને બેભાન જેવી થઇ હતી. સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આરોગ્ય તંત્રએ આ બનાવને પગલે દોડધામ આદરી છે.

બે મહિનામાં ડેંગ્યુનો ઉપાડો વધ્યો

નોંધનીય છે કે, છેલ્લ બે મહિનામાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. ડેન્ગ્યુ તાવનાં ૩૦૦થી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ રોગચાળો કાબુમાં લેવા તંત્ર મથામણ કરી રહ્યુ છે.

(1:32 pm IST)