Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ઓબ્ઝર્વેશન હોમમાં બાળ ગુનેગાર છરી સાથે ઘુસી ગયોઃ અન્ય કિશોરોમાં ભયનો માહોલ

મહેસાણા સેફટી હોમમાંથી અઠવાડીયા પહેલા ભાગી છુટી હવે વતન રાજકોટ પહોંચ્યો : અગાઉ મોબાઇલ, જાકીટની લૂંટ તેમજ પોલીસની રાઇફલ લૂંટવાના ગુના આ સગીર સામે નોંધાઇ ચુકયા છેઃ ઝડપી લેવા દોડધામ

રાજકોટ તા. ૧૬: ભકિતનગર સ્ટેશન પ્લોટમાં આવેલા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં ગત રાત્રે સગીર આરોપીએ ગેરકાયદેસર રીતે પાછળના ભાગની દિવાલ ઠેંકી છરી સાથે અંદર ઘુસી જઇ અન્ય બાળ આરોપીઓને છરી બતાવી ધમાલ મચાવતાં નાશભાગ મચી ગઇ હતી. કાયદાના સંઘર્ષમાં આવેલા રાજકોટના આ બાળ ગુનેગારને અગાઉ લૂંટ સહિતના ગુનામાં પકડીને મહેસાણા સેફટી હોમમાં મોકલાયો હતો. ત્યાંથી અઠવાડીયા પહેલા ભાગીગયો હતો અનેગત રાત્રે રાજકોટના ઓબ્ઝર્વેશન હોમમાં ઘુસી જઇ ધમાલ મચાવી હતી. પોલીસની રાઇફલ પણ આ ગુનેગારે અગાઉ લૂંટી લીધી હોઇ અને ગંભીર ગુના કરવાની ટેવ ધરાવતો હોઇ તેને દબોચી લેવા પોલીસની જુદી-જુદી ટૂકડીઓ કામે લાગી છે.

બનાવ અંગે એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ એસ. વી. સાખરાએ રેસકોર્ષ પાર્કમાં રહેતાં અને ભકિતનગર સ્ટેશન પ્લોટમાં નિલકંઠ ઇલેકટ્રોનિકસ સામે આવેલા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં નિસર્ગભાઇ કમલેશભાઇ ઉપાધ્યાય (ઉ.૨૭)ની ફરિયાદ પરથી બાળ આરોપી સામે આઇપીસી ૪૫૨, જીપીએકટ  ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

નિસર્ગભાઇના કહેવા મુજબ ગત રાત્રે સવા નવેક વાગ્યે પોતે ઘરે હતાં ત્યારે સ્ટાફના લાભુભાઇ લાવડીયાએ ફોન કરી જાણ કરી હતી કે ઓબ્ઝર્વેશન હોમમાં પાછળના ભાગે અગાસી પરથી ગેરકાયદેસર રીતે બાળ ગુનેગાર ઘુસી આવ્યો હતો અને તે પાછો જતો રહ્યો છે. આથી પોતે તાકીદે ત્યાં પહોંચ્યા હતાં. તપાસ કરતાં સ્ટાફના બીજા લોકો વજુભાઇ, અનિલભાઇ, મગનભાઇ સહિતે પણ બાળ આરોપી છરી સાથે આવ્યાનું અને બીજા બાળ કિશોરોને છરી બતાવતાં તે ગભરાઇ ગયા હતાં. આ સગીર ગુનેગાર અઠવાડીયા પહેલા મહેસાણાથી ભાગી છુટ્યો છે. તેની સામે રાજકોટમાં ગંભીર ગુના નોંધાયા હોઇ શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઓબ્ઝર્વેશન હોમની અગાસીએ આ ગુનેગારે એરગનથી ફાયરીંગ કર્યાની વાત પણ વહેતી થઇ હતી. જો કે પોલીસ તપાસમાં આવું કંઇ બહાર આવ્યું નથી.

(3:30 pm IST)