Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ટ્રાન્સપોર્ટરને હનીટ્રેપમાં ફસાવી લાખોની ખંડણી માંગવાના ગુનામાં પકડાયેલ આરોપીઓની રીમાન્ડ રદ

રાજકોટ તા. ૧૬: શહેરના ગાયકવાડી વિસ્તારમાં રહેતા ટ્રાન્સપોર્ટર યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂપીયા ૧ર લાખની ખંડણી માંગી લુંટ ચલાવનાર આરોપીઓની ધરપકડ કરી પાંચ દિવસના રીમાન્ડ સાથે અદાલતમાં રજૂ કરાતા અદાલત દ્વારા પોલીસની રીમાન્ડની માંગણી ફગાવી દેવામાં આવેલ છે.

આ બનાવની હકીકત એવી છે કે, જંકશન પ્લોટ વિસ્તારના ગાયકવાડી-૩માં રહેતા અને કેશરીહિન્દ પુલ પાસે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સુરજ પ્રકાશભાઇ છાબરીયા નામના સિંધી ટ્રાન્સપોર્ટર યુવાનને નીતુ રાવલ નામની યુવતીએ થોડાક દિવસો પહેલા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપની રીકવેસ્ટ મોકલી હતી અને તે રીતે બન્નેને વાતચીત શરૂ થઇ હતી ત્યારબાદ ત્રણેક દિવસ પહેલા આ નીતુ રાવલે ફરીયાદી સુરજને રેસકોર્ષ લવગાર્ડનમાં મળવા માટે બોલાવેલ હતો જયાં મળવા જતા આરોપીઓના કાવત્રાના ભાગરૂપે ૪ શખ્સો ધસી આવ્યા અને ઝગડો કરી ફડાકા મારી તું અમારી બહેન સાથે કેમ વાત કરવા બેઠો છે તેમ કહી રીક્ષામાં બેસાડી અપહરણ કરી રેલવે કોલોનીમાં આવાસ કવાર્ટર પાસે લઇ ગયેલ અને ઢીકાપાટુનો માર મારી અમારી બહેનની સગાઇ થઇ ગઇ છે તારા હિસાબે તેની આબરૂ જશે તેમ કહી સમાધાન પેટે રૂપિયા ૧ર લાખની ખંડણીની માંગણી કરી હતી.

આ તકે ફરીયાદી સુરજ ગભરાઇ જતા તેણે તેના પિતા તથા કાકાને વાતચીત કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને પ્ર.નગર પોલીસ દ્વારા (૧) શાહનવાઝ ઉર્ફે સાનુ અહેમદ આમદાણી રહે. નહેરૂનગર-૧, રૈયા રોડ (ર) અફઝલ ઉર્ફે અબો સાઝીદ નાનાણી રહે. છોટુનગર-ર ના ખુણે (૩) આસીફ અશરફ કડવર રહે. લક્ષ્મીછાંયા સોસાયટી, રૈયા ચોકડી (૪) હરકિશનસિંહ નવલસિંહ ગોહિલ રહે. નાણાવટી ચોક પાસે તથા (પ) સગીરા યુવતી સહિત પાંચની પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા ધરપકડ કરેલ હતી.

આરોપી આસીફ અશરફ કડવર વતી રીમાન્ડ અરજીનો સખત વિરોધ કરતા જણાવેલ હતું કે, પોલીસે રીમાન્ડના જે કારણો દર્શાવેલા છે તે હાઇપોથીટેકલ કારણો છે અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ટાંકી ઇન્ટ્રોગેશન માટે રીમાન્ડ ન હોય પરંતુ ઇન્વેસ્ટીગેશન માત્ર સબળ કારણો હોય તો જ રીમાન્ડ આપી શકાય તે મુજબની દલીલો કરી પોલીસની તપાસની થીયરી ગેરબંધારણીય અને ગેરકાયદેસર હોવાની રજુઆતો કરી રીમાન્ડ અરજી નામંજુર કરવા દલીલો કરાયેલ હતી.

બન્ને પક્ષકારોની દલીલોના અંતે અદાલતને પોલીસે જે કારણોસર રીમાન્ડ માંગેલ છે઼ તે કારણો રીમાન્ડ માટે અપુરતા હોવાનું અને આરોપીને પોલીસની વિશેષ કસ્ટડીમાં મોકલવાની જરૂરીયાત ન હોવાનું ઠરાવી રીમાન્ડ અરજી નામંજુર કરેલ હતી.

આ કામમાં આરોપી આસીફ અશરફ કડવર વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ પટેલ રોકાયેલ હતા. (૭.૩૭)

(3:16 pm IST)