બે માસુમના ભેદી મોતઃ ગોંડલમાં સબ જેલ પાસે આવાસ ક્વાર્ટરમાં રહેતાં રાજેશભાઇ પ્રેમજીભાઇ મકવાણાના બે માસુમ દિકરા રોહિત (ઉ.વ.૩) અને હરેશ (ઉ.વ.૧૩)ના ભેદી મોત થયા છે. દરગાહે ન્યાજમાં જમીને આવ્યા બાદ એકાદ કલાક રમ્યા પછી ઉલ્ટી થયા બાદ બંને બેભાન થઇ ગયાનું અને મોત નિપજ્યાનું પિતા રાજેશભાઇએ જણાવ્યું હતું. જમણ બાદ ઝેરી અસર થઇ કે પછી ઝેર અપાયું? આ દિશામાં ગોંડલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. તસ્વીરમાં ભેદી મોતને ભેટેલા માસુમ રોહિત અને હરેશની તસ્વીર, વિગતો જણાવતાં પિતા રાજેશભાઇ મકવાણા જોઇ શકાય છે. બંને બાળકોને પિતા રાજેશભાઇ દરગાહે લઇ જતાં હોઇ ત્યાં ટોપી પહેરાવી ફોટા પડાવ્યા હતાં.
રાજકોટ તા. ૧૬: ગોંડલમાં એક પરિવારના ૩ અને ૧૩ વર્ષના બે સગા ભાઇઓના ભેદી મોત થયા છે. બંનેને પિતા સાંજે ગોંડલમાં જ આવેલી દરગાહ ખાતે ન્યાજના જમણમાં લઇ ગયા હતાં. એ પછી બંને ઘરે આવી એકાદ કલાક રમ્યા હતાં, ત્યારબાદ પહેલા નાના ભાઇને અને બાદમાં મોટા ભાઇને ઉલ્ટીઓ ચાલુ થઇ ગઇ હતી અને બંનેની તબિયત બગડી ગઇ હતી. ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બંનેના મોત થયા હતાં. પિતાએ જે કહાની પોલીસને જણાવી તે મુજબ બાળકોના જમણને કારણે ઝેરી અસરથી મોત થયા કે પછી કોઇએ ઝેર આપી દેતાં બંનેનો જીવ ગયો? તે મુદ્દે ભેદભરમ સર્જાયા હોઇ ગોંડલ પોલીસ બંને માસુમના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા હતાં. જો કે તેના વિસેરા લઇ રિપોર્ટ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે.
સમગ્ર ગોંડલ પંથકમાં ચકચાર જગાવનારી આ બનાવની વિગતો એવી છે કે ગોંડલમાં વોરા કોટડા રોડ પર સબ જેલની નજીક સરકારી આવાસ ક્વાર્ટરમાં રહેતાં રોહિત રાજેશભાઇ મકવાણા (ઉ.વ.૩) અને તેના ભાઇ હરેશ રાજેશભાઇ મકવાણા (ઉ.વ.૧૩)ને રાતે ઘરે ઉલ્ટીઓ થવા માંડતાં પિતા રાજેશભાઇ પ્રેમજીભાઇ મકવાણાએ બંનેને ગોંડલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. ત્યાં હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ મોડી રાતે બંને ભાઇઓએ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાંથી જાણ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને ભાવેશભાઇ મકવાણાએ ગોંડલ સીટી પોલીસને જાણ કરતાં પીએસઆઇ ઝાલા સહિતનો સ્ટાફ તપાસાર્થે રાજકોટ પહોંચ્યો હતો. બાળકોને ઉલ્ટી થયા બાદ બેભાન થઇ ગયા પછી રાજકોટ સારવારમાં મૃત્યુ થયાની નોંધ હોસ્પિટલ ચોકી મારફત ગોંડલ પોલીસને કરાવવામાં આવી હતી.
બાળકોના પિતા રાજેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે તે છુટક સેન્ટીંગ કામની મજૂરી કરે છે. તે અગાઉ રાજકોટ કોઠારીયા સોલવન્ટ પાસે શિતળાની ધારમાં રહેતાં હતાં. પંદરેક વર્ષ અહિ રહ્યા બાદ હાલ પાંચેક વર્ષથી ગોંડલમાં રહે છે. પોતાના લગ્ન કોડીનારના આલીદર બોલીદર ગામના હીરલબેન સાથે થયા હતાં. સંતાનમાં બે પુત્ર હરેશ (ઉ.વ.૧૩) અને રોહિત (ઉ.વ.૩) છે. રાજેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે પોતાને અને પત્નિને મનમેળ ન થતાં આજથી આશરે વીસેક દિવસ પહેલા જ રાજીખુશીથી છુટાછેડા લીધા છે. એ પછી બંને દિકરાને પોતાની સાથે જ રાખ્યા હતાં.
રાજેશભાઇ મકવાણાએ આગળ જણાવ્યું હતું કે મોટો દિકરો હરેશ ત્રીજા ધોરણમાં ભણતો હતો. રોહિતને હજુ ભણવા બેસાડયો નહોતો. મને ગોંડલમાં આવેલી હાજી મુસાબાવાસાહેબની દરગાહમાં ખુબ શ્રધ્ધા હોવાથી હું અવાર-નવાર ત્યાં જતો હતો અને મારા બાળકોને પણ લઇ જતો હતો. લગભગ નિયમીત રીતે હું દરગાહની મુલાકાતે જતો હતો અને બાળકોને સાથે લઇ જતો હતો. ગઇકાલે પણ હું બંને દિકરાને લઇને ત્યાં દરગાહે ગયો હતો. જ્યાં ન્યાજના જમણમાં દાળભાત, જલેબીનું ભોજન કર્યુ હતું. બાળકોએ પણ આ ભોજન લીધુ હતું.
ત્યાંથી ઘરે આવ્યા બાદ એકાદ કલાક સુધી બંને દિકરા બહાર રમ્યા હતાં. પછી ઘરમાં આવ્યા બાદ પહેલા નાના દિકરા રોહિતને ત્રણ ઉલ્ટી થઇ હતી અને એ પછી મોટા દિકરા હરેશને બે ઉલ્ટી થઇ હતી. બંને બેભાન જેવા થઇ જતાં હું તુરત ગોંડલની હોસ્પિટલે લઇ ગયો હતો. ત્યાંથી અમને રાજકોટ લઇ જવા કહેવાતાં બંને દિકરાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ બંને દિકરાને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં.
પિતા રાજેશભાઇએ બબ્બે માસુમ દિકરા ગુમાવ્યા હોવા છતાં તેમણે આ તમામ વિગતો ખુબ જ સહજતાથી આપી હતી. તેમજ કંઇ પુછાયુ ન હોવા છતાં એવું રટણ કર્યુ હતું કે હું થોડો મારા દિકરાઓને મારી નાખું! આ ઘટનામાં ન્યાજનું જમણ અસંખ્ય લોકોએ જમ્યું હતું. કોઇને કોઇ જ તકલીફ થઇ નથી, ત્યારે આ બે બાળકોને જ જમણ બાદ કઇ રીતે ઝેરી અસર થઇ? તે સવાલ જ આ મોત ભેદી હોવાની આંગળી ચીંધતો હોઇ પોલીસે એ દિશામાં તપાસ આરંભી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, તબિબે વિસેરા લઇ રિપોર્ટ પેન્ડીંગ રાખ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ ગોંડલ પોલીસ આ બનાવમાં આગળ કાર્યવાહી કરશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની રાહબરીમાં પીએસઆઇ ઝાલા અને ટીમ વધુ તપાસ કરે છે.
૧૨મી તારીખે પણ દિકરાઓને દરગાહે લઇ જઇ ટોપી પહેરાવી ફોટા પાડયા હતાં
* રાજેશભાઇના મોબાઇલ ફોનમાં તેના બંને દિકરા રોહિત અને હરેશના ચાર દિવસ પહેલા જ દરગાહે પાડેલા ફોટા જોવા મળ્યા છે. દરગાહનો ફોટો પણ તેના મોબાઇલ ફોનમાં છે. ગઇકાલે પણ તે બાળકોને દરગાહે લઇ ગયા હતાં. મોબાઇલ ફોનમાંથી અગાઉના તમામ ફોટા હિસ્ટ્રી તેમણે ડિલીટ કરી નાંખ્યા હતાં. તેના કહેવા મુજબ પત્નિ સાથેના ફોટા વિડીયો હતાં તે હવે રાખીને મારે શું કામ? એ માટે મેં બધુ ડિલીટ કર્યુ છે.
૨૦ દિવસ પહેલા જ રાજેશભાઇએ પત્નિ સાથે છુટાછેડા લીધા હતાં: એ પછી અચાનક જ બંને દિકરાના મોતથી ખળભળાટ
* રાજેશભાઇ મકવાણાએ વીસ દિવસ પહેલા જ તેના પત્નિ હિરલબેન સાથે છુટાછેડા લીધા છે. આ પછી અચાનક જ બંને દિકરાના ભેદી મોત નિપજતાં ખળભળાટ મચી ગયો છે. બંને માસુમ ભાઇઓના મોત માટે કોણ જવાબદાર છે? તેનો ભેદ ગોંડલ પોલીસ બહુ ઝડપથી ઉકેલી નાખે તેવી આશા છે.