Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

અરવિંદ રૈયાણીનો હનુમાન કુદકો... પ્રધાનપદના શપથ

ઉપલાકાંઠે અભૂતપૂર્વ વર્ચસ્વ ધરાવે છે, ધુંઆધાર નેતા તરીકેની ઓળખ : પિતા ગોરધનભાઈના પગલે- પગલે અરવિંદભાઈ પણ યુવાવયે જ ભાજપમાં જોડાયેલાઃ પક્ષમાં અનેક જવાબદારી નિભાવ્યા બાદ બે ટર્મ કોર્પોરેટર તરીકે પણ સેવા આપેલીઃ આગેવાનો- કાર્યકરો દ્વારા અભિનંદન વર્ષાનો ધોધ

રાજકોટ,તા.૧૬: રાજયના નવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળની આજે શપથવિધી યોજાઈ હતી. જેમાં મોટાભાગે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તો રાજકોટના ધારાસભ્ય શ્રી અરવિંદ રૈયાણીને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.ઉપલાકાંઠે જબરદસ્ત વર્ચસ્વ ધરાવતા શ્રી અરવિંદ રૈયાણી એક ધુઆધાર નેતા તરીકેની છાપ ધરાવે છે. પોતાના મતવિસ્તારમાં પ્રશ્નો ઉકેલવા માટે હંમેશા કાર્યશીલ હોય છે.

મંત્રી મંડળમાં સમાવેશ થવાના મામલે રાજકોટમાંથી ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણીનું નામ ચર્ચામાં હતું, આખરે અરવિંદ રૈયાણીનું નામ ફાઈનલ થયું હતું. એ પણ કહી શકાય કે ગોવિંદભાઈને અગાઉ મંત્રીપદ મળી ચુકયું હોય તેના સ્થાને રૈયાણીની પસંદગી થઈ હોઈ શકે તેવું માની શકાય. યુવા નેતા હોય તેમની પસંદગી કરવામાં આવી હોય તે બની શકે છે.

અરવિંદભાાઈનો પરિચય જાણીએ તો તેઓનો જન્મ ૧ એપ્રિલ ૧૯૭૮ના રોજ થયો હતો. તેમના પિતા ગોરધનભાઈ રૈયાણી જેમ જ તેઓ પણ યુવા વયથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

તેઓએ ધો.૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે. ભુતકાળમાં ભાજપમાં વિવિધ જવાબદારીઓ નિભાવી ચુકયા છે. એક ટર્મ સુધી શહેર ભાજપ મંત્રી, યુવા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપેલી. તેઓ ૨૦૧૦ થી ૨૦૧૫ તથા ૨૦૧૫ થી ૨૦૨૦ એમ બે વખત કોર્પોરેટર તરીકે રહી ચુકયા છે. તેઓની કોર્પોરેશની બાંધકામ સમિતિના ચેરમેનપદે બે વખત નિમણુંક થઈ હતી અને શાસકપક્ષના દંડક  તથા સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય તરીકે પણ જવાબદારી સંભાળી ચુકયા છે. હાલમાં રાજકોટ પૂર્વ વિધાનસભા-૬૮ના ધારાસભ્ય છે.

શ્રી અરવિંદ રૈયાણીનું નામ મંત્રી મંડળમાંથી જાહેર થતાંની સાથે જ હોદ્દેદારો- કાર્યકરો દ્વારા તેમના પર અભિનંદનવર્ષા થઈ રહી છે. (અરવિંદ રૈયાણી મો.૯૮૭૯૧ ૬૨૫૪૫) 

(4:14 pm IST)