Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

શહેરમાં વરસાદથી તૂટેલા રસ્તાઓ - વાલ્વ ચેમ્બરો - નાલા - પુલિયા રીપેર કરાવો : કોંગ્રેસ

દરેક વોર્ડના રસ્તાઓ પરથી ગંદકી - ગારો - કિચડ દુર કરાવો : વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીની રજૂઆત

રાજકોટ તા. ૧૬ : શહેરમાં વરસાદથી તૂટેલા રસ્તાઓ - વાલ્વ ચેમ્બરો વગેરેનું તાત્કાલિક રીપેરીંગ કરાવવા સહિતની બાબતોએ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મ્યુ. કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરમાં બે દિવસ પહેલા મેઘરાજાએ મહેર કરી હતી અને સમગ્ર રાજકોટ શહેરના પીવાના પાણીનો પ્રશ્નનો ફકત ૨૪ કલાકમાં જ ઉકેલ આપેલ છે ત્યારે મહાનગરપાલિકા ના તંત્રએ પ્રિમોન્સુન કામગીરી કરવાની થતી હોય તે પ્રમાણે જોઈએ તો રાજકોટ શહેરના મોટાભાગના રોડ-રસ્તા વોંકળા પુલ-બ્રીજ-નાલા ડેમેજ થયેલા હોય ત્યારે પ્રિમોન્સુન કામગીરી ફકત કાગળ ઉપર થયેલી સ્પષ્ટ થાય છે. , ફકત એક જ વરસાદમાં રાજકોટ શહેરમાં ગેરેંટી વાળા રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા હોઈ અને રોડ તૂટી ગયેલ છે ત્યારે ગેરેંટી વાળા રોડ રસ્તા રીપેરીંગ-મરામત કરવા અને શહેરના નાલા, અન્ડરબ્રીજ, પુલિયામાં ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને સત્વરે કાર્યવાહી કરવા વિનંતી કરીએ છે.

ઉપરાંત રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં નવા કેટલા ગેરેંટી વાળા રોડ-રસ્તા બનેલા છે ? ત્રણ વર્ષ દરમ્યાન ગેરેંટી વાળા કેટલા રોડ રસ્તાઓ ડેમેજ થયા છે ? કુલ કેટલા રૂપિયાનું નુકશાન રાજકોટ મહાનગરપાલિકાને પરભારે વેઠવું પડ્યું છે ? ત્રણ વર્ષ દરમ્યાન સમગ્ર રાજકોટ શહેરમાં કેટલા રોડ-રસ્તાને રી-કાર્પેટ કરવામાં આવેલ છે ? તેની વિગતો આપવી. આ સાથે પેચવર્ક, મેટલીંગ અને પેવીંગ બ્લોકમાં નુકશાન થયું ? તેની વિગતો પણ આપવી અને કયા બ્રિજમાં કેટલું નુકશાન થયું છે? તેની વિગતો આપવી. તેમજ રાજકોટ શહેરમાં હજુય અમુક વિસ્તારોમાં પીવાના પાણી ન મળવાની ફરિયાદો મળી છે ત્યારે શહેરના પીવાના પાણીની વાલ ચેમ્બરમાં વરસાદી પાણી નો ભરાવો થતો હોવાથી ત્યાં કચરો, માટી, રબીસ સહિતની વસ્તુઓ તણાઈ આવતી હોય અને વાલ ચેમ્બર ખુલતી ન હોવાથી લોકોને પીવાનું પાણી મળતું નથી આ પ્રશ્ન ફકત રાજકોટ શહેરમાં જ થતો હોય તો અન્ય મહાનગરપાલિકાની જેમ પીવાના પાણી વિતરણની સુદ્રઢ કામગીરી કરવામાં આવે અને વરસાદી માહોલમાં લોકોને પીવાના પાણીની વ્યવસ્થા ન ખોરવાઈ તે બાબતે પગલા લેવડાવવા.

રાજકોટ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો હજુ યથાવત છે તેમજ મોટાભાગના વિસ્તારોમાં અત્યારે રબીસ પડી છે અને આ રબીસ, કાદવ કીચડ, રેતી, કચરો સહિતની વસ્તુઓ વરસાદમાં તણાઈને આવી હોય ત્યારે રોગચાળો ફેલાવાની દહેશત છે, મચ્છરનો ઉપદ્રવ થવાની અનેક ફરિયાદો છે ત્યારે શહેરમાં આરોગ્ય લક્ષી કામગીરીને ઘનિષ્ઠતમ કરવામાં આવે અને બીજો રોગચાળો ન ફેલાય તેવી તકેદારી રાખી સમગ્ર રાજકોટ શહેરમાં સાફસફાઈ, સ્વચ્છતા, ફોગીંગ કામગીરી, દવા વિતરણ કામગીરી સહિતની પ્રાથમિક કાર્યવાહી સફાળે કરવામાં આવે તેવી રાજકોટ શહેરના નગરજનો વતી માંગણી છે.

(3:31 pm IST)