Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં નિઃશુલ્ક કોરોના ટેસ્ટઃ ૩૮૫ લોકોએ ટેસ્ટ કરાવ્યોઃ ૪૭ પોઝીટીવ કેસ

વધુમાં વધુ લોકો નિર્ભય બની ટેસ્ટ કરાવે તે જ તેમના પરિવાર અને સમાજના હિતમાં: અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) : પોઝીટીવ દર્દીઓને ફ્રી હોમ આઈસોલેશન માટે દવા- માર્ગદર્શનઃ બ્લડ પ્રેશર, ડાયાબીટીસના ૧૨૫ દર્દીઓને નિઃશુલ્ક દવાઃ ઈમ્યુનીટી વધારે તેવી દવાઓનું પણ વિતરણ

રાજકોટઃ  શહેરમાં કોરોના મહામારીની વકરતી સ્થિતિને નાથવા મહાનગરપાલિકાએ બહોળા પ્રમાણમાં ટેસ્ટીંગ માટે હાથ ધરેલી ઝુંબેશના અનુસંધાને શ્રી પટેલ સેવા સમાજ સંચાલિત સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે સર્વ જ્ઞાતિ- સમાજ માટે  'રેપીડ એન્ટીજન ટેસ્ટ'નો યોજાયો હતો.

શ્રી પટેલ સેવા સમાજ ઉપરાંત શ્રી પટેલ પ્રગતિ મંડળ તથા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ (ઉમિયાધામ) ના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે કહ્યું હતું કે, ટેસ્ટ કરાવનારા સૌની જાગૃતિ અભિનંદનીય અને અનુકરણીય છે. આજે હાથ ધરાયેલા ટેસ્ટ અને હેલ્થ કેમ્પમાં આશરે ૩૮૫ થી વધુ લોકોએ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી નિર્ભિક બની કોરોના માટેનો ' રેપીડ એન્ટીજન ટેસ્ટ' કરાવ્યો હતો. જેમાંથી ૪૭ જેટલા પોઝીટીવ કેસ મળ્યા હતા. જેમનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમને સ્થળ પર જ નિષ્ણાંત તબીબો દ્રારા 'ફ્રી હોમ આઈસોલેશન' માટે માર્ગદર્શન અપાયું હતું. તેમજ આ દરમિયાન લેવાની જરૂરી દવા પણ નિઃશૂલ્ક આપવામાં આવી હતી.

સ્પીડવેલની વિશાળ જગ્યામાં સૌએ સોશ્યલ ડીસ્ટન્સીંગનું સ્વયંભૂ પાલન કર્યું તે હકીકત પણ લોકોમાં જાગૃતિ સૂચક છે એમ શ્રી અરવિંદભાઈ પટેલે ઉમેર્યું હતું કે, આમ જનતા કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ટેસ્ટ કરાવશે તો જાતે બચી શકશે, પરિવારને સુરક્ષિત રાખી શકશે, તેમજ મહામારીને નાથવા માટે વાઇરસની કડી તોડવામાં પણ અમુલ્ય યોગદાન આપી શકશે.

'' ટેસ્ટ કરાવીશું અને પોઝીટીવ આવશે તો પાછા ઘેર જવા નહિ દે.'' જેવો વિનાકારણના ભયથી લોકોએ ટેસ્ટ કરાવતા નથી. પણ શ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, આવો કોઈ ભય રાખવાની જરૂર નથી. ટેસ્ટ માત્ર ૨૦ સેકન્ડમાં થઇ જાય છે અને સ્થળ પર જ ૧૫ મિનિટમાં રિઝલ્ટ મળી જાય છે. જેમને પોઝીટીવ કોરોના આવ્યો હોય તેમને માટે સ્થળ પર જ દવા તથા માર્ગદર્શન આપી ઘેર જવા આઈસોલેશનમાં રહેવાની તબીબો સલાહ આપે છે. માટે આવો કોઈ ડર રાખ્યા વગર સૌ ટેસ્ટ માટે આગળ આવે તેવો અનુરોધ કર્યો હતો. ટેસ્ટ કરાવનારા તમામને ઇમ્યુનિટી વર્ધક હોમોયોપેથી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ ઉપરાંત બી.પી., ડાયાબીટીસ જેવા દર્દીઓનો ટેસ્ટ નેગેટીવ આવે તો પણ તેમણે વિશેષ કઈ કાળજી રાખવાની છે તેનું સ્થળ પર જ માર્ગદર્શન આપી જરૂરી દવાઓ પણ નિઃ શૂલ્ક આપવામાં આવી હતી.આ કેમ્પમાં સુચારૂ સંચાલન માટે શ્રી પટેલ સેવા સમાજ સંગઠન સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ ચાંગેલાની આગેવાનીમાં સમર્પિત કાર્યકરો સર્વ ટ્રસ્ટી શ્રી વિનસભાઈ ટીલવા, શ્રી કિશોરભાઈ ઘોડાસરા, શ્રી કાન્તીભાઈ મકાતી, શ્રી રમેશભાઈ ઘોડાસરા, શ્રી રમેશભાઈ વરાસડા, શ્રી જગદીશભાઈ પરસાણીયા, શ્રી મગનભાઈ વાછાણી, શ્રી ચેતનભાઈ રાછડિયા, શ્રી ડેનીશભાઈ કાલરિયા, શ્રી વિનુભાઈ ઇસોટીયા, શ્રી વિનુભાઈ લાલકીયા, શ્રી કપિલભાઈ પરસાણીયા, શ્રી ચિરાગભાઈ વાછાણી, શ્રી રસિકભાઈ ચીકાણી, શ્રી કાન્તીભાઈ વાછાણી, શ્રી નરેન્દ્રભાઈ ડઢાણીયા,શ્રી રીતેશભાઈ ઘરસંડિયા એ ભરપૂર જહેમત ઉઠાવી હતી.

(3:37 pm IST)