Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રાજયમાં મોંઘવારી-ભ્રષ્ટાચાર પ્રશ્ને કોંગ્રેસ મહિલાઓ કરશે આંદોલન

અમદાવાદમાં બુધવારે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની અધ્યક્ષતામાં મીટીંગઃ વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઃ રાષ્ટ્રીય મહીલા પ્રમુખ સુષ્મીતા દેવનું માર્ગદર્શન મળશે

રાજકોટ, તા., ૧૬: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની કારોબારી આગામી તા.૧૮ સપ્ટેમ્બરના બુધવારનાં રોજ પ્રદેશ મહીલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે મળનાર છે. આ મીટીંગ વિષય સહીતના મુદ્દે આગામી કાર્યક્રમો ઘડવામાં આવશે. આ મીટીંગમાં અખીલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખ સુસ્મીતા દેવ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

આ અંગેની પ્રાપ્ત માહિત મુજબ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તેમજ ગુજરાત મહિલા કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રભારી શોભનાબેન શાહ, સહપ્રભારી સુક્ષીબેન અને ભાવનાબેનના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતના મહિલા કોંગ્રેસના હોદ્દેદારો જેમાં ગુજરાતના ચાર ઝોનના ચાર ઉપપ્રમુખો મધ્યઝોન કામીનીબેન સોની અને તૃપ્તી ઝવેરી, ઉતર ઝોન ગીતાબેન પટેલ, દક્ષિણ ઝોન મેઘના પટેલ, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી કલ્પનાબેન જોષી તેમજ પ્રદેશ મહિલા કોંગ્રેસના વરિષ્ટ મહામંત્રી, મહામંત્રી મંત્રી, શહેર જીલ્લાના પ્રમુખ તાલુકા કક્ષાના પ્રમુખો અને શહેરના વોર્ડના પ્રમુખો સહિના આગેવાનોની વિસ્તૃત કારોબારીની મિટીંગ તા૧૮ બુધવાર બપોરેર કલાકે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પાલડી ખાતે યોજાશે.

આ અંગે ગાયત્રીબાએ જણાવ્યુ હતું કે તાજેતરમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત નગરપાલિકા, મહાનગરપાલીકા જેવી સ્થાનીક સ્વરાજની સંસ્થાઓમાં પેટા ચુંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારો વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. સાથે સાથે ગુજરાતમાં સરકારની નિષ્ફળતાઓ સામે આગેવાનોમાં માર્ગદર્શન નીચે આંદોલનના કાર્યક્રમો ઘડવામાં આવશે.

જેમાં વધુમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, જેમા પ્રર્વતમાન મોટર વિહિકલ એકટની જોગવાઇઓ લાગુ કરી પ્રજાને લૂંટવાનો કારસો રચવામાં આવ્યો છે. તેની સામે કાર્યક્રમો કરવા રાજયના આઠ મહાનગરો તેમજ નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે સહિતના રોડ રસ્તાની જે હાલત છે તેની સામે આંદોલનાત્મક કાર્યક્રમો આપવા અને સરકારના પ્રષ્ટાચાર અને નિષ્ફળતાને ઉજાગર કરવી દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારી સામે આંદોલનો કરવા તેમજ રાજયની શિક્ષિત મહિલાઓ કે જેમને પોષ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રેજયુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી છે તેવી મહિલાઓ માટે સરકાર પાસે પ્રતિમાસ નોકરી ન મળે ત્યા સુધી સ્ટાઇપેન્ડ રૂપે રૂપિયા ચુકવવાની માંગણી કરી તેમજ સમગ્ર રાજયમાં દરેક મહિલાને કોઇપણ કેટેગરીની હોય તે દરેકને  '''માં અમૃતમ કાર્ડ' આપવું એ રીતે રાજયની મહિલાઓને આરોગ્યની દ્રષ્ટિએ સશકત બનાવવાની માંગણી કરવી આ સહિતના અનેક મુદાઓની વિસ્તૃત ચર્ચાઓ કરી મહિલા કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજયમાં કાર્યક્રમો યોજવામાં આવશે.

આ મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડા, વિધાન સભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, પૂર્વ પ્રમુખો ભરતસિંહ સોલંકી, અર્જુનભાઇ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઇ પટેલ ઓલઇન્ડીયા, કોંગ્રેસના પ્રવકતા શકિતસિંહજી ગોહિલ, પૂર્વ સાંસદ અને મંત્રી ડો. તુષાર ચૌધરી, ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી જીતેન્દ્ર બધેલ, અને મોહન્તી ચૂંટાયેલા મહિલા ધારાસભ્યો ઉપસ્થિત રહી આગામી પ્રજાલક્ષી કાર્યક્રમો અને સરકાર સામે આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવાનું માર્ગદર્શન પૂરૂ પાડશે. તેમ અંતમાં ગાયત્રીબાએ જણાવ્યું છે.

(4:20 pm IST)