Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

જિલ્લા પંચાયતની કારોબારીમાં ૧૭ દરખાસ્તો પેન્ડીંગઃ કોન્ટ્રાકટની મુદ્દત વધારવામાં લોલંલોલને સભ્યોની બ્રેક

મુદ્દત વધારો મેળવવા ટ્રક હડતાલ જેવા કારણો આપ્યા ! અધિકારીઓને ભીડવતા શીંગાળા-પાદરિયા

રાજકોટ, તા. ૧૬ :. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે અધ્યક્ષ રેખાબેન પટોરિયાની અધ્યક્ષતામાં મળેલ. જેમાં એજન્ડા પરની કુલ ૩૪ દરખાસ્તો પૈકી ૧૭ દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવી હતી. ૨૦૧૫ના રસ્તા સહિતના કામોની મુદત વધારવા માટે દરખાસ્ત ૨૦૧૯માં આવતા સભ્યો ચોંકી ઉઠયા હતા. ખાસ કરીને ચંદુભાઈ શીંગાળા અને કે.પી. પાદરિયાની દલીલ બાદ સમિતિએ સર્વાનુમતે ૧૭ દરખાસ્તો પડતર રખાવી હતી. સમિતિના સભ્ય સચિવ ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયાએ દરખાસ્તો પેન્ડીંગ રાખવાથી વિકાસના કામો ઠપ્પ થઈ જશે તેવી દલીલ કરી નિર્ણયમાં પોતાની અસહમતી દર્શાવી હતી. બન્ને સભ્યોએ આટલા બધા વિલંબના કારણ અંગે ધારદાર સવાલ ઉઠાવી અધિકારીઓને ભીડવ્યા હતા.

ચંદુભાઈ શીંગાળાના જણાવ્યા મુજબ સણોસરા - પોરાણા રોડનુ કામ અપાયેલ તેની મુદત ૨૩-૧૦-૨૦૧૫થી ૨૨-૪-૨૦૧૬ સુધીનુ હતુ. તેમાં વધારો કરવા માટે દરખાસ્તો આવેલ. બીજી એક દરખાસ્તમાં હડમતીયા - રાજગઢ રોડના કામનો મુદ્દો હતો તેમા પણ કામ શરૂ થયાને લાંબો સમય થઈ ગયો છે. બન્નેમાં કામમાં વિલંબ માટે ટ્રક હડતાલને જવાબદાર ગણવામાં આવી છે. હડતાલનો સમયગાળો જુદો જુદો દર્શાવાયો છે. ટ્રક હડતાલ જે તે વખતે ગણતરીના દિવસો માટે જ હતી. તેના માટે કામમાં ગણતરીના મહિનાઓ કે વર્ષોનો વિલંબ થાય તેવુ માનવાનુ કોઈ કારણ નથી. મુદત વધારાની અન્ય કેટલીક દરખાસ્તો પણ આ પ્રકારની મળતી આવતી હતી. કામમાં મોડુ થવા પાછળ ખરેખરે શું કારણ છે ? તે સમિતિએ જાણવુ જરૂરી છે તેથી તપાસનો સમય રહે તે માટે દરખાસ્ત પડતર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુદત વધારા માટે કયારેક વ્યાજબી કારણ હોઈ શકે અને કયારેક ચોક્કસ પ્રકારનો 'વહીવટ' પણ હોઈ શકે ! આજે મુકાયેલી દરખાસ્તોના કિસ્સામાં ખરેખર શું છે ? તે સમિતિ જાણવા માગે છે.

અધ્યક્ષ સ્થાનેથી આરોગ્ય અધિકારીએ વાહનો કોન્ટ્રાકટથી લેવા માટે એક વર્ષની મુદત વધારવાની દરખાસ્ત કરેલ. તેને ૩ મહિનાની જ મંજુરી અપાયેલ હતી. એજન્ડા પરની અન્ય ૧૭ દરખાસ્તોને મંજુર કરવામાં આવી હતી.

બન્ને સભ્યોએ કારોબારીમાં આવેલા મુદ્દાઓ સાથે અન્ય મુદ્દાઓને જોડી સવાલ પુછતા ડે.ડી.ડી.ઓ. ધીરેન મકવાણાએ સવાલનો જવાબ આપવા માટે અધિકારીઓને પુરતો સમય જરૂરી હોવાનો સૂર વ્યકત કર્યો હતો.

ડી.ડી.ઓ.એ ભૂતકાળમાં સામાન્ય સભામાં નક્કી થયા મુજબ જે  શાખાએ જે કામનુ ટેન્ડર બહાર પાડવાનુ થતુ હોય તેણે જ બહાર પાડવુ તેમ સૂચના આપી હતી.

કારોબારીના અધ્યક્ષ દરખાસ્તના વાંચન સિવાય ચર્ચાના સમયમા મોટા ભાગે મૌન જ રહ્યા હતા.

(4:18 pm IST)