Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયમાં પ્રજાની આકાંક્ષાઓનો પડઘો : અભયભાઇ ભારદ્વાજ

કાયદા વિદ્યાશાખાના સંશોધકો, અધ્યાપકો માટે સૌ.યુનિ. કાયદા ભવન દ્વારા યોજાય ગયેલ માર્ગદર્શક સેમીનાર

રાજકોટ : ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૦ હટાવવાના ઐતિહાસિક નિર્ણય અને રાષ્ટ્રપતિના અધ્યાદેશ સંદર્ભે સંપૂર્ણ કાનૂની તર્ક અને બંધારણીય આયામોને કેન્દ્રમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિ. કાયદા ભવન ખાતે વરિષ્ઠ પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોશીપુરાના માર્ગદર્શન હેઠળ એક સેમીનાર યોજવામાં આવ્યો હતો. રાજયની લો-કોલેજોને આવરી લઇ દરેક સંશોધકોને પ્રશિક્ષિત કરી વ્યાપક સ્વરૂપે કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવેલ તેના ભાગરૂપે યોજવામાં આવેલ આ સેમીનારમાં સૌ.યુનિ., માનવ અધિકાર ભવન, અખિલ હિંદ મહિલા પરિષદ, એ.એમ.પી. લો કોલેજ, એચ.એન.શુકલ, હરીવંદના, ગીતાંજલી કોલેજના સહયોગથી સનદી અધિકારીઓ, વરીષ્ઠ ધારાશાસ્ત્રીઓ, પ્રાધ્યાપકો, સંશોધકો, અનુસ્નાતક વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમીનારને સંબોધતા લો કમિશન ઇન્ડિયાના શ્રી અભય ભારદ્વાજે જણાવેલ કે કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયમાં પ્રજાની આકાંક્ષા અને ઇચ્છાઓનો પડઘો પડયો છે. સંસદ એ પ્રજામતનું પ્રતિબિંબ છે. રાજયસભા ઉચ્ચ બૌધ્ધિક શાણપણનું પ્રતિક છે. પ્રથમ સમગ્ર બાબત રાજયસભામાં કેમ અને શા માટે મુકવામાં આવી? કેમ લોકસભામાં નહીં? તેની ચર્ચા આજ દિવસ સુધી કોઇએ કરી નથી. પ્રો. કમલેશ જોશીપુરાએ જણાવેલ કે કેન્દ્ર સરકારે બંધારણીય અને કાનૂની દ્રષ્ટિથી અનુચ્છેદ-૩૭૦ હટાવવાની આટીઘુટી દુર કરી તે કાબીલે દાદ છે. ખુબ શાંત રીતે બંધારણીય અવરોધો સંપૂર્ણ ન્યાયી પ્રક્રીયાથી દુર કર્યા. આ સેમીનારમાં  એ.એમ.પી. લો કોલેજના પ્રિન્સીપાલ ડો. મીનલબેન ઉપાધ્યાય, વિદ્યાશાના ડીન મયુરસિંહજી જાડેજા, વરીષ્ઠ ધારાશાસ્ત્રી શ્રીમતી ભાવનાબેન જોશીપુરા, માનવ અધિકાર ભવનના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ દવે સહીતનાએ ઉદ્દબોધન કરેલ. અહીં અનુચ્છેદ ૩૭૦ હટાવવાની પ્રક્રીયા કેવી રીતે પાર પાડવામાં આવી ? કેવી રીતની કાનુની અસરો થશે ? સર્વોચ્ચ અદાલત ન્યાયીક પૂનઃરાવલોકન કરશે કે કેમ? જેવી રસપ્રદ બાબતો પર રસપ્રદ વકતવ્યો રજુ થાય હતા. કાર્યક્રમનું સંચાલન પ્રા. આનંદ ચૌહાણે કરેલ. પૂર્વ કલેકટર પંકજ રાવલ, પ્રિ. સહદેવસિંહ ઝાલા, શૈલેષ જાની, ભારતીય વિચાર મંચના રાજાભાઇ કાથડ ઉપરાંત અમદાવાદ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, ગોંડલ, અમરેલી, જુનાગઢ સહીત ૧૫ જેટલા કેન્દ્રો પરથી પ્રતિનિધિઓ આ સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:56 pm IST)