Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ચેક રિટર્ન કેસમાં ખુશી ઇન્ટરનેશનલ વાળા પતિ-પત્નિનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૧૬: ચેક રિટર્નના કેસમાં ખુશી ઇન્ટરનેશનલ વાળા પરાગભાઇ શીંગાળા અને તેઓના પત્નિ શીતલબેનને નિર્દોષ છોડી મુકવાનો હુકમ રાજકોટ કોર્ટ દ્વારા કરવામાં આવેલ હતો.

આ બનાવની હકીકત એવી છે કે ખુશી ઇન્ટરનેશનલ નામે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા પરાગભાઇ જયસુખલાલ શીંગાળા અને તેઓના પત્નિ શીતલબેન પર ફરિયાદી પરેશભાઇ હરિલાલ બાબીયા એ અંગત જરૂરિયાત સબબ હાથ ઉછીની રકમ આપેલ હોવા મુજબનો વ્યવહાર દર્શાવી તેના રિપેમેન્ટ પેટે રૂ. ૪,૯૦,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ નેવું હજાર પુરાનો ચેક આરોપીએ આપેલ તે ચેક રિટર્ન થતા આરોપીઓ પર નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળની ફરિયાદ વર્ષ-ર૦૧૭ માં દાખલ કરેલ.

આ કામે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓનું ખંડન કરવા સબબ કુનેહ પૂર્વકની ઉલટ-તપાસ લેવામાં આવેલ. વધુમાં આરોપીઓ તરફે ફરિયાદીના પૂર્વેના વ્યવહારો અને કેસો અને તેમાં દર્શાવેલ રકમો ધ્યાને અપાવતા દસ્તાવેજો રજૂ રાખવામાં આવેલ. જે સઘળી હકીકતો અને આરોપી તરફે કરવામાં આવેલ મુદ્દાસરની રજુઆત અને દલીલ ધ્યાને લઇ ટ્રાયલ કોર્ટએ ફરિયાદીની ફરિયાદ શંકા ઉપજાવતી હોય, મહત્વના સાક્ષી-પુરાવાઓ રજૂ રાખેલ ન હોય, આરોપીએ આપેલ નોટિસના જવાબમાં પણ વિસ્તારપૂર્વકની માહિતીઓ હોવા છતાં ફરિયાદી મૌન રહેલ હોય અને સઘળી હકીકતથી અજાણ હોય તેવું વર્તન કરેલ હોય, આરોપીઓને આપેલ હોય તેવી રકમ બેન્કમાંથી મેળવેલ હોય કે હાથ પર હોય તેવો કોઇ પુરાવો રજૂ ન હોય જેથી ફરિયાદપક્ષનો કેસ શંકાસ્પદ બનતો હોય અને આરોપીઓ ''પ્રીપોન્ડરન્સ ઓફ પ્રોબેબિલિટી''ના સિદ્ધાંત મુજબ પ્રબળ શંકા ઉત્પન્ન કરવામાં સફળ થયેલ હોય જે હકીકત ધ્યાને લઇ એડી. ચીફ જયુડી. એ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા અંગેનો હુકમ કરેલ છે.

(3:54 pm IST)