Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

પ્રચંડ નિર્ણય શકિતથી નરેન્દ્રભાઈએ સરદાર પટેલના અધૂરા સ્વપ્નો સાકાર કર્યા : રાજુ ધ્રુવ

રાજકોટ : ગુજરાતનાં શૌર્યવાન સપૂત અને ભારતનાં યશસ્વી જનનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમના જન્મદિવસે જન્મભૂમિ ગુજરાતમાં પધારી રહ્યા છે. ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવે ગુજરાતવાસીઓ વતી મોદીજીને જન્મદિવસ નિમિત્ત્।ે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આ વર્ષે શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ૭૦મો જન્મદિવસ છે અને યોગાનુયોગ ૭૦ વર્ષમાં સૌ પ્રથમવાર એવો પ્રસંગ આવ્યો છે જયારે ગુજરાતની જીવાદોરી અને સમૃદ્ઘિની ગંગોત્રી સમાન બહુહેતુક સરદાર સરોવર યોજના માટેના નર્મદા ડેમે ૧૩૮ મીટરની ઐતિહાસિક જળસપાટી વટાવી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ઉપવાસો-પ્રયાસોથી દાયકાઓ બાદ સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું આજે સાકાર થયું છે. નર્મદા મૈયાને સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બનાવવાનું ભગીરથ કાર્ય ચરિતાર્થ કરીને નરેન્દ્રભાઈ મોદી એક સમર્થ રાજપુરુષ સાબિત થયા છે.

વડાપ્રધાન મોદીજીએ વર્ષ ૨૦૧૪માં કેન્દ્રની ભાજપ સરકારનાં વડા તરીકે શાસન ધુરા સંભાળતાની સાથે માત્ર ૧૭ જ દિવસમાં નર્મદા બંધ પર દરવાજા મૂકવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં નર્મદા ડેમ ખાતે ૩૦ દરવાજા લાગાવવામાં આવ્યા હતા. જેને બંધ કરવાની મંજૂરી વર્ષ ૨૦૧૭માં મળી હતી. આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા બંધ છલોછલ ભરાયો છે ત્યારે ગુજરાતભરમાં સરદાર સરોવર ડેમની ઐતિહાસિક જળ સપાટીનો ઉત્સવ અને નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ 'નમામી દેવી નર્મદે'ના નાદ સાથે ઉજવીને ગુજરાતવાસીઓ નર્મદાનાં નીરનાં વધામણાં કરવાના છે. ગુજરાતમાં વસતા, રહેતા, આવતા પ્રત્યેક માનવીઓ, જીવો માટે આજની ઘડી રળિયામણી બની રહેવાની છે.

શ્રી ધ્રુવે કહ્યું છે કે, કેન્દ્રની કોંગ્રેસનાં વડપણ હેઠળની તત્કાલીન યુપીએ સરકાર સમક્ષ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સરદાર સરોવર ડેમની કામગીરી આગળ ધપાવવાના સમર્થનમાં ઉપવાસ કર્યા હતા. ગુજરાતની કોઈ વાત નહીં સાંભળીને અન્યાય કરવામાં આવતો હોવાથી ૧૬મી એપ્રિલ ૨૦૦૬ના દિવસથી તેમણે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 'નર્મદા કા બંધ નહિ રુકેગા, ગુજરાત નહિ ઝુકેગા'ના બેનર સાથે ૫૧ કલાકના ઉપવાસ કર્યા હતા અને યુપીએ સરકાર સરદાર સરોવર યોજના માટેનું પોતાનું વલણ નક્કી કરે તેવી માગણી કરી હતી. મોદીજીના ઉપવાસ સ્થળે મેં પણ હાજરી આપી હતી જે પ્રસંગ આજે પણ યાદ છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના વિલંબમાં નાખવાનું કોંગ્રેસ અને ગાંધી-નહેરુ પરિવારનું કાવતરુ હતું.ઙ્ગ જો નરેન્દ્રભાઈ મોદી ન હોત કે તેમણે નર્મદા બંધ માટે સંનિષ્ઠ પ્રયાસ અને ઉપવાસ કર્યા ન હોત તો આજે ગુજરાત તરસ્યું હોત. પ્રજા, પશુ, પક્ષી વગેરે પાણી માટે ટળવળતા હોત. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું વીરપુરુષ નરેન્દ્રભાઈ મોદીએ સાકાર કરી મા નર્મદાનાં નિરની ભેટ ગુજરાતને આપી હોઈ આપણે સૌ તેમના ઋણી છીએ.

નરેન્દ્રભાઈ મોદી જેવું પ્રામાણિક અને પારદર્શી વ્યકિતત્વ વડાપ્રધાનરૂપે મળવું એ દેશના સૌભાગ્યની બાબત છે. પુરુષાર્થવાદી રાજપુરુષ નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ ગુજરાત સહિત ભારતને વરસો વરસ મળતું રહે એવી ભાવના અને તેમના સ્વાસ્થ્યની મંગલકામના સાથે રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસ નિમિત્ત્।ે શુભેચ્છા પાઠવી ગુજરાત આગમન અવસરે તેનને હૃદયપૂર્વક આવકાર્યા છે.

(1:22 pm IST)