Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

આરટીઓ કચેરીએ ટુવ્હીલરથી લઈને હેવી વાહનોની લાઈનો

લાયસન્સ અને ફીટનેશ સર્ટી મેળવવા માટે વાહનચાલકો ઉમટી પડતા અંધાધૂંધી સર્જાઈઃ આરટીઓ કચેરીમાં પ્રવેશવા માટે પણ અડધી કલાક રાહ જોવી પડી

રાજકોટ આરટીઓ કચેરી ખાતે વાહન ચાલકોની ભારે લાઈનો લાગી હતી જે તસ્વીરમાં નજરે પડે છે

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટના આરટીઓ કચેરી ખાતે આજે સવારથી વાહન ચાલકોની લાઈનો લાગતા અંધાધૂંધી સર્જાઈ છે. રાજ્ય સરકાર દ્વારા આજથી ટ્રાફીકના નવા નિયમો અમલમાં મુકાતા અને હેલ્મેટ તથા લાયસન્સ માટે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

આજે સવારથી આરટીઓ કચેરી ખાતે વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જુદી જુદી બારીઓમાં પણ લાંબી લાઈનો જોવા મળતી હતી. લાયસન્સ કઢાવવા તેમજ વાહનોના ફીટનેશ સર્ટી માટે ટુવ્હીલરથી લઈને હેવી વાહનો સાથે વાહન ચાલકો ભાવનગર રોડ ઉપર આવેલ આરટીઓ કચેરી ખાતે પહોંચી ગયા હતા. જેમાં ટુવ્હીલર સ્કૂટર, બાઈક, છકડો રીક્ષા, ટેન્કર સહિતના વાહનો એક સાથે આરટીઓ કચેરી આગળ એકઠા થઈ જતા અંધાધૂંધી સર્જાઈ હતી.

આરટીઓ દ્વારા લાયસન્સ તથા ફીટનેશ સર્ટીફીકેટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ વાહન ચાલકોની ભીડ વધી જતા મુશ્કેલી સર્જાઈ હતી.

રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ, ફીટનેશ સર્ટીફીકેટ, લાયસન્સ સહિતની કામગીરી માટે સમય આપવામાં આવે તેવી માંગ પણ વાહન ચાલકો દ્વારા ઉઠાવવામાં આવી છે. સવારે આરટીઓ કચેરી ખૂલતાવેત જ લાઈનો લાગી જતા વાહન ચાલકોને પોતાના વાહનો  આરટીઓ કચેરીમાં અંદર લઈ જવા માટે ખૂબ જ રાહ જોવી પડી હતી. હેવી વાહનોની લાઈનો લાગી જતા ટુવ્હીલર સહિતના નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો  સામનો  કરવો    પડયો  હતો.

પોલીસની ગાડી અને એમ્બ્યુલન્સ પણ નજરે પડી

રાજકોટઃ. આજથી રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકો માટે નવા નિયમો સાથે કાયદાનો ચૂસ્તપણે અમલ શરૂ કરવામાં આવતા વાહન ચાલકો દ્વારા લાયસન્સ સહિતની પ્રક્રિયા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આરટીઓ કચેરી ખાતે મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉમટયા હતા.  ત્યારે એક એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડી પણ આરટીઓ કચેરી ખાતે લાઈનમાં ઉભેલી જોવા મળી હતી, ત્યારે શું સરકારી વાહનો પણ ફીટનેશ સર્ટીફીકેટનો અભાવ હશે ? તે ચર્ચા શરૂ થઈ હતી.

(3:11 pm IST)