Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

શહેરમાં તમામ પીયુસી સેન્ટરો બંધ રહ્યા

રાજકોટની આરટીઓ કચેરી દ્વારા રવિવારે પણ પીયુસી સેન્ટરો ખુલ્લા રહેવાની જાહેરાત પોકળ સાબિત : પીયુસી સેન્ટરોના ધારકો કહે છે કે અમારે ત્યાં લાઇનો થવાથી આસપાસના વેપારીઓને મુશ્કેલી-ટ્રાફીક સમસ્યા સર્જાઇ છે અને પોલીસની કનડગતનો પણ ભોગ બનવું પડે છેઃ નવા મોટર વ્હીકલ એકટની અમલવારીમાં આકરાદંડની જોગવાઇને લઇ ગુજરાત સરકાર પર ઘેરાયા આફતના વાદળોઃ વિમા ફીટનેસ સર્ટીફીકેટ, ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લોકોની સવારથી સાંજ સુધી લાઇનો લાગી

રાજકોટઃ કેન્દ્ર સરકારે  નવા મોટર વ્હીકલ એકટ મુજબ કરેલી દંડની વધારે પડતી  જોગવાઇઓને લીધેે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. હેલ્મેટ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પીયુસી સર્ટીફીકેટ, વિમા પોલીસી, માટે તમામ કચેરીઓમાં વાહન ચાલકોનો ઘસારો જોવા મળી રહ્યોે. સાથોસાથ લોકોમાં આકરા દંડની જોગવાઇ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.

લોકો હેલ્મેટ લેવા માટે જઇ રહ્યા છે તો વેપારી પાસે આઇએસઆઇ માર્કાના હેલ્મેટનો સ્ટોક જ નથી લાઇસન્સ માટે આરટીઓ કચેરીમાં ટેસ્ટ માટે લાંબી તારીખો મળી રહી છે.  પીયુસી સર્ટીફીકેટ કઢાવવા માટે પણ લોકોને કલાકો સુધી લાઇનમા ઉભા રહેવુ પડે છે. લોકોને સરળતાથી પીયુસસી સર્ટીફીકેટ મળે તે માટે આજે રાજકોટના પીયુસી સેન્ટરોને ખુલ્લા રાખવાની જાહેરાત કરેલ પણ ગઈકાલે રવિવારે તમામ પીયુસી સેન્ટરો બંધ જોવા મળ્યા હતા.

આ બાબતે તપાસ કરતા અમીન માર્ગ પરના પીયુસી સેન્ટર ધારક મનસુખભાઇએ જણાવેલ કે અમારે ત્યાં પીયુસી કઢાવવા લાંબી લાઇનો લાગતા ટ્રાફીક સમસ્યા ઉભી થવા પામેલ અને પોલીસવાન આવેલ અને અમને નવી વ્યવસ્થા કરવા સૂચના આપેલ હતી. પરંતુ પોલીસેેે સૂચવેલી ટોકન પદ્ધતીની વ્યવસ્થા અમો રૂ. ૩૦ ના ચાર્જમા કરી શકીએ નહી અમોને પોસાઇ પણ નહી. વધુમાં લાંબી લાઇનોને કારણે અન્ય દુકાનદારોના ગ્રાહકોને આવવા જવામાં અડચણો થતા આસપાસના દુકાનદારો સાથે પણ બોલાચાલી થયાના બનાવો બનવા પામેલ છે.

વિશેષમાં પીયુસી સેન્ટર ધારક મનસુખભાઇએ જણાવેલ કે આ બધા પ્રશ્નને લઇને રાજકોટના પીયુસી સેન્ટરો બંધ રાખેલા છે અને આજે બધા આરટીઓ કચેરીએ રજુઆત કરવા જવાના હોવાનું જણાવ્યુ હતું.

(4:04 pm IST)