Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

દેશની સેન્ટ્રલ જેલોમાંજ એક-બે કોર્ટ કાર્યરત કરી પીડીતોને ઝડપી ન્યાય આપી શકાય

દુષ્કર્મ (પોકસો)મર્ડર -કેસના જેલમાં બંધ આરોપીના કેસોની ઝડપી ટ્રાયલ ચલાવવાઃ જો જેલમાં બંધ આરોપીઓના કેસોનો ઝડપી નિકાલ થશે અને આરોપી નિર્દોષ છુટશે તો દેશની જેલોમાંથી કેદીઓની સંખ્યા પણ ઘટશે

રાજકોટ તા. ૧૬ : સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં જ દુષ્કર્મના કેસો (ખાસ કરીને નાની બાળાઓ પર) માં ઉતરોતર વધારો થતા આવા બનાવોને રોકવા કેન્દ્ર સરકારે દુષ્કર્મનો ગુન્હેગારોને પાઠ ભણાવવા દુષ્કર્મના કાયદો કડક બનાવીને ફાંસીની સજા તેમજ આજીવન કેદ સુધીની સજાની કડક જોગવાઇઓ કરેલ છે.

દેશભરમાં દુષ્કર્મના વધતા જતા કેસો માટે તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઇએ પણ ચિંતા વ્યકત કરી આવા કેસો ઝડપી ચલાવી પિડીતા તેમજ તેમના પરિવારને ઝડપી ન્યાય અપાવવા જરૂર પડયે નવી કોર્ટો ખોલવાની પણ હિમાયત કરી છે.

આ સંજોગોને ધ્યાનમાં લઇ રાજકોટ જીલ્લા ન્યાય ખાતાના નિવૃત કર્મચારી કિશોર એન. કારીયા (સીનીયર કલાર્ક) એ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી રંજન ગોગોઇ, કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહ મંત્રીશ્રી અમીતભાઇ શાહને એક (સુચિત વિચારો) સાથેનો એકશન પ્લાન રજુ કરી જેલમાં બંધ આરોપીઓના કેસો ઝડપી ચલાવવા કોર્ટના સ્પેશ્યલ લાઇઝેશનના ભાગરૂપે દેશભરમાં જિલ્લા મથકની સેન્ટ્રલ જેલ સંકુલમાં જ કોર્ટ કાર્યરત કરવામાં આવે તો આરોપીઓના કેસો ઝડપથી પુર્ણ કરવામાં ૧૦૦ ટકા સફળતા મળશે તેવી અપેક્ષા વ્યકત કરી છે.  સાથો સાથ એકશન પ્લાનના અમલી કરણથી થનાર ફાયદાઓ પણ જણાવેલ છે.

એકશન પ્લાનના સુચિત વિચારોમાં ખાસ ભાર પુર્વક જણાવ્યું છે કે દેશની સેશન્સ કોર્ટોમાં અકસ્માત વળતરના કેસો જામીન અરજીઓ ઉપરાંત પાંચ પ્રકારના સેશન્સ કેસો જેમાં આઇપીસી ૩૦ર (મર્ડર કેસ) આઇપીસી ૩૭૬ (રેપ કેસ પોકસોની કલમ મુજબ) એન્ટ્રી કરપ્શનના કેસો, જી.ઇ.બી.ના પાવર ચોરીના કેસો તથા એટ્રોસીટી એકટ હેઠળના કેસો ટ્રેડમાર્ક અંગેના કેસો, સીવીલ ક્રિમીનલ અપીલ - રીવીઝન મળી કુલ ૧ર પ્રકારના કેસો ચાલતા હોવાથી કોર્ટમાં ફરજ પરના ન્યાયધીશો ઇચ્છતા હોવા છતાં સેશન્સ કેસોમાં જેલોમાં બંધ આરોપીના કેસોને ઝડપથી ચલાવવા પુરતો ન્યાય (સમય) આપી શકતા નથી આથી જ સેશન્સ કેસો ઝડપી ચાલી શકતા નથી. કારણ કે સેશન્સ કોર્ટોના ડેઇલી બોર્ડના ૬૦ થી ૭૦ કેસો હોય તેમાંથી પાંચ થી ૧૦ ચાલવા પાત્ર કેસો સિવાયના મીનીમમ પ૦ કેસોના આરોપીઓ - પક્ષકારો અને તેમના એડવોકેટશ્રીના પોકાર કરીને મુદત આપવા જેવા કેસોમાં એડવોકેટને સાથે કેસને લગતી માંત્ર બે થી ૩ મીનીટ ન્યાયમૂર્તિ ચર્ચા કરીને તારીખ આપે તેથી તેમનો પ૦ કેસમાં ૩ મીનીટ લેખે ૧પ૦ મીનીટ (બે થી અઢી કલાક) નો સમય બગડતો હોય છે આવી પરિસ્થિતી દેશભરની જિલ્લા તાલુકા મથકની કોર્ટોમાં હોય છે. કારણ કે કેસોનું ભારણ જ વધુ છે. વધુમાં નામદાર સુપ્રિમ કોર્ટના ડાયરેકશન મુજબ ૧૦ વર્ષ જુના કેસો ચલાવવા અગ્રતા આપવા તથા જામીન અરજીઓ પણ સાંભળવી પડતી હોય સેશન્સ કોર્ટમાં જેલના આરોપીના કેસો ઝડપી ચલાવી શકાતા નથી એ પણ એક મહત્વનું કારણ છે જે સત્ય હકિકત છે. તે દરેકે સ્વીકારવી જ રહી.

આવી પરિસ્થિતીના ઉકેલ માટે કોર્ટના સ્પેશ્યલાઇઝેશનના ભાગરૂપે જેલમાં બંધ દુષ્કર્મના, મર્ડર કેસના આરોપીઓના જ કેસો ચલાવવા જિલ્લા મથકની સેન્ટ્રલ જેલમાં એક અને ૧૦૦ થી વધુ કેસો પેન્ડીંગ હોય ત્યાં ર અને આતંકવાદી - નકલવાદી પ્રવૃતિથી પ્રભાવીત દેશના જિલ્લાની સેન્ટ્રલ જેલમાં ૩ કોર્ટ કાર્યરત કરવામાં આવે તો ત્યાં માત્ર જેલ કોર્ટના ન્યાયધીશોને સેશન્સ કેસના આરોપી સામે ત્હોમતનામુ ફરમાવી સીધો પુરાવો જ લેવાની કામગીરી કરવાની હોય સેશન્સ કેસનું બોર્ડ મર્યાદીત ૪ થી ૬ કેસોનું જ રાખવાથી અન્ય કેસોના લાંબા બોર્ડમાં ન ચાલવા પાત્ર કેસોમાં જે તારીખ આપવાનો સમય જતો હતો. તે બચી જતા જેલ કોર્ટના ન્યાયધીશ સવારે ૧૧ વાગ્યાથી જ સાંજે પ-૩૦ સુધી પુરાવો લેવાની નિરંતર કામગીરી કરી શકે એટલે જેલ કોર્ટના એક ન્યાયધીશ મહિને મીનીમમ ૧ર થી ૧પ કેસમાં જ્જમેન્ટ આપે તો પણ એક વર્ષમાં મીનીમમ ૧પ૦ થી ૧૬૦ કેસો આરામથી ફેસલ કરી શકાય એટલે જે જિલ્લામાાં ૧૦૦ કેસ પેન્ડીંગ હોય તે માત્ર ૯ થી ૧૦ માસમાં જ ફેસલ થઇ શકે એથી તે જિલ્લામાં પેન્ડીંગ કેસોની સંખ્યા નિલ થઇ જાય અને સમય જતા નવા દાખલ થતા કેસો પણ વધીને બે થી ૩ માસમાં પુરા થવા લાગે.

સેસન્સ કેસો માટે જમા પાસુ એ પણ છે કે પોલીસ દ્વારા સેસન્સ કોર્ટના સમન્સની બજવણીમાં વધુ સતર્કતા રાખવામાં આવે છે. સેસન્સ કેસોના સમન્સની બજવણીનો રેસીયો ૮૦ ટકા સુધીનો છે ભાગ્યે જ કોઇ સમન્સ વગર બજયે પરત આવતા હોય છે.

આ એકશન પ્લાનના અમલીકરણથી થનાર ફાયદાઓ પણ ઘણા થશે આવા ફાયદાઓ જોઇએ તો (૧) દેશભરમાં જિલ્લા મથકની જેલોમાં જ કોર્ટ કાર્યરત કરવાથી દરરોજ જેલમાંથી પોલીસ જાપ્તા સાથે આરોપીઓને કોર્ટમાં પોલીસ વાન દ્વારા લઇ જવામાંથી મુકિત મળતા જિલ્લા લેવલે દર મહિને હજારો રૂપીયા, રાજય લેવલે લાખો રૂપીયા અને દેશ લેવલે કરોડો રૂપીયાનો થતો ડીઝલનો ખર્ચ બચી જશે.

(ર) રાજય લેવલે સેંકડો અને દેશ લેવલે હજારો પોલીસ કર્મચારીઓ પોલીસ જાપ્તાની ફરજમાંથી મુકત થશે. (૩) જેલથી કોર્ટ લઇ જવાના સમય દરમિયાન આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી જવાના કિસ્સા સદંતર બંધ થઇ જશે. (૪) આરોપી ભાગી જવાના કિસ્સામાં પોલીસ પર સસ્પેન્શન અથવા ખાતાકીય પગલા લેવાના કિસ્સા પર બ્રેક લાગશે. પોલીસ ટેન્શન મુકત રહેશે. (પ) આરોપીને કોર્ટ લઇ જવા માટેનો પોલીસ જાપ્તામાંથી મુકિત મળતા રાજય લેવલે હજારો કર્મચારી ફ્રી થશે આવા પોલીસ કર્મચારીને પ્રજાના રક્ષણ માટે ડયુટી ફાળવી શકાશે. (૬) રાજય લેવલે સેંકડો અને દેશ લેવલે હજારો પોલીસ વાન ફ્રી રહેશે જેને ઇમરજન્સીમાં પ્રજાના ઉપયોગમાં લઇ શકાય. (૭) દેશમાં પ્રદેશ રાજયવાર જુદા જુદા ધાર્મિક પ્રસંગોમાં  તેમજ પ્રધાન મંત્રીઓના આગમન સમયે પોલીસ બંદોબસ્તમાં રોકાતા હોય જેલ સતાવાળાઓનેપોલીસ જવાનો ન ફાળવવામા આવે એટલે પોલીસ જાપ્તો ન મળવાથી આરોપીઓને જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવતા નથી આવું વર્ષમાં અનેકવાર બનતું હોય છે, જેથી આરોપીની કોર્ટમાં હાજરી વગર કેસ ચલાવી શકાતા ન હોય ફરજીયાત મુદત આપવી પડતી હોય, જેલમાં બંધ આરોપીના કેસ ચલાવવામાં વિલંબ થતો હોય છે. જે પ્રેશ્ન જેલમાં કોર્ટ કાર્યરત થવાથી ઉકેલાય જશે. આમ જેલમાં કોર્ટ કાર્યરત થવાથી ઘણા બધા ફાયદાઓ થશે.

આ ઉપરાંત જેલમાં બંધ આરોપીઓના કેસો ઝડપી ચલાવવા માટે દેશભરમાં કાર્યરત ન્યાયમુર્તિઓ નિવૃત થવાના હોય તે પૈકી ૩૦ ટકા જેટલા ન્યાયમુર્તિ ક્રિમીનલ કેસો ચલાવવામાં રૂચી ધરાવતા હોય તેઓને એકાદ વર્ષનું સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ મુજબના પગાર સાથે પુનઃ નિમણુંક કરવામાં આવે તો ન્યાયમુર્તિની સંખ્યાની ઘટ ઓછી રહે. દેશભરમાં ત્રણેક વર્ષ સુધી આ પ્રક્રિયા અમલમાં મુકાય તો પણ સેશન્સ કેસો ચલાવવામાં ઝડપ થશે. આ પ્રક્રિયાથી ન્યાયમુર્તિઓની ખાલી જગ્યાનો ગેપ ૩૦ ટકા ઘટાડી શકાશે.

હાલના સંજોગોમાં દેશમાં તાત્કાલીક નવી કોર્ટો પણ ખોલાવાની જરૂરીયાત નથી. હાલ જિલ્લા મથકની કોર્ટમાં ફરજ બજાવતા એડીશ્નલ સેસન્સ જજોનેજ જેલમાં કોર્ટ કાર્યરત કરી ત્યાં સ્ટાફ સાથે નિમણુંક આપવી જોઇએ.

ગુજરાત સહિત દેશના ઘણા રાજયો રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્રમાં ગંભીર ગુન્હાના આરોપી જેમકે કસાબ, આશારામબાપુ, રામ રહીમ, જેવા અનેક આરોપીઓના કેસો ભુતકાળમાં જેલોમાં જ ચલાવીને સજા સંભળાવી  છે, તો પછી હવે કેસોના ઝડપી નિકાલ માટે કોર્ટનું સ્પેશ્યલાઇઝેશન કરીને જેલમાં  બંધ આરોપીના કેસો ઝડપી ચલાવવા માટેનો આ એક શ્રેષ્ઠ વિચાર (આઇડીયા) જો તેની અમલવારી કરાય તો વધુમાં વધુ બેજ વર્ષમાં દેશભરની જેલોમાં બંધ આરોપીઓના કેસ ૧૦૦ ટકા પુરા કરવામાં ચોક્કસ સફળતા મળશે. અને જેલમાં આરોપીઓનીસંખ્યા પણ ઘટશે  (જો આરોપી નિર્દોષ છુટયો હોય તો જેથી જેલપરથીપણ કેદીઓનું ભારણ ઘટશે. તેમ અંતમાં નિવૃત કોર્ટ કર્મચારી કિશોર એન. કારીયાએ જણાવેલ છે.  (૬.૨)

- હાલ સેસન્સ કોર્ટો અકસ્માત વળતરના કેસો તેમજ જામીન અરજીના ભારણથી પભાવિત હોય ન્યાયધીશો સેસન્સ કેસો ચલાવવા પુરતો ન્યાય (સમય) આપી શકતા નથી

- દેશભરમાં જિલ્લા મથકે કાર્યરત એડી સેસન્સ કોર્ટોમાંથી જ એક અથવા ર ન્યાયધીશોની જેલ કોર્ટમાં ટ્રાન્સફર કરી કોર્ટનું સ્પેશ્યલાઇઝેશન કરાય તો જેલમાં બંધ આરોપીના કેસો  ચલાવવામાં ૧૦૦ ટકા ઝડપ આવશે

- જેલમાં કોર્ટ કાર્યરત કરવાની વ્યવસ્થા ઓછા ખર્ચમાં ઝડપથી કરી શકાશેઃ ઘણા રાજયોની જેલોમાં કોર્ટનું માળખું તૈયાર જ છે

- તો જેલોમાંથી આરોપીઓને મુદતે કોર્ટમાં લઇ જવાનો અને પરત લાવવાનો વાહનોના ડીઝલનો જિલ્લા લેવલે મહિને હજારો રૂપિયા રાજ્ય લેવલે મહિને લાખો રૂપિયા અને દેશ લેવલે  વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ બચશે

- જેલમાંથી આરોપીને કોર્ટમાં લઇ જવા માટે પોલીસ જવાનોને પોલીસ જાપ્તામાંથી મુકતી મળશેઃ દેશલેવલે હજારો પોલીસ ફ્રી થશે જેને પ્રજાના રક્ષણ માટે ફાળવી શકાશે

- પોલીસ જાપ્તામાંથી આરોપીના ભાગી જવાના બનાવો અટકશેઃ એટલે પોલીસને સસ્પેન્ડ કરવાના પ્રશ્નો નહિ રહે

ગુજરાતની જેલોમાં બંધ આરોપીઓના કેસો ઝડપી ચલાવવાઃ જિલ્લા જેલમાં કોર્ટ કાર્યરત કરવા ચીફજસ્ટીસ મુખ્ય મંત્રી કાયદામંત્રી  સ્તુત્ય નિર્ણય લઇ શકે

રાજકોટ તા. ૧૬ : ગુજરાતની જેલોમાં ઘણા લાંબા સમયથી માત્ર ટ્રાયલ ન ચાલવાને કારણે હજારો કેદીઓ જેલમાં બંધ છે. ત્યારે જેલમાં બંધ આરોપીના કેસો ઝડપી ચલાવવા કોર્ટ સ્પેશ્યલાઇઝેશનના ભાગ રૂપે ગુજરાતના જિલ્લા મથકની જેલોમાંજ માત્ર એક અથવા બે કોર્ટ કાર્યરત કરવાનો સ્તુત્ય નિર્ણય નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ, કાયદા મંત્રી તથા મુખ્યમંત્રીએ લઇને પીડીત પરિવારોને ઝડપી ન્યાયનો અહેસાસ કરાવવો જોઇએ.

જેલમાં કોર્ટ કાર્યરત કરી માત્ર જેલમાં બંધ આરોપીઓના કેસો ચલાવવામાં આવે તો સેસન્સ કેસો ફેસલ થવાનો રેસીયો વધી જશે કારણ કે હાલ ગુજરાતની કોર્ટની વ્યવસ્થામાં એડીશ્નલ સેસન્સ કોર્ટોમાં કુલ ૧ર કેટેગરીના કેસો ડેઇલી બોર્ડમાં  સરેરાશ પ૦ થી ૭૦ સુધી કેસો હોવાથી  સેસન્સ કોર્ટના ન્યાયમૂર્તિને ચલાવા પાત્ર ૧૦ કેસો સિવાયના કેસોમાં એડવોકેટોના પોકાર કરીને તારીખ આપવામાં દરરોજ રૂટીન સરેરાસ દોઢ બે કલાકનો સમય જતો હોય છ.ે

આ ઉપરાંત નામદાર સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ડાયરેકશન મુજબ ૧૦ વર્ષ જુના કેસો ચલાવવાને અગ્રતા આપવી પડે છે. આ ઉપરાંત ગંભીર ગુન્હાના આરોપી જેલમાં ગયા પછી જામીન પર છુટવા અરજી કરે એટલે તે જામીન અરજીને પણ પ્રાયોરીટી આપવી પડતી હોય છ.ે હાલ ગુજરાતમાં ક્રાઇમ રેસીઓ ઉચો હોવાથી જિલ્લા મથકની કોર્ટોમાં દરરોજ મીનીમમ ૧૦ થી પણ વધુ જામીન અરજીઓ દાખલ થતી હોય છે. આવી પરિસ્થિતિ વચ્ચે ન્યાયમૂર્તિઓ જેલના બંધ આરોપીઓના કેસો ઝડપી ચલાવવા ઇચ્છતા હોવા છતા પુરતો (સમય) ફાળવી શકતા નથી. આથીજ જો અમોએ સુચવેલ એકશન પ્લાન મુજબ કોર્ટનું સ્પેશ્યલાઇઝેશન કરવામાં આવે તો જેલ કોર્ટમાં માત્ર સેસન્સ કેસોજ ચલાવવાના હોવાથી અન્ય કેસોમાં તારીખ આપવાનો કોર્ટનો સમય વ્યતીત થશે નહી જેથી સેસન્સ કેસો ચલાવવામાં ઝડપ આવશે.

કોઇ જિલ્લાની સેસન્સ કોર્ટમાં ૧પ૦ કેસો જેલમાં બંધ આરોપીના પેન્ડીંગ હોય અને માત્ર એકજ કોર્ટ જેલમાં કાર્યરત કરાય અને જેલ કોર્ટના ન્યાયધીશ માત્ર મહિને ૧ર કેસ ફેસલ કરે તો પણ એકજ વર્ષમાં જેલમાં બંધ આરોપીના કેસો પુરા થઇ જાય અને એવું પણ બને કે વર્ષ દરમિયાન નવા ૧પ૦ કેસ દાખલ ન થાય એટલે આપોઆપ પેન્ડીંગ કેસોની સંખ્યા પણ ઘટે અને સમય જતા સેસન્સ કેસો એકજ વર્ષમાં પુરા થવા લાગે.

સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, જુનાગઢ,પોરબંદર, ભાવનગર, નવા બનેલા બોટાદ, મોરબી, કે ગીરસોમનાથ જિલ્લાઓમાં ગંભીર ગૂન્હાના જેલમાં બંધ આરોપીઓના કેસો તો પ૦ થી પણ ઓછા હશે એટલે આવા જિલ્લાની કોર્ટોમાં જે વર્ષમાં કેસ નોંધાય તે જ વર્ષમા઼  પુરો થઇ જશે.

રજુ કર્તાઃ

કિશોર એન. કારીયા

નિવૃત્ત કોર્ટ કર્મચારી-રાજકોટ

 

(10:02 am IST)