Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જન્‍માષ્‍ટમીએ શુક્રવારે પ્રદ્યુમન પાર્ક ઝુ ખુલ્લુ રહેશે

રાજકોટ,તા. ૧૬ :  મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્‍ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્‍ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્‍થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્‍ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે જન્‍માષ્ટમીના તહેવારોમાં અંદાજિત ૯૦ હજાર મુલાકાતીઓ ઝૂ ની મુલાકાતે પધારતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે જન્‍માષ્ટમીના દિવસે શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુખાકારી અને મુલાકાતીઓ જન્‍માષ્ટમીનાં દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે માટે તા.૧૯ને શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવા મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.
હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૧ પ્રજાતિઓનાં કુલ ૫૧૦ વન્‍યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્‍લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્‍યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.
આ ઉપરાંત ઝૂ ખાતે ત્રણ માસ પહેલા જન્‍મ થયેલ ૦૨ સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવાનું શરૂ કરવામાં આવેલ છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થાય છે. જન્‍માષ્ટમીના તહેવારો દરમિયાન આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર બની રહેશે.
મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે માહિતી મળી રહે અને વન્‍યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઇન્‍ટરપ્રિટેશન સેન્‍ટર તૈયાર કરવામાં આવેલ છે. જેમાં વિવિધ ગેલેરીઓ જેવી કે; પ્રાણીસંગ્રહાલય ગેલેરી, ગીરની ઝાંખી, કચ્‍છની ઝાંખી, સસ્‍તન પ્રાણીઓની ગેલેરી, પક્ષી ગેલેરી, સરિસૃપ ગેલેરી વિગેરે બનાવી વન્‍યપ્રાણી-પક્ષીઓનાં લાઇફ સાઇઝ મોડેલ્‍સ, ઇન્‍ટરેક્‍ટીવ એક્‍ટીવીટી તથા વિવિધ માહિતી દર્શાવતી પેનલ્‍સ પ્રદર્શિત કરવામાં આવેલ છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થાય છે.

 

(3:33 pm IST)