Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

કાલથી લોકમેળોઃ પોલીસે નો-પાર્કિંગ ઝોન અને વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરીઃ ૧૮ સ્‍થળોએ ફ્રી પાર્કિગની વ્‍યવસ્‍થા

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામુ ૧૭મીથી ૨૧મી સુધી લાગુ રહેશેઃ ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે : રિક્ષાઓ માટે ૯ સ્‍થળોએ સવારના ૧૦થી મેળો પુર્ણ થાય ત્‍યા સુધી પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી : મેળા ફરતેના રસ્‍તાઓ પર વાહનો ૧૦ કિ.મી.થી વધુની સ્‍પીડથી હંકારી શકાશે નહિ

રાજકોટ તા. ૧૬: આવતીકાલ ૧૭મીથી રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે આઝાદી કા અમૃત લોકમેળાનો આરંભ થઇ રહ્યો હોઇ શહેર તથા આસપાસના ગામડાઓ સહિતના બીજા શહેરોમાંથી પુષ્‍કળ પ્રમાણમાં લોકો આ મેળો માણવા ઉમટી પડવાના હોઇ લોકો સરળતાથી મેળો માણી શકે અને પોતાના વાહનો યોગ્‍ય જગ્‍યાએ ટ્રાફિકને અડચણરૂપ ન બને તે રીતે પાર્ક કરી શકે તે માટે અને સુચારૂ તથા સલામત વાહન વ્‍યવહાર ચાલુ રહે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ જાહેરનામુ બહાર પાડી રેસકોર્ષ ફરતેના રસ્‍તાઓને નો-પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. તેમજ વાહન વ્‍યવહાર માટે અમુક રસ્‍તાઓ બંધ કર્યા છે. આ જાહેરનામુ ૨૧/૮ સુધી અમલમાં રહેશે. ક્‍યાં ક્‍યાં વાહન પાર્ક નહિ કરી શકાય અને  કેટલા રસ્‍તા ખુલ્લા રહેશે, કેટલા બંધ રહેશે અને ફ્રી-પાર્કિંગ ક્‍યાં ક્‍યાં થઇ શકશે તેની વિગતો આ મુજબ છે.

આટલા સ્‍થળો નો-પાર્કિંગ ઝોન જાહેર

(૧) રેસકોર્ષ રીંગરોડ જીલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, જુની એન.સી.સી. ચોક, કિશાનપરા ચોક સુધી બંને બાજુ તમામ વાહનો માટે (ટ્રક,મેટાડોર,બસ,રીક્ષા, મોટર સાયકલ વિગેરે) વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલ છે. (૨) ચાણકય બીલ્‍ડીંગ ચોકથી ફુલછાબ ચોક, જીલ્લા પંચાયત ચોક સુધી તમામ પ્રકારનાં વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલ છે. (૩) રેસકોર્ષ રીંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઇ ફરમાવવામાં આવી છે. ૧૭મીનાં સવારે ૦૯થી મેળો પૂર્ણ થાય ત્‍યાં સુધી રેસકોર્ષ રીંગરોડ ફરતે તમામ  પ્રકારનાં વાહનો ૧૦ કિ.મી.થી વધુની ઝડપથી ચલાવવા પર પ્રતિબંધ રહેશે.

ખાસ નોંધી લેજો...

આ રસ્‍તાઓ બંધ રહેશે

(૧) બહુમાળી ભવન સર્કલ થી પોલીસ હેડ કવાર્ટર સર્કલ સુધી બંને તરફ તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.  (ર) પોલીસ હેડ કવાર્ટરથી જુની એન.સી.સી. ચોકથી આમ્રપાલી અંડર બ્રીજ સુધી રેસકોર્ષ રીંગ રોડના બંને રોડ પર વાહન વ્‍યવહાર બંધ રહેશે. (૩) ચાણકય બીલ્‍ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક સુધી (૪) બહુમાળી ભવન ચોક થી જીલ્લા પંચાયત ચોક સુધી, (૫) જીલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચૌક સુધી, (૫) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાટર્સ સર્કલ સુધી, (૭) આઈ.બી.ની ઓફિસથી પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્‍યના બંગલા સુધી, (૮) સુરજ-૧ એપાર્ટમેન્‍ટ થી લોકમેળાના મુખ્‍ય ગેઈટ સુધી તમામ વાહનો માટે નો-એન્‍ટ્રી રહેશે. આ ઉપરાંત (૯) (ક) ચાણકય બિલ્‍ડીંગ ચોકથી બહુમાળી ભવન સુધી (ખ) બહુમાળી ભવનથી જીલ્લા પંચાયત ચોક સુધી (ગ) બહુમાળી ભવન ચોકથી પોલીસ હેડ કવાટર્સ સર્કલ સુધી (ઘ) જુની એનસીસી ચોક થી કિશાનપરા ચોક સુધી (ચ) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ સુધી (છ) આઇબીની ઓફિસથી પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્‍યના બંગલા સુધી (જ) સુરજ-૧ એપાર્ટમેન્‍ટ થી મેળાના મુખ્‍ય ગેઈટ સુધી, (ઝ) વિશ્વા ચોકથી જુની એનસીસી ચોક સુધી, (ટ) આમ્રપાલી અંડર બ્રીજથી જુની એનસીસી ચોક સુધી અતુલ રીક્ષા, ઓટો રીક્ષા અને છકડો રીક્ષા માટે તા.૧૭/૦૮નાં સવારના કલાક ૧૦થી મેળો પૂર્ણ થાય ત્‍યા સુધી પ્રવેશ બંધી જાહેર કરવામાં આવેલ છે.

 આટલા રસ્‍તાઓ ખુલ્લા રહેશે

(૧) ચાણકય બીલ્‍ડીંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્‍ડીંગ જામનગર રોડથી એરપોર્ટ/ગાંધીગ્રામ તરફ જઇ શકાશે તથા ચાણકય બીલ્‍ડીંગ ચોકથી ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક તરફ જઇ શકશે. (૨) પોલીસ હેડ કવાર્ટર સર્કલથી રૂડા બીલ્‍ડીંગ તરફ જઇ શકાશે.  (૩) કિશાનપરા ચોકથી જીલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક તરફ જઇ શકાશે. (૪) કોઇપણ ભારે વાહન લોકેમેળા દરમ્‍યાન રેસકોર્ષ રીંગરોડ ઉપર પ્રવેશી શકશે નહિ. જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(3:19 pm IST)