Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાજકોટમાં એટ્રોસિટીના ગુન્‍હાના કામમાં અરજદારોના આગોતરા જામીન મંજુર

રાજકોટઃ શહેરના અલ્‍કાપુરીમાં માવતરે રહેતા કિંજલબેન નામની પરિણીતાએ ધમેન્‍દ્ર રોડ પર કડિયા નવલાઇનમાં રહેતા તેમના પતિ જય હરીલાલ અનડકટ, સાસુ કોકીલાબેન, પાંચ નણંદ દિવ્‍યા, તૃપ્તિ, ક્રિષ્‍ના, ખ્‍યાતી અને જુલી સામે મહિલા પોલીસ મથકમાં શારીરિક કે માનસિક ત્રાસ આપવા અંગ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્‍યા પ્રમાણેતે ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ ચાર દિવસ પછી જ સાસુ-નણંદ તું તારા માવતરેથી કઇ કરિયાવર લાવી નથી, તારા બાપુજી સાવ ગરીબ છે કહી ત્રાસ આપતા અમે અમદાવાદ રહેવા ગયા બાદ વારે તહેવારે  આવતા ત્‍યારે પણ તારે રસોઇ કે પૂજાપાઠ કરવા નહિ કહી જ્ઞાતિ પ્રત્‍યે હડધૂત કરતા પતિ પણ તારે રહેવુ હોય તો બધુ સહન કરવું પડશે તેમ કહી તેની માતા- બહેનોનો સાથ આપતા હતા કોરોના વખતે કરફયુમાં મારા પિતાજી આવતા તેને ઘર મળતુ ન હોય મે બહાર જવાનું કહેતા મને બે ફડાકા મારી, ઢસડીને ઉપર લઇ ગયા હતા અને મારા પિતાજીને પણ જ્ઞાતિ પ્રત્‍યે હડધૂત કરેલ જેથી હું મારા પિતા સાથે માવતરે આવી ગઇ હતી અને સમાધાન નહી થતા અંતે ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્‍ટેશનમાં કામમાં આઇ.પી.સી. કલમ-૪૯૮(ક), ૩૨૩, ૫૦૪,૧૧૪ તથા એટ્રોસિટી એકટની કલમ ૩ (૧)
(આર), ૩ (૨) (૫) (અ) મુજબના ગુન્‍હાના કામે તમામ અરજદારોએ રાજકોટની નામદાર સેસન્‍સ જજ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ.

જે આગોતરા જામીનમાં સરકાર પક્ષે એવી દલીલ કરવામાં આવેલ કે એટ્રોસિટીના ગુન્‍હામાં આગોતરા જામીન મળી શકે નહિ તેમજ જો તેમજ જો તેમને આગોતરા જામીન ઉપર છોડવામાં આવશે તો તે ફરિયાદીને માનસિક ત્રાસ આપશે તેમજ સાહેદોને ધાક ધમકી લોભ લાલચ આપી ફોડવાની કોસિસ કરશે તેવી પૂરી સંભાવના રહેલી છે. માટે આગોતરા જામીન અરજી નામંજુર કરવા સરકારી વકીલે ભારપૂર્વક દલીલો કરેલ.

અરજદાર/ આરોપીઓ તરફે તેમના વકીલે એવી દલીલ કરી કે આરોપીએ કોઇ ગુનો કરેલો નથી તેમ છતા આ ગુનામાં પોલીસે તેઓને ખોટીરીતે સંડોવી દીધેલા છે.વધુમાં અરજદાર/આરોપીનો કોઇ ગુનાહિત ભુતકાળ નથી. તેમજ આખા કુંટુંબને ખોટી રીતે હેરાન કરવાના એક માત્ર ઇરાદાથી હાલની આ ખોટી ફરિયાદ દાખલ કરેલ છે. આ સંજોગોને ધ્‍યાનમાં લઇ ને હાલના આરોપીઓને જામીન ઉપર મુકત કરવા દલીલ કરેલ. તેમજ તાજેતરના સુપ્રીમ કોર્ટ તથા અન્‍ય હાઇકોર્ટના ચુકાદામાં એટ્રોસિટીના ગુન્‍હામાં આગોતરા જામીન આપી શકાય તેવા ચુકાદો રજુ કરેલ. ઉપરોકત દલીલોને ધ્‍યાનમાં લઇ આ કામમાં અરજદારોમાં સાસુ કોકીલાબેન, પાંચ નણંદને રાજકોટની સેસન્‍સ જજ સાહેબની કોર્ટએ આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે. જયારે પતિ જયની આગોતરા જામીન અરજી નામંજૂર કરેલ જેથી તેઓએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં  થી નોટ ટુ બી એસેસ્‍ટનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી સૌરાષ્‍ટ્રના  સીનીયર એડવોકેટ શ્રી મનીષ.એચ. ખખ્‍ખર,અલય એમ. ખખ્‍ખર, સુરેશભાઇ પંડયા તથા આસીસટન્‍ટ તરીકે ધનરાજસિંહ રાઠોડ રોકાયેલ હતા. તેમજગુજરાત હાઇકોર્ટમાં શ્રી રથીમ રાવળ રોકાયેલ હતા.

(3:18 pm IST)