Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ધોરાજીના રમેશભાઇ હિંગરાજીયાનું રાજકોટમાં ટ્રકની ઠોકરે ચડતાં મોત

રાજકોટ રેસ્‍ટોરન્‍ટમાં નોકરી કરતાં હોઇ તેનો સામાન લેવા ટુવ્‍હીલર લઇને નીકળ્‍યા ત્‍યારે મોટા મવા નજીક જીવલણે અકસ્‍માત નડયો

રાજકોટ તા. ૧૬: કાલાવડ રોડ પર મોટા મવા નજીક મટુકી રેસ્‍ટોરન્‍ટ પાસે મુરલીધર પાનવાળી શેરી નજીક ટ્રકની ઠોકરે ટુવ્‍હીલર ચડી જતાં મુળ ધોરાજીના હાલ રાજકોટ રહી રેસ્‍ટરોન્‍ટમાં નોકરી કરતાં પટેલ વૃધ્‍ધનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ ધોરાજીમાં જેતપુર રોડ પર શિવાંગી એપાર્ટમેન્‍ટમાં રહેતાં રમેશભાઇ બચુભાઇ હિંગરાજીયા (પટેલ) (ઉ.વ.૬૦) રવિવારે સાંજે પોતાનું એક્‍સેસ ટુવ્‍હીલર નં. જીજે૦૩ઇએચ-૫૬૪૩ હંકારીને જતાં હતાં ત્‍યારે મટુકી રેસ્‍ટોરન્‍ટ પાછળ મુરલીધર પાનવાળી શેરીમાં ડમ્‍પર નં. જીજે૧૩ડબલ્‍યુ-૨૧૩૨ના ચાલકે ટુવ્‍હીલર સહિત ઉલાળી દેતાં સાથળ, શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એચ. પી. રવૈયાએ મૃતકના પુત્ર ધોરાજી રહેતાં ભાવિનભાઇ હિંગરાજીયા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ડમ્‍પર ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. રમેશભાઇ હિંગરાજીયા રાજકોટ સાંઝા ચુલ્‍હા રેસ્‍ટોરન્‍ટમાં જનરલ કામ કરતાં હતાં અને અહિ જ રહેતાં હતાં. તેઓ ઇલેક્‍ટ્રીકની ચીજવસ્‍તુ લેવા માટે નીકળ્‍યા હતાં ત્‍યારે જીવલેણ અકસ્‍માત નડયો હતો. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(11:47 am IST)