Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મંછાનગરમાં બે ભરવાડ પરિવારોના ૧૪ લોકોને ઝેરી અસરઃ ટેન્કરનું પાણી દુષિત હોવાની શંકા

એક જ ફળીયે જુદા-જુદા મકાનોમાં રહેતાં રાતડીયા-રાઠોડ પરિવારના લોકો સારવાર હેઠળ

જેને ઝેરી અસર થઇ તે ભરવાડ પરિવારના લોકો સારવાર હેઠળ છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલા મંછાનગરમાં એક જ ફળીયામાં રહેતાં બે ભરવાડ પરિવારના ૧૪ લોકોને ઝેરી અસર થતાં અને ઝાડા-ઉલ્ટી થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. કોર્પોરેશનના ટાંકામાંથી આવેલું પાણી પીવાથી આમ થયાનું અસરગ્રસ્તો કહે છે.  જો કે આ અંગે આરોગ્ય તંત્રએ અને પોલીસે તપાસ હાથ ધરી છે.

મંછાનગરમાં એક જ ફળીયામાં રહેતાં રાઠોડ અને રાતડીયા (ભરવાડ) પરિવારના ૧૪ લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાય છે. જેમાં રજુબેન રઘુભાઇ રાતડીયા (ઉ.૪૦), હિતેષ રઘુભાઇ રાતડીયા (ઉ.૧૮), લક્ષ્મી રઘુભાઇ રાતડીયા (ઉ.૧૭), શૈલેષ રઘુભાઇ રાતડીયા (ઉ.૧૩), રઘાભાઇ ગેલાભાઇ રાતડીયા (ઉ.૫૫), અરૂણાબેન ગેલાભાઇ રાઠોડ (ઉ.૬૫), માલુબેન મચ્છાભાઇ રાઠોડ (ઉ.૪૫), ઓઘાભાઇ ગેલાભાઇ રાઠોડ (ઉ.૨૫), રાહુલ નનાભાઇ રાઠોડ (ઉ.૧૯), કયુબેન ઓઘાભાઇ રાઠોડ (ઉ.૨૩), વિજુબેન વિહાભાઇ રાઠોડ (ઉ.૨૫), મીનાબેન મછાભાઇ રાઠોડ (ઉ.૧૬), મહેશ મચ્છાભાઇ રાઠોડ (ઉ.૧૮) અને નાનુભાઇ મામૈયાભાઇ રાઠોડ (ઉ.૫૦)નો સમાવેશ થાય છે.

રાત્રે આ બધાએ ભોજમાં ચોળીનું શાક, ખીચડી, રોટલા, દૂધનું ભોજન લીધું હતું. જો કે આ ખોરાકથી ઝેરી અસર નહિ થયાનું અને કોર્પોરેશન દ્વારા આવેલા ટેન્કરનું પાણી પીવાથી આમ થયાનું આ લોકોએ જણાવ્યું હતું. બી-ડિવીઝનના એએસઆઇ સુધાબેન પાદરીયા અને અશ્વિનભાઇએ નિવેદન નોંધ્યા હતાં. એફએસએલની મદદ પણ લેવામાં આવી છે. આરોગ્ય તંત્રએ આ અંગે તપાસ હાથ ધરી છે.

(4:51 pm IST)