Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મહિલા પોલીસ મથકના પીએસઆઇ અને રાઇટર લાંચના છટકામાં ઝડપાયા

બળાત્કારના ગુનામાં પકડાયેલા ભીખુ કાશીરામ સાથે અન્ય આરોપીના નામ નહિ ખોલવાના અને પકડાયેલાને હેરાન નહિ કરવા બદલ ૨૫ હજાર માંગ્યા'તાઃ ૧૦ હજારમાં નક્કી થયું: એસીબીએ પોલીસ સ્ટેશનમાં જ ટ્રેપ ગોઠવી

રાજકોટ તા. ૧૬: રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા મહિલા પોલીસ મથકના મહિલા પીએસઆઇ અને રાઇટરને એસીબીએ લાંચના છટકામાં ઝડપી લેતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. બળાત્કારના ગુનામાં પકડાયેલા કહેવાતા ભુવા બાવાજી વૃધ્ધની સાથે અન્ય આરોપીના નામ નહિ ખોલવા અને પકડાયેલા આરોપીને હેરાન નહિ કરવાના બદલામાં રૂ. ૨૫ હજારની લાંચ માંગવામાં આવી હતી. રકઝક બાદ દસ હજારમાં વાત નક્કી થઇ હતી અને આજે એસીબીએ ગોઠવેલું છટકું સફળ થયું હતું.

એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે મહિલા પોલીસ મથકમાં રાઇટર રૂમમાં છટકુ ગોઠવી લાંચ લેવાના ગુનામાં મહિલા પીએસઆઇ હંસાબા દિલીપસિંહ સોલંકી તથા રાઇટર હાજીભાઇ કરગથરાને ઝડપી લીધા છે. એસીબીના સુત્રોએ જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા મહિલા પોલીસે ગાંધીગ્રામ ધરમનગર કવાર્ટરમાં રહેતાં કહેવાતા ભુવા યોગેશ ઉર્ફ ભીખુ કાશીરામ કુબાવત (ઉ.૫૯)ની તેની જ કોૈટુંબીક ભત્રીજી પર બળાત્કાર ગુજારવાના ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતાં. આજે તેના રિમાન્ડ પુરા થવાના હતાં.

આ ગુનામાં બીજા કોઇ આરોપીને સામેલ નહિ કરવાના બદલામાં અને પકડાયેલા ભીખુ કાશીરામ કુબાવતને વધુ હેરાન નહિ કરવાના બદલામાં રૂ. ૨૫ હજારની લાંચ માંગવામાં આવી હતી. રકઝક બાદ વાત દસ હજારમાં નક્કી થઇ હતી. દરમિયાન આ બાબતે એસીબીને ફરિયાદ મળતાં પી.આઇ. સી. જે. સુરેજા, રામદેવસિંહ, છત્રપાલસિંહ, ચંદ્રસિંહ ચાવડા, અલ્તાફભાઇ, ભગવતીબેન પટેલ, કુલદીપસિંહ, કરીમભાઇ, કિશોરભાઇ પટેલ સહિતની ટીમ જોડાઇ હતી. એસીબી સુત્રોના કહેવા મુજબ પીએસઆઇ એચ. ડી. સોલંકી અગાઉ ભાવનગરમાં હતાં ત્યારે પણ આવા ગુનામાં પકડાયા હતાં.

(4:46 pm IST)