Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મેન્ટર

દેશ પ્રથમ

૧૫મી ઓગસ્ટ એક એવો દિવસ જયારે લાખો દેશવાસીઓ સ્વતંત્રતાની સોરમ શ્વાસમાં ભરી ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. જયારે આ દેશે એક આઝાદ ભારતની એક સોનેરી સવાર જોઈ હતી. આજે આઝાદીના ૭૧ વર્ષ પછી એક સવાલ એ છે કે શું આપણે ખરેખર આઝાદ છીએ ? આ દેશ માટે જે લોકોએ પોતાનું બલિદાન આપ્યું, જાન ન્યોછાવર કરી એ લોકોનું એક સપનું હતું કે આવનારી પેઢી એક આઝાદ ભારતમાં શ્વાસ લે. એ આઝાદીની લડાઇ કરવાવાળા વીર સપૂતો પોતાની ઓળખ એવી રીતે આપતા કે અમે ભારતીય છિએ. હિન્દુ , મુસ્લિમ , શીખ કે વગેરે ધર્મને ધ્યાનમાં ન રાખતા એક જ ધર્મને અપનાવી બિનસાંપ્રદાયિકતા ના જીવંત ઉદાહરણ પૂરા પાડ્યા હતા અને એ હતો હિન્દુસ્તાન. આજે આઝાદીના દ્યણા વર્ષ પછી જયારે ધર્મના નામ ઉપર એક બીજાના દુશ્મન થઈએ છીએ ત્યારે એવો અહેસાસ થાય કે વીર સપૂતોની શહાદતની સોડ ઓઢવી નિરર્થક છે. ૨૦૨૦ સુધીમાં ભારત દુનિયાનો સૌથી નાનામાં નાનો દેશ હશે જયારે અમેરિકા, જાપાન, યુ.કે., કે પછી ચીન જેની અંદાજિત ઉંમર ૪૦ થી ૪૫ સુધીની હશે અને ત્યારે ભારતની અંદાજિત ઉંમર ૨૯ વર્ષની હશે. એક એવો દેશ જેની પાસે સૌથી મોટું યુવા ધન હશે. આ દેશના યુવાનો માટે એક બહુ મોટી તક હશે જેમાં જ્ઞાતિ, જાતિ કે ધર્મના વિવાદમાં ન પડતા ભારત માટે કંઈક કરી છૂટવાનો આત્મવિશ્વાસ આપણે કેળવીએ. ભારત એક એવો દેશ છે કે એને હરાવવા માટે એના પોતાના જ લોકો જવાબદાર છે બાકી દુનિયાની એવી કોઈ તાકાત નથી જે હિન્દુસ્તાનને હરાવી શકે. આપણી સંસ્કૃતિ, આપણી આધ્યાત્મિકતા, આપણો વારસો આ એક એવી જમાપૂંજી છે જેની નોંધ આખું વિશ્વ લે છે. ખાલી ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રગાન ગાઈને કે એક દિવસનો પ્રેમ બતાવીને એવું સમજી લઈએ કે આપણામાં રાષ્ટ્રભાવના આવી ગઈ તો એ માન્યતા ખોટી છે. સરહદ પર રહેતા સૈનિકોને કયારેય પણ એમની જવાબદારી યાદ અપાવવી નથી પડતી તો શું જેને યુનિફોર્મ પહેર્યો છે એમની જ ફરજ આવે છે દેશ માટે કંઈક કરી છૂટવાની ? આવનારો સમય કે જેમાં હરીફાઈનો યુગ છે જો એમાં આપણે એક નહીં થઈએ તો આ ૨૧મી સદીમાં આખા વિશ્વમાં પાછળ રહી જઇશું. અબ્દુલ કલામ સાહેબના એ શબ્દો અચૂક યાદ આવે છે કે જયારે એમણે કહ્યું તું કે ૨૧મી સદીમાં એ દેશ વધારે સમૃદ્ધ હશે જેમાં વધારે લોકો શિક્ષિત હશે. એક વખત એક સાધુએ એના એક શિષ્યને પૂછ્યું કે એવો કયો સમય છે કે જયારે અંધકાર પૂરું થાય છે અને એક સોનેરી સવારની શરૂઆત થાય છે ત્યારે શિષ્યએ એવો જવાબ આપ્યો કે સૂરજની પહેલી કિરણ જયારે આ પૃથ્વી પર પડે તે સમયએ અંધકાર પૂરૃં થાય છે અને દિવસની શરૂઆત થાય છે. ગુરૂએ કહ્યું નહીં જયારે બે લોકો એક જ દેશના એવું સમજે કે આ દેશ માટે બંનેના સપના એક છે અને એક બીજાને ભાઈ માની બંધુત્વ અને ભાઈચારાની ભાવના ને સ્વીકારે એ સમય શ્રેષ્ઠ છે કે જયારે અંધકારનું વર્ચસ્વ પૂરૃં થઈને સોનેરી સવારની કિરણ પ્રકાશિત વર્ષને પ્રકાશિત આયખાની શરૂઆત કરે છે અને આ દેશ નું યુવાધન એ જ આ સોનેરી સવાર, દેશનું ભવિષ્ય અને નવી પેઢીની આશ છે.

પાર્થ ઉવાચ :-

અલગ હી મઝા હૈ,

મેરે દેશકી મિટ્ટી કા,

લોગ સરહદ પાર કરકે આતે હૈં,

યહાં દફન હોને કે લિયે.

દેશ પ્રથમ વંદે માતરમ...

- પાર્થ કોટેચા (મો.૯૯૦૪૪ ૦૬૬૩૩) મોટીવેશનલ સ્પીકર

(4:04 pm IST)