Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રવિવારે ડુંગર દરબાર ખાતે ભવ્‍ય બાલ મહોત્‍સવ

લુક એન લર્નના ભૂલકાઓ પોતાની કલા પીરસી જૈન દર્શનને ઉજાગર કરશે

રાજકોટ,તા.૧૬: ધર્મનગરી રાજકોટ ખાતે ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ અંતર્ગત અવનવા અને નીતનવા ધર્મભીના આયોજનો સફળતા પૂર્વક સંપન્ન થઈ રહ્યાં છે.રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ સા. અથાક પરિશ્રમ લઈ લોકો ધર્મને પામે તે હેતુસર એકદમ સરળ શૈલીમાં ભગવાનના ભાવોને સમજાવી રહ્યાં છે.પૂ.ગુરુદેવની પ્રેરણાથી અનેક મીશનો ચાલી રહ્યાં છે, તે પૈકીનું એક મીશન એટલે લુક એન લર્ન જૈન જ્ઞાન ધામ.

અત્‍યારે રાજકોટમાં વિવિધ સેન્‍ટરમાં ૫૦૦ ઉપરાંત બાળકોને ૬૦ થી વધારે દીદીઓ સુવ્‍યવસ્‍થિત જ્ઞાનાભ્‍યાસ કરાવી રહેલ છે. રાજકોટ, ગોંડલ, જેતપુર, જુનાગઢ, અમદાવાદ, બરોડા,મુંબઈ, અમરાવતી, કોલકત્તા, ચેન્નાઈ સહિત અનેક શહેરોમાં તથા ભારતના સીમાડા ઓળંગી દુબઈ, મસ્‍કત, મલેશિયા, યુએસએ, યુ કે સહિત વિવિધ જગ્‍યાએ ખૂબ જ સુંદર રીતે લુક એન લર્ન ચાલી રહ્યું છે.

લુક એન લર્નમાં આવતા બાળકોને આધ્‍યાત્‍મિક સાથે જીવન ઉપયોગી અનેક બાબતો શીખવવામાં આવે છે. અઠવાડિયામાં એક વાર બે કલાકના સેશનમાં બાળકોની રસ અને રૂચિ મુજબ અલગ - અલગ વિષયો ઉપર દીદીઓ દ્રારા અભ્‍યાસ કરાવવામાં આવે છે. બાળકોને સામાયિક પ્રતિક્રમણ સહિત જૈન દર્શનનું પાયાનું જ્ઞાન પીરસવામાં આવે છે.

રવિવારે તા.૧૯ના રોજ ‘‘શ્રી ડુંગર દરબાર'' ખાતે ‘‘બાળ મહોત્‍સવ'' નું સુંદર આયોજન કરેલું છે. આ બાલ ઉત્‍સવમાં નાના - નાના ભૂલકાઓ પોતાની કાલીઘેલી ભાષામાં પોતાનો કિરદાર ભજવવાના છે. રવિવારે સવારે ૮:૩૦થી ૧૨:૩૦ ડુંગર દરબાર ખાતે  બાલ ઉત્‍સવ યોજાશે. તેમ મનોજ ડેલીવાળાએ જણાવેલ છે.

(2:48 pm IST)