Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કભી ખુશી કી આશા, કભી મન કી નિરાશા, કભી ખુશીયો કી ધૂપ, કભી હકિકત કી છાંવ, કુછ ખો કર કુછ પાને કી આશા, શાયદ યહી હૈ રાજનીતિ કી પરિભાષા

જિલ્લા પંચાયતમાં કેટલાક બાગીઓને ખેચી સમિતિઓની પાંખો કાપવાનો કોંગીનો વ્‍યૂહ

રાજકોટ જિલ્લા પંચાયતમાં બળવાખોરોમાં બળવો થતા ખાટરિયા જૂથને ફાયદાની આશા : ટુંક સમયમાં નવાજુનીનો વધુ એક તબક્કો

રાજકોટ તા. ૧૬ : જિલ્લા પંચાયતમાં ભાજપ પ્રેરિત કોંગીના બળવાખોરોમાં પણ બળવો થતાં કોંગ્રેસના અર્જુન ખાટરિયા જુથને ફાયદાની આશા જાગી છે. કોંગ્રેસ પાસે છેલ્લી સત્તાવાર સ્‍થિતિ મુજબ ૧૩ સભ્‍યો છે. ૨૧ સભ્‍યો બળવાખોર બન્‍યા હતા. કારોબારી અને અન્‍ય સમિતિની રચના પછી બળવાખોરોમાં અસંતોષ જાગ્‍યો છે તેનો ખાટરિયા જુથ ફાયદો લેવા માંગે છે. સાદી બહુમતી માટે જરૂરી ૬ સભ્‍યોને પક્ષ તરફ પાછા વાળી સામાન્‍ય સભાના ઠરાવથી તમામ સમિતિઓની સત્તા સામાન્‍ય સભા અથવા પ્રમુખ હસ્‍તક લઇ લેવાની વિચારણા ચાલી રહી છે. જેટલા બાગીઓ પાછા ન વળે તેની સામે શિસ્‍ત ભંગના પગલા લઇને સભ્‍યપદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવાનું નક્કી થયું છે. જો કોંગ્રેસની ધારણા મુજબ જ થાય તો પંચાયતના પ્રમુખ - ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્‍ત પસાર કરાવવાના ભાજપના પ્રયાસોને મોટો ફટકો લાગશે. પાંચ - સાત બાગીઓ પાર્ટી લાઇનમાં પાછા વળવા તૈયાર હોવાનો ખાટરિયા જુથનો દાવો છે. સમાધાનની લાઇનમાં આવતા સભ્‍યો પાસેથી શોકોઝ નોટીસનો અનુકૂળ જવાબ લખાવી લેવાશે.

કોંગ્રેસે અમૂક બાગીઓ સામે શિસ્‍ત ભંગના પગલા, તમામ બાગીઓ સામે શિસ્‍ત ભંગના પગલા, ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા, સમાધાન - સંઘર્ષ સહિત બધા વિકલ્‍પો ખુલ્લા રાખ્‍યા છે. એક તરફ ભાજપ અવિશ્વાસ દરખાસ્‍ત મુકવાની વાત કરે છે. બીજી તરફ કોંગ્રેસે અવિશ્વાસ દરખાસ્‍ત પસાર કરાવવા માટે જરૂરી ૨૪ સભ્‍યોનું સંખ્‍યાબળ સામેની તરફ કોઇપણ રીતે ન થવા દેવા માટે મક્કમ છે. પંચાયતના રાજકારણમાં ચઢાવ - ઉતારનો વધુ એક તબક્કો ટુંક સમયમાં આવી રહ્યો છે.(૨૧.૨૧)

(12:05 pm IST)