Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

પ્રેમસંબંધની શંકાએ કોલેજીયન યુવાન વિશાલનું અપહરણઃ બેફામ ધોલાઇ, પાંચ કલાકે છુટકારો

થોરાળાના સાહિલ સાગઠીયાની બહેન ગૂમ થઇ હોઇ તેને વિશાલ કોળી સાથે પ્રેમ હોવાની શંકાએ સાહિલ, તેના મામા, મિત્રો, માતા સહિતે વિશાલના ઘરે આવી ધમાલ મચાવીઃ બાદમાં કારમાં નાંખી કુવાડવા, માટેલ, મોરબી, માળીયા સુધી ફેરવ્‍યો ને ધોકાવ્‍યો :રણુજા મંદિર પાછળ શ્‍યામ પાર્કમાં બનાવઃ જો પોલીસને મોબાઇલ લોકેશન મળ્‍યું ન હોત તો યુવાનને પતાવી દેવાયો હોત: પુત્રને બચાવવા વચ્‍ચે પડેલા પિતા અશ્વિનભાઇને બટકુ ભરી કડાથી માર માર્યોઃ અપહરણકાર પૈકીના એકે ફોન ચાલુ કર્યો ને પોલીસને લોકેશન મળ્‍યું: માળીયા મિંયાણાથી રાજકોટ સુધી પોલીસે ખાનગી રીતે આરોપીઓની કારનો પીછો કર્યો ને અપહૃતને હેમખેમ છોડાવ્‍યો

જેનું અપહરણ કરી બેફામ માર મરાયો તે વિશાલ માયાણી તથા દિકરાને બચાવવા જતાં ઘવાયેલા પિતા અશ્વિનભાઇ

રાજકોટ તા. ૧૬: શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ શ્‍યામ પાર્ક-૪માં રહેતાં અને વૈશાલીનગરમાં એચ. એન. શુક્‍લા કોલેજમાં ટીવાયબીકોમમાં ત્રીજા વર્ષમાં ભણતાં વિશાલ અશ્વિનભાઇ માયાણી (ઉ.૨૦) નામના કોળી યુવાનનું થોરાળાના સાહિલ સાગઠીયાએ મામા, મિત્રો સાથે મળી કારમાં અપહરણ કરી જતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી. અપહરણકારોએ ચાર-પાંચ કલાક સુધી વિશાલને ફેરવી ચાલુ કારે તેમજ રોડ પર ઉતારી કમર પટ્ટા, પ્‍લાસ્‍ટીકના પાઇપ અને કડાથી બેફામ માર માર્યો હતો. એ પહેલા વિશાલને ઉઠાવ્‍યો ત્‍યારે તેના પિતા અશ્વિનભાઇ ગોરધનભાઇ માયાણી (ઉ.૪૨) વચ્‍ચે પડતાં તેની પણ ધોલધપાટ થઇ હતી. આજીડેમ પોલીસે મોબાઇલ ટ્રેસ કરી માળીયા મિંયાણા પાસે અપહરણકારોની કાર શોધી કાઢી હતી અને વિશાલને મુક્‍ત કરાવ્‍યો હતો. હોસ્‍પિટલના બિછાનેથી આ યુવાને જણાવ્‍યું હતું કે સાહિલ સાગઠીયાની બહેન ગુમ થઇ છે, તેની સાથે પોતાને પ્રેમસંબંધ હોવાની શંકાએ પોતાને ઉઠાવી જવાયો હતો. જો પોલીસ મોબાઇલ ટ્રેસ કરી શકી ન હોત તો પોતાને પતાવી દેવામાં આવ્‍યો હોત.

સમગ્ર ઘટનાની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્‍ત માહિતી મુજબ મંગળવારે સાંજે ચારેક વાગ્‍યે વિશાલ પોતાની ઘરે હતો ત્‍યારે થોરાળા રામનગરમાં રહેતો સાહિલ ઉર્ફ ચકો અશોકભાઇ સાગઠીયા (ઉ.૧૯) તથા તેના મામા મહાત્‍મા ગાંધી પ્‍લોટમાં રહેતાં હસમુખભાઇ માયાભાઇ પરમાર (ઉ.૪૨), માતા ગીતાબેન અશોકભાઇ સાગઠીયા (ઉ.૪૨), મામી જાગૃતિબેન હસમુખભાઇ પરમાર (ઉ.૩૮) તથા સાહિલના બે મિત્રો અબ્‍દુલ અને દર્શન કુંભાર જીજે૩જેસી-૮૦૮૭ નંબરની કાર લઇને વિશાલના ઘરે આવ્‍યા હતાં.

વિશાલને અગાઉ સાહિલની બહેન ધારા સાથે પ્રેમસંબંધ હોઇ તે બાબતના મનદુઃખને લીધે તેના પર આ તમામે લાકડાના ધોકા, પ્‍લાસ્‍ટીકના પાઇપથી હુમલો કર્યો હતો. જાગૃતિબેન અને ગીતાબેને તેને ફડાકા માર્યા હતાં. દેકારો થતાં વિશાલના પિતા અશ્વિનભાઇ વચ્‍ચે પડતાં તેને હસમુખભાઇએ હાથમાં બટકુ ભરી લીધું હતું અને સાહિલે પાઇપથી માર માર્યો હતો. એ પછી સાહિલ, તેના મામા હસમુખ અને બે મિત્રો બળજબરીથી વિશાલને કારમાં નાંખી ભાગી છુટયા હતાં. સાહિલની માતા અને મામી પણ ત્‍યાંથી નીકળી ગઇ હતી.

પિતા અશ્વિનભાઇ સહિતનાએ બેબાકળા થઇ દોડધામ કરી મુકી હતી અને પોલીસને જાણ કરી હતી. આજીડેમ પોલીસ મથકના પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ આર. બી. વાઘેલા સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. વિશાલ અને તેને ઉઠાવી જનારા સાહિલ તથા તેના મામાના મોબાઇલ સ્‍વીચ ઓફ થઇ જતાં મુંજવણ વધી ગઇ હતી. બીજી તરફ વિશાલને ઉઠાવી જનારાઓએ તેને ચાલુ કારમાં જ બેફામ માર મારવાનું શરૂ કર્યુ હતું. છેલ્લે વિશાલ માળીયા મિંયાણા તરફ હોવાનું લોકેશન મળતાં પોલીસ ત્‍યાં પહોંચી હતી. આરોપીઓની કાર દેખાઇ જતાં પોલીસે ખાનગી રીતે જ આ કારની પાછળ પાછળ પોતાની કાર દોડાવી હતી અને આરોપીઓની કાર રાજકોટ નજીક પહોંચવા આવી ત્‍યારે તેને આંતરી વિશાલને મુક્‍ત કરાવ્‍યો હતો. જો કે ત્‍યારે કારમાંથી સાહિલ અને તેના મામા હસુમખ પરમાર જ મળ્‍યા હતાં. બે મિત્રો અબ્‍દુલ અને દર્શન ભાગી ગયા હતાં.

વિશાલને બેફામ માર મરાયો હોઇ તેને અને તેના પિતાને પણ ઇજા થઇ હોઇ બંનેને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. વિશાલે જણાવ્‍યું હતું કે ધારાને અગાઉ બીજા એક છોકરા સાથે પરિચય હતો. પોતે તો તેને છ મહિનાથી જ ઓળખે છે અને પ્રેમસંબંધ પણ નથી. હાલમાં તે કેટલાક દિવસથી ગૂમ થઇ હોઇ તેમાં પોતાનો હાથ હોવાની શંકા તેના ભાઇ સાહિલને હોવાથી પોતાને ઉઠાવી જવાયો હતો.

વિશાલે વધુમાં જણાવ્‍યું હતું કે પોતાને કુવાડવા થઇ માટેલ ત્‍યાંથી મોરબી અને ત્‍યાંથી માળીયા મિંયાણા સુધી કારમાં લઇ જવાયો હતો. બધાના મોબાઇલ ફોન બંધ હતાં. એ દરમિયાન હસમુખ પરમારે ગતિવિધી જાણવા પોતાનો ફોન ચાલુ કરી રાજકોટ કોઇ સાથે સંપર્ક કરતાં પોલીસે તેની પત્‍નિ જાગૃતિ અને બહેન ગીતાબેનને ઉઠાવી લીધાની ખબર પડતાં કાર ઉભી રાખી પોતાને રોડ પર ઉતારી બેફામ માર મરાયો હતો.

વિશાલે કહ્યું હતું કે તેણે હાથ જોડી આજીજી કરી હતી કે પોતાને પિતા સાથે વાત કરવા દેવામાં આવે તો ગીતાબેન કે જાગૃતિબેનને પોલીસ કંઇ નહિ કરે તેવી પોતે વિનંતી કરશે. અંતે હસમુખે તેને ફોન ચાલુ કરીને આપતાં વિશાલે પિતાને ફોન જોડતાં જ આ ફોન પોલીસે રિસિવ કર્યો હતો અને લોકેશન માળીયા મિંયાણા તરફ મળતાં પોલીસ તાબડતોબ પહોંચી ગઇ હતી. જો કે અપહરણકારો પોલીસને જોઇને વિશાલને વધુ મારકુટ ન કરે એ માટે પોલીસે ખાનગી રીતે તેની કારનો પીછો કર્યો હતો. છેલ્લે સાહિલ અને હસમુખ ઝડપાઇ ગયા હતાં. આ બંને તેના સાહિલના માતા ગીતાબેન અને મામી જાગૃતિબેનની ધરપકડ કરી લેવાઇ હતી.

હસમુખે કહ્યું-હું જેલમાં તો જવાનો જ છું, પણ તને પતાવીને જઇશ!

વિશાલે જણાવ્‍યું હતું કે જો પોતાને ફોન ચાલુ કરવા દેવાયો ન હોત અને પોલીસે એ ફોન ટ્રેસ ન કર્યો હોત તો કદાચ પોતાને પતાવી દેવાયો હતો. કારણ કે હસમુખ એવું સતત કહેતો હતો કે હું આમ પણ જેલમાં જવાનો જ છું, પણ એ પહેલા તને પુરો કરી નાંખીશ. પોલીસે ચારની ધરપકડ કરી બીજા બેની શોધખોળ આદરી છે.

(12:22 pm IST)
  • આજથી ગુજરાતમાં વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે : અશોકભાઈ પટેલ : સૌરાષ્ટ્ર - કચ્છમાં ૧૭ થી ૨૦ મેઘરાજા ફરી વરસશે : બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત access_time 1:35 pm IST

  • અટલજીની સ્‍થિતિ ગંભીર થતાં ૧૮-૧૯ મીએ દિલ્‍હીમાં યોજાનાર ભાજપની રાષ્‍ટ્રીય કારોબારી રદઃ ભાજપે તમામ કાર્યક્રમો કેન્‍સલ કર્યાઃ સગાઓ ગ્‍વાલીયરથી દિલ્‍હી દોડી આવ્‍યા access_time 5:16 pm IST

  • ભારત અને પાકિસ્તાનના સબંધો સુધારવામાં વાજપેયીના પ્રયાસો હંમેશા યાદ રહેશે :ઇમરાનખાન : ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ દેશ વિદેશના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી :પાકિસ્તાનના ભાવિ પીએમ ઇમરાનખાને અટલજીના નિધન પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું કે વાજપેયી એક ઉચ્ચ દરજ્જાના રાજનીતિક વ્યક્તિ હતા ,ભારત અને પાકિસ્તાનના સબંધો સુધારવામાં વાજપેયીના પ્રયાસો હંમેશા યાદ રહેશે access_time 12:53 am IST