Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મવડી રોડ ઇન્‍દ્રપ્રસ્‍થ હોલમાં આવેલા એટીએમ તોડવાનો પ્રયાસઃ ચોર પ્રિન્‍ટર ઉપાડી ગયો!

૧૫મીની રાત્રે ૩:૨૮ થી ૩:૫૦ દરમિયાન આવેલા બુકાનીધારીએ સીસીટીવીનું વાયરીંગ પણ તોડી નાંખ્‍યું

જેને તોડવાનો પ્રયાસ થયો તે એટીએમ, સીસીટીવી કેમેરાનું કપાયેલુ વાયરીંગ અને જેમાંથી પ્રિન્‍ટર ચોરી જવાયું તે મશીન તથા ઇન્‍સેટમાં બુકાનીધારી તસ્‍કર જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૬: થોડા દિવસ પહેલા જ પોલીસે ચાર તસ્‍કરોને પકડયા હતાં. જેણે બે સ્‍થળે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યાનું પણ કબુલ્‍યું હતું. ત્‍યાં વધુ એક એટીએમને તોડવાનો પ્રયાસ થયો છે. મવડી રોડ પર ઇન્‍દ્રપ્રસ્‍થ હોલના પહેલા માટે આવેલા એસબીઆઇના એટીએમમાં ઘુસેલા બુકાનીધારી શખ્‍સે એટીએમ તોડવાનો પ્રયાસ કરી સીસીટીવી કેમેરાનું વાયરીંગ કાપી નુકસાન કરતાં અને પાસબૂકનું પ્રિન્‍ટર મશીન ચોરી જતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ બારામાં પોલીસે જામનગર રોડ પર ગાયત્રીધામ-૧માં રહેતાં અને એસબીઆઇ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં મહેન્‍દ્રભાઇ પ્રેમજીભાઇ શેઠીયા (ઉ.૫૪)ની ફરિયાદ પરથી આઇપીસી ૪૫૭, ૩૮૦, ૪૨૭ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ૧૫મી ઓગષ્‍ટની રાત્રે ૩:૨૮ કલાકથી ૩:૫૦ કલાક સુધીના સમયગાળામાં એક બુકાનીધારી શખ્‍સે ઇન્‍દ્રપ્રસ્‍થ હોલના પહેલા માળે આવેલા એસબીઆઇના એટીએમમાં ઘુસી તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સીસીટીવી કેમેરાનું વાયરીંગ કાપી નાંખ્‍યું હતું. આ કારણે ૧૫ હજારનું નુકસાન થયું હતું.

બુકાનીધારી તસ્‍કર એટીએમ તોડવામાં સફળ ન થતાં તે ફોર્બ્‍સ કંપનીનું પાસબૂકનું આખુ પ્રિન્‍ટર રૂા. ૩૫ હજારનું ચોરી ગયો હતો. માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરી હેઠળ પીએસઆઇ જે. એચ. ખાચરે તપાસ શરૂ કરી છે.

(11:35 am IST)