Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

૨૦૧૨માં પડધરીની બે છાત્રાને એક સાથે ભગાડી જઇ સર્વસ્વ લૂંટી લીધુ હતું: ૨૦૧૪માં સીઆઇડીએ લુધીયાણાથી પકડ્યો ત્યારે કહેલું કે-૧૦ છોકરીઓને ફસાવી બાદમાં 'ટેન પરફેકટ વુમન' નામે પુસ્તક લખવું છે...!: સાતમો 'શિકાર' કર્યો

પેરોલ પર છુટેલો આજીવન સજાનો કેદી બદનામ બળાત્કારી ધવલ ત્રિવેદી ચોટીલાની છાત્રાને ફસાવીને ઉઠાવી ગયો!

શનિવારે ૧૧-૮ના સવારે કોલેજ ગયેલી ૧૮ વર્ષની એકની એક દિકરી બપોરે ઘરે પાછી ન આવતાં માતા-પિતા હિબકે ચડ્યાઃ આગેવાનોએ તપાસ કરતાં એ સાંજે જ ધવલ અમદાવાદની આંગડિયા પેઢીમાં પહોંચ્યાના સીસીટીવી ફૂટેજ મળ્યાઃ વધુ એક દિકરીની જિંદગી ધુળધાણી થઇ જાય એ પહેલા પકડવો જરૂરીઃ ડીઆઇજી સંદિપસિંઘ સુધી વાત પહોંચીઃ પેરોલ પર છુટી ૧૦ દિવસ ચોટીલા પાસેના કુંભારાની હોસ્ટેલમાં રહ્યોઃ ચોટીલામાં અંગ્રેજીના વર્ગો ચાલુ કર્યાઃ સાત છોકરીઓમાંથી એકને ફસાવી 'ટાર્ગેટ' પુરો ભાગી નીકળ્યોઃ અનેક ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતો અને બે-ચાર દિવસમાં જ કોઇપણ દિકરીને ફસાવી લેવાનું ગજબનું શૈતાની દિમાગ ધરાવતો ધવલ ગયા રવિવારે પેરોલ પુરા થાય એ પહેલાઃ ચોટીલામાં પણ ધવલને બદલે ધર્મેન્દ્ર નામ ધારણ કરીને રહ્યો'તોઃ ગંભીર ગુનામાં પેરોલ હોવાની કોઇને ગંધ ન આવવા દીધીઃ ભલભલાને વાકછટાથી આંજી દેવાની આવડતથી જાળ બીછાવી

રાજકોટ તા. ૧૬: હવસખોર, હલકટ,  દુષ્કર્મી...જેવા અનેક વિશેષણો પણ જેના માટે ઓછા પડે અને પડધરીની ગાર્ડી સ્કૂલની બે  છાત્રાઓના અપહરણ-બળાત્કારના ગુનામાં બે વર્ષ બાદ સીઆઇડી ક્રાઇમના હાથે ઝડપાયા બાદ જેને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે તે લંપટ જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ આ બદનામ બળાત્કારી ચોટીલાથી ૧૮ વર્ષની છાત્રાને ફસાવીને રફુચક્કર થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. નાની એવી દૂકાન ચલાવી ગુજરાન ચલાવતાં દંપતિની એકની એક યુવાન દિકરી આ રીઢા ગુનેગારની ચુંગાલમાં સપડાઇ જતાં દંપતિ ચોધાર આંસુ વહાવી રહ્યું છે. આ લંપટને અગાઉ પકડવામાં આવ્યો ત્યારે તેણે એવું કહ્યું હતું કે- 'હું દસ છોકરીઓને ફસાવીનેબાદમાં ટેન પરફેકટ વુમન નામે પુસ્તક લખવાનો છું'. પોતાનો આ ટાર્ગેટ પુરો કરવાનો ભયાનક ઇરાદો ધરાવતો આ શખ્સ તાબડતોબ પકડાઇ જાય તે માટે ડીઆઇજી શ્રી સંદિપસિંઘ સમક્ષ વાત પહોંચાડવામાં આવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

અનેક ભાષાઓનું જ્ઞાન ધરાવતો અને લંપટગીરીમાં જેને કદાચ કોઇ ન પહોંચી શકે તેવો અને પોતાને શિક્ષક તરીકે ઓળખાવતો મુળ વડોદરાના ધવલ હરિશ્ચંદ્ર ત્રિવેદી (ઉ. ૫૦) નામનો ઢગો વર્ષ ૨૦૧૨માં પડધરીની ગાર્ડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રિન્સીપાલ હતો ત્યારે ત્યાંની બે છાત્રાને મોહજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. આ બંને છાત્રાને અલગ-અલગ રાજ્યોમાં સતત બે વર્ષ સુધી ફેરવી પોતાની ઓળખ સતત બદલીને બંને છાત્રા સાથે શરીર સંબંધો બાંધી સર્વસ્વ લૂંટી લેનારો આ શખ્સ જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ વધુ એક યુવતિને લઇને ભાગી ગયો છે.

વિસ્તૃત વિગતો જોઇએ તો ચોટીલામાં એક નાનકડી દૂકાન રાખી ગુજરાન ચલાવતાં પ્રૌઢ તેમના પત્નિ સાથે રહે છે. તેને સંતાનમાં એક માત્ર અઢાર વર્ષની દિકરી છે. આ દિકરી કોલેજમાં અભ્યાસ કરે છે. આર્થિક હાલત સારી ન હોવા છતાં દિકરી પોતાની કારકિર્દી ઘડી શકે તે માટે પિતા તેને ગમે તેમ કરીને ભણાવતાં હતાં. આ દિકરી ગયા શનિવારે તા. ૧૧/૮ના રોજ સવારે ૬ઃ૫૦ કલાકે નિત્યક્રમ મુજબ કોલેજ જવા ઘરેથી નીકળી હતી. તેના માતા દરરોજ સવારે દસ વાગ્યે રિશેષ પડે ત્યારે દિકરીને ફોન કરી વાતચીત કરતાં હતાં. શનિવારે પણ તેમણે એમ જ કર્યુ હતું. પરંતુ દિકરીનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.

દરરોજ દિકરી બપોરે દોઢ સુધીમાં ઘરે આવી જતી હોઇ ત્યાં સુધી રાહ જોઇ હતી. પણ તે ઘરે ન પહોંચતા તેની બહેનપણીનો સંપર્ક કરવામાં આવતાં તેણી કોલેજમાં ગેરહાજર હોવાનું જણાતાં માતા-પિતા ચિંતામાં મુકાઇ ગયા હતાં. સગા-સંબંધીઓ અને આગેવાનોની મદદ લઇ શોધખોળશરૂ કરી હતી પણ કયાંય પત્તો મળ્યો નહોતો. અંતે પોલીસને જાણ કરી અરજી કરવામાં આવતાં કોલ ડિટેઇલ કઢાવવામાં આવતાં તેણે સોૈ પ્રથમ જેને ફોન કર્યો હતો અને નંબર કોનો? તે અંગે તપાસ થતાં સોૈ કોઇ ચોંકી ગયા હતાં. કારણ એ આ નંબર બીજા કોઇનો નહિ પણ બબ્બે છાત્રાના એક સાથે અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુનામાં સજા ભોગવતા અને હાલ પેરોલ પર છુટેલા લંપટ પ્રૌઢ ધવલ હરિશ્ચંદ્ર ત્રિવેદીના હતાં!ન ૨૦૧૨માં આ વાસનાખોર ધવલ ત્રિવેદી પડધરી ગાર્ડી સ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતો હતો. ત્યારે તે એક સાથે બબ્બે છાત્રાને ભગાડી ગયો હતો. આ બનાવથી જે તે વખતે ખળભળાટ મચી ગયો હતો. બબ્બે વર્ષ સુધી પડધરી પોલીસે મહેનત કરવા છતાં ધવલનો કે અપહૃત બંને બાળાઓનો પત્તો ન મળતાં તેના સ્વજનો આકુળ વ્યાકુળ થયા હતાં. બાદમાં આ તપાસનો દોર સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવતાં તે વખતના ડીવાયએસપી શ્રી દિગુભા વાઘેલા અને ટીમના પીએસઆઇ સાધુ, પદુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે દોડધામ શરૂ કરી હતી અને લાંબી મથામણને અંતે છેક ૨૦૧૪માં આ હવસખોર ધવલને બે છાત્રા સાથે પંજાબના લુધીયાણાથી દબોચી લીધો હતો. તેની સામે કોર્ટમાં કેસ ચાલી જતાં ગયા વર્ષે જ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારથી તે રાજકોટ જેલમાં સજા કાપતો હતો.

ધવલ ત્રિવેદીએ કોર્ટમાં પોતાના વિરૂધ્ધનો કેસ ચાલુ થયો ત્યારે વકિલ રાખ્યા નહોતાં અને તે જાતે જ પોતાનો કેસ લડ્યો હતો. દરમિયાન રાજકોટ જેલમાંથી ગયા મહિને જ તેને પેરોલ મળતાં તે જેલમાંથી બહાર આવ્યો હતો. સાત-આઠ મહિના જેલમાં રહેવા છતાં સુધરવાને બદલે આ લંપટીયો પોતાનો ૧૦ છોકરીઓનો 'શિકાર' કરાવનો ટાર્ગેટ પુરો કરવાના કામે લાગી ગયો હતો. જેમાં તેને સફળતા પણ મળી ગઇ અને ચોટીલાથી ૧૮ વર્ષની યુવતિને લઇ નાશી ગયો છે.

ધવલે પેરોલ પર છુટ્યા બાદ જેલમાં જ પોતાની સાથે રહેલા કોઇ શખ્સની મદદથી ચોટીલા પંથકમાં બે-ત્રણ સ્કૂલોમાં શિક્ષક તરીકે નોકરી મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતાં. પોતે અનેક ભાષાઓનું જ્ઞાન ધરાવે છે અને શિક્ષક તરીકે તેના સિવાય બીજું કોઇ સવાયું હોય ન શકે તે રીતે સામેની વ્યકિત પર હાવભાવ જમાવવામાં પાવરધો એવો ધવલ ચોટીલા પંથકમાં નોકરી ન મળે ત્યાં સુધી કુંભારા ગામે આવેલી હોસ્ટેલમાં રોકાણ કરવામાં સફળ થઇ ગયો હતો!

તે દસ જ દિવસ માટે ચોટીલાના કુંભારામાં રોકાયો હતો અને ચોટીલા ખાતે અંગ્રેજીના ટ્યુશન કલાસ શરૂ કરી દીધા હતાં. આ કલાસીસમાં આવનાર છાત્રાઓને તે સો ટકા નોકરી અપાવી દેશે તેવી વાત વહેતી કરી હતી. આ કારણે કોલેજની સાત-આઠ છોકરીઓએ તેના કલાસીસમાં જવાનું શરૂ કર્યુ હતું. તે સાથે જ ધવલે પોતાના શૈતાની દિમાગને કામે લગાડી દીધુ હતું અને ચાર-પાંચ દિવસમાં જ એક ૧૮ વર્ષિય યુવતિને માઇન્ડવોશ કરી પોતાની 'જાળ'માં ફસાવવામાં સફળ થઇ ગયો હતો. તેના પેરોલ ૧૨-૮-૧૮ના રોજ પુરા થવાના હતાં. એ પહેલા શનિવારે ૧૧મીએ જ તે યુવતિને લઇને ભાગી ગયો હતો!

૧૦ યુવતિઓને ફસાવવાનો, શિકાર કરવાનો ટાર્ગેટ પુરો કરવાના ઇરાદા સાથે ભાગી  છૂટેલા આ લંપટને શોધવા ચોટીલાથી દિકરીના પરિવાજનો અને આગેવાનોની ટીમે દોડધામ કરી મુકતાં તે પહેલા મોરબી તરફ ગયાનું અને ત્યાંથી શનિવારે સાંજે જ અમદાવાદ પહોંચ્યાની માહિતી મળી હતી. અમદાવાદના રતનપોળમાં એઅ.આર. આંગડિયામાં તેણે ભાવનગરથી રૂા. ૧૦ હજારનું આંગડિયુ મંગાવ્યાની માહિતી પણ મળી હતી. આ આંગડિયા પેઢીમાં તે શનિવારે સાંજે ૫ઃ૫૪ કલાકે હાજર હોવાના સીસીટીવી ફૂટેજ મળ્યા હતાં. જેમાં તેણે કેસરી ટી-શર્ટ, બ્લુ જીન્સ તથા માથે ટોપી પહેરેલી હતી. આ શખ્સ હવે રાજ્ય બહાર જતો રહ્યાની દ્રઢ શંકા છે. છોકરીઓને ફસાવીને ભગાડી જવાની ગુનાખોરીમાં ગજબનાક તરકીબો અજમાવવામાં પાવરધો ધવલ વધુ એક દિકરીની જિંદગી બરબાદ કરી નાંખવાના ઇરાદા સાથે ભાગી છુટ્યો છે ત્યારે તેને કોઇપણ ભોગે દબોચી લેવો જરૂર છે.  આ મામલે ડીઆઇજી શ્રી સંદિપસિંઘ સુધી વાત પહોંચતા તેમણે અંગત રસ લઇ તાકીદે તપાસના આદેશો કરતાં ટીમોએ દોડધામ શરૂ કરી દીધી છે.

૨૦૧૨માં પડધરીની ગાર્ડી હોસ્ટેલમાંથી રાત્રે અઢી વાગ્યે બે છાત્રાને લઇ પાછલા બારણેથી ભાગી ગયો'તો

રાજકોટ તા.૧૬: વર્ષ ૨૦૧૨માં પડધરીની ગાર્ડી ઇન્ટરનેશનલ સ્કૂલની બે છાત્રાને મોહજાળમાં ફસાવી ભગાડી ગયેલા એ જ સ્કૂલના જે તે વખતના પ્રિન્સીપાલ ધવલ હરિશ્ચંદ્ર ત્રિવેદીને ૨૦૧૪માં સીઆઇડી ક્રાઇમની ટીમે પંજાબના લુધીયાણાથી ઝડપી લઇ બાદમાં તેને સાથે રાખી ગાર્ડી હોસ્ટેલ ખાતે પંચનામુ કર્યુ હતું. આ દરમિયાન એવુ બહાર આવ્યુ હતું કે જે રાત્રે ધવલ બંને છાત્રાઓને ભગાડી ગયો તે પૂર્વયોજીત હતું. રાત્રે બે-અઢી વાગ્યા આસપાસ પોતે  ટેકસી લઇને આવે એટલે નીકળી જવાનો પ્લાન આગલે દિવસે જ છાત્રાઓનેે ઠસાવી દીધો હતો. આ મુજબ હોસ્ટેલના મહિલા રેકટર નીચેના મજલે પોતાના રૂમમાં સુઇ ગયા હતાં ત્યારે ત્રણેય બીલ્લી પગે નીકળી ગયા હતાં.  ઘટના બની ત્યારે ગાર્ડી કેમ્પસની લેડિઝ હોસ્ટેલના બીજા માળે અન્ય દસ છાત્રાઓ સાથે બંને અપહૃત છાત્રાઓ હતી. જો કે ધવલની મોહજાળમાં ફસાયેલી બંને સગીરાઓએ કોઇને પણ ભનક આવવા દીધી નહોતી. તપાસનીશ એજન્સીએ આ પહેલા સાથી છાત્રાઓના નિવેદન નોંધ્યા હતાં. રેકટરનું પણ નિવેદન નોંધાઇ ચુકયુ હતું. આ વિગતો તે વખતના  ડીવાયએસપી ડી.એમ. વાઘેલા અને ટીમની તપાસમાં ખુલી હતી. 

હવસખોર ધવલ ત્રિવેદી કોઇને પણ કયાંય પણ જોવા મળે તો તુરત જ પોલીસને જાણ કરો

અગાઉ છ-છ દિકરીઓને પોતાની મોહજાળમાં ફસાવી તેની જિંદગી બરબાદ કરી ચુકેલો અને પડધરીની સ્કૂલમાંથી એક સાથે બબ્બે સગીર છાત્રાને ભગાડી ગયા બાદ બે વર્ષે પકડાયેલો નફફટ હવસખોર ધવલ હરિશ્ચંદ્ર ત્રિવેદી નામનો ૫૦ વર્ષનો ઢગો (તસ્વીરમાં ઉભેલો છે તે) અપહરણ-બળાત્કાર-પોસ્કોના ગુનામાં આજીવન કેદની સજા પડતાં રાજકોટ જેલમાં સજા ભોગવી રહ્યો છે...ગયા મહિને પેરોલ પર છુટેલો આ શખ્સ ગયા શનિવારે ચોટીલાની એક ૧૮ વર્ષની છાત્રાને મોહજાળમાં ફસાવી તેણીને લઇને ભાગી નીકળ્યો છે...રવિવારે ૧૨મીએ તેના પેરોલ પુરા થવાના હતાં એ પહેલા તે રફુચક્કર થઇ જતાં પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છેઃ તસ્વીરમાં દેખાતો આ શખ્સ કોઇને કયાંય પણ જોવા મળે તો તુરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવીઃ એક દિકરીની જિંદગી બચી શકે તેમ છે...આ તસ્વીર તે ૨૦૧૪માં પકડાયો ત્યારની છેઃ ઉપરની બે તસ્વીરો તે ૧૧-૦૮-૨૦૧૮ના સાંજે અમદાવાદની આંગડિયા પેઢીમાં પોતાનું આંગડિયુ લેવા પહોંચ્યો હતો ત્યારની તાજી તસ્વીરો છે, જેમાં તેણે કેસરી ટી-શર્ટ, બ્લુ જીન્સ અને માથે ટોપી પહેરેલા છે, આ ફૂટેજ છાત્રાના વાલી અને ચોટીલાના આગેવાનોએ અમદાવાદથી મેળવ્યા છે

 

૨૦૧૪માં સીઆઇડી ક્રાઇમના તત્કાલીન આઇજીપી શશિકાંત ત્રિવેદીના માર્ગદર્શનમાં ડીવાયએસપી શ્રી ડી. એમ. વાઘેલા અને તેમની ટીમે અથાક મહેનત કરી લંપટ ધવલ ત્રિવેદીને લુધીયાણાથી પકડ્યો હતો. નક્કર પુરાવા એકઠા કરીને તેનેકોર્ટમાં રજૂ કરાતાં આ શખ્સને આજીવન કેદની સજા પડી હતી

બે વર્ષ સુધી ભાગતો ફર્યો ત્યારે જુદા-જુદા નામ ધારણ કરી આઠ સીમ કાર્ડ કઢાવ્યા'તા

હરિયાણામાં એક સગીરાની સેંથીમાં સિંદુર પુરી પોતે તેનો પતિ હોવાનો ફોટો બતાવી બોગસ ઇલેકશન  કાર્ડ પણ કઢાવી લીધુ'તું!!

રાજકોટ તા. ૧૬:  ધવલ ત્રિવેદીને ૨૦૧૪માં સીઆઇડી ક્રાઇમની ટીમે પકડ્યો ત્યારે તેની પાસેથી  આઠ સીમ કાર્ડ, એટીએમ કાર્ડ, ચાર મોબાઇલ ફોન તથા અન્ય સાહિત્ય કબ્જે લીધુ  હતું. ધવલ બંને છાત્રાઓને લઇ જ્યાં-જ્યાં ફરતો રહ્યો હતો ત્યાં પોતાની ઓળખ છૂપાવવા જુદા-જુદા નામ આપતો રહ્યો હતો અને જુદા-જુદા નામે મોબાઇલના સીમ કાર્ડ કઢાવતો રહ્યો હતો. તેણે હરિયાણા ખાતેથી ખોટુ નામ ધારણ કરી પોતાનો અને એક સગીરાનો સેંથીમાં સિંદુર લગાડેલો ફોટો મુકી બોગસ ઇલેકશન કાર્ડ કઢાવ્યુ હતું તે પણ તપાસ માટે કબ્જે લેવાયું હતું.

ધવલે ૧૯૯૭માં બરોડા હતો ત્યારે પંજાબી યુવતિ સાથે પ્રેમ થતાં ૧૯૯૭માં યુવતિના માતા-પિતાને પોતે પંજાબી હોવાની ઓળખ આપી લગ્ન કરી લીધા હતાં. ત્યાર બાદ એક પુત્રીનો પિતા બન્યો હતો. એ પહેલા ૧૯૯૬માં મુંબઇની યુવતિ સાથે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતાં. હવે ધવલનું મેડિકલ ચેકઅપ કરાવાતાં તેણે પડધરીથી જેને ભગાડી ગયો હતો તે બંને છાત્રા સાથે શરીર સંબંધ બાંધ્યાનું સ્વીકારતાં પોસ્કોની કલમનો ઉમેરો કરાયો હતો. (૧૪.૧૦)

(10:38 am IST)