Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રાજકોટની ભાગોળે કાર અકસ્‍માતઃ પટેલ યુવક-યુવતિના મોતઃ બેને ઇજા

કાલાવડથી રાજકોટ તરફ આવી રહેલી કાર સામેથી આવતી બીજી કાર સાથે અથડાઇઃ છાપરા નજીક બનાવ : જામકંડોરણાના કાનાવડાળાના સ્‍મીત વરસાણી (ઉ.૧૮) અને સુરતની જેન્‍સી વાટલીયા (ઉ.૧૯) કાળનો કોળીયો બન્‍યાઃ સાથેના પિયુષ વરસાણી (ઉ.૩૦) અને પુજાબેન ડોબરીયા (ઉ.૨૨) સારવારમાં

તસ્‍વીરમાં સુરતની જેન્‍સી વાટલીયા અને કાનાવડાળાના સ્‍મીત વરસાણીના નિષ્‍પ્રાણ દેહ તથા ઇજાગ્રસ્‍ત પૈકીના પૂજાબેન ડોબરીયા અને નીચેની તસ્‍વીરોમાં ઘટના સ્‍થળે અકસ્‍માતગ્રસ્‍ત બંને કાર તથા તેમાંથી ઘાયલોને બહાર કાઢી રોડ પર સુવડાવવામાં આવ્‍યા તે દ્રશ્‍યો જોઇ શકાય છે

રાજકોટઃ તા.૧૬: રાજકોટ-કાલાવડ હાઇવે પર આણંદપર-છાપરા નજીક આવેલી ગાર્ડી કોલેજ પાસે બે કાર ધડાકાભેર સામ-સામે અથડાતાં જામકંડોરણાના કાનાવડાળાના ૧૮ વર્ષના પટેલ યુવાન અને સુરતથી આવેલા તેના કોૈટુંબીક સગાના ૧૯ વર્ષના દિકરીના કમકમાટી ભર્યા મોત નિપજતાં પરિવારોમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ ગોઝારા અકસ્‍માતમાં બંને મૃતકના અન્‍ય બે સ્‍વજનને ગંભીર ઇજા પહોંચતાં સારવાર હેઠળ છે. આ તમામ કાલાવડ તરફથી રાજકોટ આવી રહ્યા હતાં.

ઘટનાની પ્રાપ્‍ત માહિતી મુજબ ૧૫મી ઓગષ્‍ટની સાંજે ચારેક વાગ્‍યા આસપાસ રાજકોટની ભાગોળે છાપરા નજીક હોન્‍ડા સીટી કાર નં.જી.જે.૦૧-આરઇ-૫૯૨૩ અને બીજી કાર જી.જે.૦૩ જેઆર ૭૨૩૪ સામ-સામે અથડાતાં બંને કારમાં ભારે નુકસાન થયું હતું અને એક કાર રોડ નીચે ઉતરી ગઇ હતી. અકસ્‍માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

હોન્‍ડા સીટી કારમાં બેઠેલા ચાર લોકો  સુરતના પુણા ગામમાં રહેતી જેન્‍સીબેન મનસુખભાઇ વાટલીયા (ઉ.વ.૧૯) અને જામકંડોરણાના કાનાવડાળાના સ્‍મિત પ્રકાશભાઇ વરસાણી (ઉ.વ.૧૮) તથા સુરતના પૂજાબેન દેવરાજભાઇ ડોબરીયા (ઉ.૨૨) અને કાનાવડાળાના પિયુષ શૈલેષભાઇ વરસાણી (ઉ.૩૦)ને સારવાર માટે વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ જેન્‍સીબેન અને સ્‍મીતના મોત નિપજ્‍યા હતાં. જ્‍યારે જેન્‍સીના માસીયાઇ ભાઇ અને સગા પૂજાબેનને સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતાં.

અકસ્‍માતમાં કાળનો કોળીયો બનેલો સ્‍મીત વરસાણી એન્‍જીનીયરીંગનો અભ્‍યાસ કરતો હતો અને એક બહેનથી નાનો તથા માતા-પિતાનો એકનો એક લાડકવાયો હતો. જ્‍યારે જેન્‍સીબેન એક ભાઇથી મોટી હતી. તેના પિતા રત્‍ન કલાકાર છે.

અકસ્‍માત સર્જાતા થોડીવાર ટ્રાફીક જામ થઇ ગયો હતો બનાવની જાણ થતાં લોધીકા પોલીસ મથકના પી.એસ.આઇ, એચ.પી.ગઢવી, એ.એસ.આઇ, જે.બી. રાણા, સહીતના સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી ટ્રાફીક ક્‍લીયર કરાવ્‍યો હતો. વોકહાર્ટ હોસ્‍પિટલમાંથી એન્‍ટ્રી આવતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એમ.એમ.સોલંકી, એએસઆઇ- આર.એચ.કોડીયાતર દીનેશભાઇ શીવભદ્રસિંહે પ્રાથમીક કાગળો કરી લોધીકા પોલીસને મોકલ્‍યા હતાં. બનાવને પગલે કાનાવડાળા અને સુરતના પટેલ પરિવારોમાં શોક છવાઇ ગયો હતો.

(11:20 am IST)