Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ચોમાસામાં પેટના રોગોથી બચવાના ઉપાયો અને સાવચેતી

આપણા શરીરમા સૌથી અગત્યનુ અંગ પેટ છે.આપણે પેટને માત્ર પેટ તરીકે જ ઓળખીએ છીએ પરંતુ પેટમા શરીરના સૌથી અગત્યના અંગો હોજરી, લીવર, નાનુ આંતરડુ, મોટુ આંતરડુ, ગોલ્ડ બ્લેડર વિગેરે આવેલ છે. તેમાથી એકપણ અંગને નુકશાન થાય તો આખા શરીરના અવયવો કામ કરતા બંધ થઈ જાય છે. પેટને તબીબો મેજીક બોક્ષ પણ કહે છે.

વોકહાર્ટ હોસ્પીટલના વરિષ્ઠ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ અને પેટના રોગોના નિષ્ણાંત ડો.પ્રફુલ કમાણી જણાવે છે કે વર્તમાન સમયમા કોરોના જેવી મહામારી સામે દેશ અને દુનિયા ઝઝુમી રહી છે અને રોજ તેના કેસોમા ચિંતાજનક વધારો થતો જાય છે. વધારામા કોરોનાની સાથે સાથે આ વર્ષે ચોમાસુ પણ વહેલુ શરુ થયેલ છે અને વરસાદની માત્રા પણ વધારે છે. ચોમાસામા થતા અનેક રોગોથી પણ કાળજી રાખીશુ તો વધુ એક ચિંતામાથી મુકતી મળશે.

ડો. કમાણીએ જણાવેલ છે કે આપણી રોજીંદી લાઈફસ્ટાઈલ એટલે સવારે ઉઠયા ત્યારથી રોજીંદા કાર્યમા આખો દિવસ પસાર થઈ જાય પરંતુ તેના સાથે ઋતુનુ પણ ઘણું મહત્વ હોય છે તો તેની સાથે સાથેે ઋતુગત આહાર પણ શરીરમાં અગત્યનો ભાગ ભજવે છે. સમયની સાથે માણસની જીવનશૈલી બદલાઈ છે આજનો માણસ એક યંત્રની માફક સતત કામ કરતો રહેતો હોય છે અને અનેક જવાબદારીના પોટલા માથે લઈને ફરતો રહે છે એવામા પોતાના સ્વાસ્થ્યની તકેદારી રાખવાનુ તે ભુલતો જાય છે.

ડો.કમાણીએ વધુમા જણાવેલ છે કે આજે લોકોનુ જીવન સતત ચિંતા, ધમાલિયું, વ્યસની બની ગયુ છે જેની અસર આપણા પાચનતંત્ર પર પડે છે.પરિણામે એસીડીટી,આંતરડા નબળા પડવા, ખોરાક પચતો નથી અને તેના કારણે મન પણ શાંત રહી શકતુ નથી. આપણી જીભને ચટાકેદાર ખાણીપીણી ખાવાની ટેવ છે સાથો સાથ રાજકોટ વાસીઓ બહારનુ ખાવાના ભારે શોખીન રહયા છે.આવી ખાણી પીણી બનાવવામા વપરાતા મસાલામાં લેવાતા દ્રવ્યો પાચનતંત્ર માટે હાનિકારક સાબિત થાય છે જેની લાંબા ગાળે જાણ થાય છે.સામાન્ય રીતે આવા સમયે ભુખ મરી જાય,છાતીમા દાહ બળે, ખાટા ઓડકાર આવે, વાયુ થાય, માથુ દુખે થાય છે. બહુ તીખો તળેલો ખોરાક ખાનાર વ્યકિતને કફ ક્ષીણ થઈ જાય છે. માણસનો અગ્ની તંદુરસ્ત હોય તો જ પાચન સારુ થાય છે.

ડો.કમાણીએ વધુમા જણાવેલ હતુ કે માણસનુ શરીર ૭૦ ટકા પાણીનુ બનેલુ છે. કોઈ વ્યકિતને જમવાનુ ચાર દિવસ ન આપો તો ચાલે,પરંતુ પાણી જ જીવન છે,પરંતુ જયારે આ પાણી દુષિત થાય ત્યારે એ જીવન પર જોખમ ઉભુ કરતુ હોય છે. દુષિત પાણી પીવાથી અનેકાઅનેક રોગોનો સામનો કરવો પડે છે અને ચોમાસાની સીઝન એટલે પાણીને વધુને વધુ દુષિત થવાની સીઝન. ચોમાસામા ઠેર ઠેર પાણી ભરાય છે,ગટરો છલકાય છે અને એને કારણે પીવાના પાણી સાથે દુષિત પાણી ભળી જાય છે અને પછી શરૂ થાય છે બીમારીના વાયરા. પાણીથી ફેલાતા રોગોમા મહત્વનુ એ છે કે આ બધી જ ચેપી બીમારીઓ છે જે ફકત એક માણસને નહી પરંતુ સમગ્ર કમ્યુનિટીને અસર કરે છે.

પેટના રોગોથી બચવાના ઉપાય

પાણીથી થતા રોગોની સંખ્યા વધુ છે તેથી ઘરમા તમે વોટર ફિલ્ટર વાપરો અને તેની પણ સમયસર સર્વીસ કરાવતા રહો અથવા સુવિધા ન હોય તો ઉકાળેલુ પાણી પીવાનો આગ્રહ રાખો.ઈન્ફેકશન અને બેકટેરીયાથી બચવા માટે તમારા હાથ વારંવાર સાફ કરો,ચોમાસાના ચાર મહિના દરમ્યાન બહારનો વાસી ખોરાક લેવાનુ ટાળો,ખોરાકને હંમેશા ઢાંકીને જ રાખો જેથી તેના પર માખી કે જીવજંતુ ન બેશે જેથી બેકટેરીયા ન ફેલાઈ,નાના બાળકો ને સમયસર રસી લગાવો. પનીર,ચીઝ,ચટણી જેવી વસ્તુઓ આ ઋતુ દરમિયાન ખાવાનુ ટાળો અને આ બધી સાવચેતી ચોમાસુ બેસે તેના પંદર દિવસ પહેલાથી લેવી જોઈએ.

: સંકલન :

ડો. પ્રફુલ કમાણી

ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ

એમ.ડી. (મેડીસીન)

ડી.એન.બી. (ગેસ્ટ્રો)

એન.એમ.વિરાણી વોકહાર્ટ

હોસ્પિટલ, રાજકોટ.

(3:19 pm IST)