Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

રોજીંદી આવક તુટી છે તેવા સંજોગોમાં રીક્ષા ચાલકોને ગણવેશના ખર્ચા કેમ પરવડે?

પુનઃ વિચારણા કરવા એડવોકેટ પરકીન રાજાની મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૧૬ : રીક્ષા ચાલકોને એપ્રોન પહેરવાના જાહેર નામાને અયોગ્ય ઠેરવતા કોંગ્રેસ અગ્રણી અને રાજકોટ બાર એસો.ના પુર્વ કારોબારી સભ્ય એડવોકેટ પરકીન રાજાએ આ બાબતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી ફેર વિચારણા કરવા રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે રીક્ષા ચાલકોની સંખ્યા આપણે ત્યાં ખુબ વધુ છે. પરંતુ અંશત અસંગઠીત શ્રમિકોની વ્યાખ્યામાં છે. જેને કાયમી યુનિયન કે સંગઠન ન હોય તેમના ઉપર અચાનક કોઇપણ જાતની જાણ કર્યા વગર ડ્રેસકોડ લાદી દેવાની વાત ગેરવ્યાજબી છે.

એક તો લોકડાઉનના સમયગાળામાં રીક્ષાના વ્યવસાયને મોટી અસર થઇ છે.

રોજીંદી આવક બંધ થતા બેરોજગારીની હાલતમાં આવી ગયા. કેટલાકે તો રીક્ષા વેચી નાખવી પડી તો કેટલાકે ગીરવે મુકવી પડી તેવા સંજોગો સર્જાયા છે. ત્યારે આવી પરિસ્થિતીમાં પરિવારના પાલન પોષણની ચિંતામાં રહેલા રીક્ષા ચાલકો ગણવેશના ખર્ચા કઇ રીતે કરી શકે? તેવો સવાલ પરકીન રાજાએ ઉઠાવી સત્વરે રીક્ષા ચાલકોને ગણવેશના નિયમમાં ઘટતુ કરવા અંતમાં જણાવેલ છે.

(3:09 pm IST)