Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કોરોનાએ કર્યો વધુ એક શિકારઃ રાજકોટ સિવિલમાં સુરેન્દ્રનગરના વૃધ્ધે દમ તોડ્યો

ત્રણ દિવસનો મૃત્યુઆંક થયો એક ડઝન

રાજકોટ તા. ૧૬: કોરોનાની મહામારીમાં રોજબરોજ નવા પોઝિટિવ કેસ સામે આવતાં જાય છે અને સાથોસાથ મૃત્યુ આંક પણ વધતો જાય છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ વિભાગમાં ગઇકાલે પાંચ દર્દીએ દમ તોડી દીધો હતો. આજે સવારે વધુ એક દર્દી કોરોનાના શિકાર બન્યા છે.

જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર રહેતાં મહિપતસિંહ મનજીભાઇ પરમાર (ઉ.વ.૬૫)ને કોરોનાની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે વહેલી સવારે તેમનું મોત નિપજતાં મૃતદેહને અંતિમવિધી માટે ફાયર બ્રિગેડને સોંપવામાં આવ્યો હતો. આ વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયેલો હતો.

નોંધનીય છે કે ગઇકાલે રાજકોટના મોરબી રોડના નિતીનભાઇ સવસાણી (ઉ.વ. ૩૫), ચુડાના વર્ષાબેન શેઠ (ઉ.વ.૬૯), ગોંડલ મેસપરના ભીખુભા જાડેજા (ઉ.૮૦), ધોરાજીના પરષોત્તમભાઇ ભોવાનભાઇ (ઉ.૭૦) અને મોરબીના મેમુનાબેન મકવાણા (ઉ.૬૩)એ દમ તોડ્યો હતો. એ પહેલા એટલે મંગળવારે ૬ દર્દીનો જીવ ગયો હતો. આમ ત્રણ દિવસમાં જ મૃત્યુ આંક ડઝન થઇ ગયો છે.

(1:03 pm IST)