Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

પુષ્કરધામ રોડ પર આરએમસી કવાર્ટરમાં કોલેજના સિકયુરીટી ગાર્ડ લુઇસ જેફરીનો ફાંસો ખાઇ આપઘાત

ક્રિશ્ચીયન પ્રોૈઢને નશો કરવાની આદત હોઇ ઘરમાં સતત કલેશ થતો હતોઃ પત્નિ સંતાનોને લઇ સાસુ-સસરાને ત્યાં ગઇ અને પાછળથી પતિએ આ પગલુ ભરી લીધું

રાજકોટ તા. ૧૬: પુષ્કરધામ રોડ પર આવેલા આરએમસી કવાર્ટરમાં રહેતાં અને ખાનગી કોલેજમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં ક્રિશ્ચીયન પ્રોૈઢ મિસ્ટર લુઇસ એન્થોની જેફરી (ઉ.વ.૪૯)એ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી કિશનભાઇ મારફત થતાં યુનિવર્સિટીના હેડકોન્સ. અજયસિંહ ચુડાસમા તથા બ્રિજરાજસિંહ વાળાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. એ પહેલા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હોઇ તેની ટીમે દરવાજો તોડીને જોતાં અંદર લુઇક જેફરી લટકતા મળ્યા હતાં. ત્યારબાદ ૧૦૮ના ઇએમટીએ આવી તેમને મૃત જાહેર કર્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર લુઇસ જેફરી હરિવંદના કોલેજમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. તેમને નશો કરવાની આદત હતી. આ કારણે ઘરમાં અવાર-નવાર કલેશ થતો રહેતો હતો. ગઇકાલે તેમના પત્નિ પુત્ર-પુત્રીને લઇને રેલ્વે કોલોનીમાં સાસુ-સસરાને ત્યાં ગયા હતાં. પાછળથી મિસ્ટર લુઇસ ઘરે એકલા હોઇ ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મગજ ભમતો હોવાથી દિનેશભાઇએ ડીડીટી પીધું

નાના મવા સર્કલ પાસે ભીમનગરમાં રહેતાં દિનેશભાઇ દાનાભાઇ વાળા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢે ડીડીટી પાવડર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. દિનેશભાઇ પ્લમ્બીંગ કામ કરે છે. મગજ ભમતો હોવાથી આમ કર્યાનું તેણે કહ્યું હતું.

(1:02 pm IST)