Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જિલ્લામાં આત્મનિર્ભર યોજના અન્વયે ૩૭૧૫ નાના વ્યવસાયીઓની અરજી મંજૂરઃ ૨૮૭૯ લોકોને રૂ. ૩૬.૭૬ કરોડ લોન પેટે ચુકવાયા

રાજકોટ તા.૧૬:કોરોના વાઇરસના સંક્રમણની વૈશ્વિક મહામારીને લીધે લોકડાઉન દરમ્યાન ધંધા-રોજગારને વિપરીત અસર થઇ છે. નાના શ્રમિકો વ્યાવસાયિકો, કારીગરો અને મધ્યમ વર્ગને આર્થિક સંકડામણમાંથી ઉગારવા અને અર્થતંત્રને ફરીથી વેગવંતુ અને આત્મનિર્ભર બનાવવા રાજયસરકાર દ્વારા ૨૧.૫.૨૦૨૦થી આત્મનિર્ભર - ૧ અને ૧ જુલાઈ-૨૦૨૦ થી આત્મનિર્ભર-૨ યોજનાઓ અમલી બનાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણાયકતા દર્શાવી છે.   જિલ્લા સહકારી રજીસ્ટ્રારશ્રી ટી.સી.તિર્થાણીએ વિગતો આપતાં જણાવ્યું છે કે ગઇ કાલ તા.૧૪ સુધીમાં રાજકોટ જિલ્લામાં આત્મનિર્ભર યોજના-૧ હેઠળ કુલ ૩૭૧૦ લોન મંજૂર થઈ છે, જે પૈકી ૨૮૭૯ લોકોને રૂ. ૩૬.૭૬ કરોડ રકમ લોન પેટે ચૂકવવામાં આવેલ છે. આ ઉપરાંત આત્મ નિર્ભર-૨ યોજનાના ૧૭ લોન કેસ મંજૂર થયા છે.

મંજુર કરેલ લોન પૈકી રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા કુલ ૨૭૧૫, ગોંડલ નાગરિક સહકારી બેંક દ્વારા ૨૯૦, સીટીઝન નાગરિક સહકારી બેંક દ્વારા ૩૮,  જીવન સહક્રારી બેંક દ્વારા ૧૫, પાર્શ્વનાથ બેંક દ્વારા ૪, રાજકોટ જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા ૪૦૦, રાજ બેંક દ્વારા ૬૪ લોન કેસ મંજૂર કરવામાં આવેલ છે. જયારે રાજકોટ કોમર્શિયલ બેંક દ્વારા ૮, વિજય કોર્મશીયલ કો.ઓપ.બેંક દ્વારા ૩૦ લોન કેસ મંજૂર કરવામાં આવેલ છે અને વિવિધ મંડળીઓ દ્વારા ૧૩૩ લોન કેસ મંજૂર કરવામાં આવેલ છે.

(11:20 am IST)